Get The App

'કોંગ્રેસ અધ્યક્ષ એક્શન લો...', CWCમાં રાહુલ ગાંધી ખુલીને બોલ્યા, ચૂંટણી પરાજય અંગે થઈ ચર્ચા

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
'કોંગ્રેસ અધ્યક્ષ એક્શન લો...', CWCમાં રાહુલ ગાંધી ખુલીને બોલ્યા, ચૂંટણી પરાજય અંગે થઈ ચર્ચા 1 - image
Image: X

Congress CWC Meeting: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ શુક્રવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીએ કાર્ય સમિતિ(CWC)ની બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટપણે કહ્યું કે, હવે જવાબદેહી નક્કી કરવામાં આવશે અને કડક નિર્ણય લેવામાં આવશે. ખડગેએ ઈવીએમને લઈને પણ નિવેદન આપ્યું અને કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સાથે 'ગંભીરરૂપે ચેડા' કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ જલ્દી જ દેશવ્યાપી તેનું આંદોલન શરુ કરશે. 

EVM પર ઉઠ્યા સવાલ

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીને (ઈવીએમ) ચૂંટણી પ્રક્રિયા શંકાસ્પદ બનાવી દીધી છે અને આવી સ્થિતિમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવું ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ શુક્રવારે દેશની રાજકીય સ્થિતિ પર અને મહારાષ્ટ્ર તેમજ હરિયાણા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ દેખાવના કારણો વિશે ચર્ચા કરી, જેમાં ઘણાં નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો.

આ પણ વાંચોઃ કોંગ્રેસી દિગ્ગજની જીભ લપસી, PM મોદી-ચૂંટણીપંચ અંગે આપ્યું વિવાદિત નિવેદન, માફીનો પણ ઈનકાર

કાર્ય સમિતિએ નિર્ણય લીધો છે કે, ચૂંટણી પ્રક્રિયા સાથે થઈ રહેલા 'ગંભીર ચેડા' સાથે જોડાયેલી ચિંતાને રાષ્ટ્રીય આંદોલનના રૂપે ઉઠાવવામાં આવશે. પાર્ટીએ કહ્યું કે, આ મુદ્દા પર INDIA ગઠબંધનની પાર્ટીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે.

'અમારે કડક નિર્ણય લેવા પડશે'

પાર્ટી પ્રમુખ ખડગેએ કહ્યું કે, ચૂંટણીની હારને ધ્યાને રાખીને કડક નિર્ણય લેવા પડશે અને જવાબદેહી પણ નક્કી કરવી પડશે. નેતાઓએ ચૂંટણી પરિણામથી શીખ લેવી જોઈએ. ખડગેનું માનવું છે કે, EVMએ ચૂંટણી પ્રક્રિયાને શંકાસ્પદ બનાવી દીધી છે. કાર્યકર્તાઓને પ્રશ્ન પૂછતાં ખડગેએ કહ્યું કે, પાર્ટીના રાજ્ય નેતા વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દા અને રાષ્ટ્રીય નેતાઓ પર ક્યાં સુધી નિર્ભર રહેશે?

રાહુલે એક્શનની કરી માગ

વળી, રાહુલ ગાંધીએ પાર્ટીના ખરાબ પરિણામોને ધ્યાને લઈને ખડગેને કડકાઈથી કામ કરાવવાનો આગ્રહ કર્યો છે. જ્યારે ચૂંટણીને લઈને જવાબદેહી નક્કી કરવાની વાત થઈ રહી હતી તો રાહુલ ગાંધીએ કહ્યું, 'ખડગે જી, એક્શન લો.'

આ પણ વાંચોઃ 'મોટો નિર્ણય લેતા પહેલા તેઓ પોતાના ગામ જાય છે...', શિંદેને લઈને શિવસેના નેતાનું મોટું નિવેદન

નિવેદનબાજીઓથી થયું નુકસાનઃ ખડગે

ખડગેએ કોંગ્રેસના આપસી વિખવાદ પર નિશાન સાધતા કહ્યું કે, 'સૌથી મહત્ત્વની વાત જે હું વારંવાર કહું છું કે, આપસી એકતામાં કમી અને એકબીજા સામે નિવેદનબાજીમાં આપણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જ્યાં સુધી આપણે એક થઈને ચૂંટણી નહીં લડીએ, એકબીજા પર નિવેદનબાજીઓ બંધ નહીં કરીએ, તો આપણે વિરોધીઓેને કેવી રીતે હરાવી શકીશું? પાર્ટીના નેતાઓએ પ્રતિસ્પર્ધીઓના પ્રચાર અને ખોટી સૂચનાનો અસરકારક રીતે સામનો કરી વ્યૂહરચના વિકસાવવી પડશે.

કોંગ્રેસ પ્રમુખે આગળ કહ્યું કે, 'મહત્ત્વનું છે કે, આપણે શિસ્તનું કડકાઈથી પાલન કરીએ... પાર્ટી પાસે શિસ્તનું હથિયાર પણ છે. પરંતુ અમે કાર્યકર્તાઓને કોઈ બંધનમાં બાંધવા નથી ઇચ્છતા. છ મહિના પહેલાં લોકસભા ચૂંટણીમાં માહોલ આપણા પક્ષમાં હતો. પરંતુ ફક્ત માહોલ પક્ષમાં હોવાથી જીતની ગેરંટી નથી મળી જતી. આપણે માહોલને પરિણામમાં બદલતા શીખવું પડશે. શું કારણ છે કે, આપણે માહોલનો ફાયદો નથી લઈ શકતા? આપણે પર્યાપ્ત મહેનત કરવાની સાથે સમયબદ્ધ રીતે વ્યૂહનીતિ બનાવવી પડશે. સંગઠનને બૂથ લેવલે મજબૂત બનાવવું પડશે. મતદાતાઓનું લિસ્ટ બનાવવાથી લઈને મતગણતરી સુધી રાત-દિવસ સજાગ, સચેત અને સાવધાન રહેવું પડશે. આપણી તૈયારી શરુઆતથી મત ગણતરી સુધી એવી હોવી જોઈએ કે, આપણાં કાર્યકર્તા અને 'સિસ્ટમ' પૂરા ખંતથી કામ કરે.'

EVMના પક્ષમાં ચિદમ્બરમ

વિચાર-વિમર્શ દરમિયાન, અમુક નેતાઓએ ઈવીએમના વિરોધમાં પાર્ટી પ્રમુખના વલણની વિરોધમાં જતા નેતાઓની ટીકા કરી અને કહ્યું કે, તેનાથી નેતૃત્ત્વ દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાની છબી ખરાબ થાય છે. ખડગે દ્વારા ઈવીએમ અને ચૂંટણી પ્રક્રિયા પર શંકા વ્યક્ત કર્યા બાદ વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ઈવીએમના પક્ષમાં વાત કરી હતી.

પાર્ટીના મહાસચિવ અને સંચાર પ્રભારી જયરામ રમેશે કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયા પર ચિંતાઓને લઈને આંદોલન અને રેલી થશે અને ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ પણ તેમાં સામેલ થશે. પવન ખેડા સાથે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતાં  કે. સી. વેણુગોપાલે કહ્યું કે, CWCના ચૂંટણી પ્રદર્શન અને સંગઠનાત્મક મુદ્દે વિચાર કરવા માટે આંતરિક સમિતિઓનું ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પેનલના સભ્યો મહારાષ્ટ્રની પણ મુલાકાત લેશે અને ત્યાં નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. આ દરમિયાન ચૂંટણીમાં થયેલા નુકસાનની આકરણી કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ સંસદમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે પ્રિયંકા ગાંધી, કોંગ્રેસમાં પણ જોવા મળશે મોટા ફેરબદલ

CWCએ ચૂંટણીમાં ગડબડની કરી વાત

CWCના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, હરિયાણામાં કોંગ્રેસનો દેખાવ તમામ અપેક્ષાઓથી વિપરિત રહ્યો છે. ચૂંટણીમાં ગડબડ થઈ છે, જેણે રાજ્યમાં પરિણામોને પ્રભાવિત કર્યા છે. જેને ઇગ્નોર કરવામાં આવ્યા છે. આ સાથે જ CWCએ સ્વીકાર કર્યો કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને તેનું ગઠબંધન મહાવિકાસ અઘાડી(એમવીએ)નું પ્રદર્શન ચોંકાવનારું રહ્યું છે. 



કોંગ્રેસ કાર્યસમિતિએ કહ્યું, પાર્ટીએ પોતાના નેરેટિવને મજબૂત કરતા રહેવું જોઈએ. તેમાં પૂર્ણ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે જાતિ જનગણના, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ અને ઓબીસી માટે આરક્ષણ પર 50 ટકાની સીમા દૂર કરવી, રાજકીય સંરક્ષણના માધ્યમથી અર્થવ્યવસ્થામાં વધતાં એકાધિકાર પર નિયંત્રણ અને નિરંતર મૂલ્ય વૃદ્ધિ અને વધતી બેરોજગારી સામેલ છે. 

કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન

મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસે પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કરતાં માત્ર 16 બેઠકો જીતી છે. મહાવિકાસ અઘાડીની સહયોગી પાર્ટી શરદ પવાર એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટીએ ક્રમશઃ 10 અને 20 બેઠકો હાંસલ કરી છે. CWCએ  આશા વ્યક્ત કરતાં કહ્યું કે, ખડગે જલ્દી વિસ્તૃત રાજ્યભર સમીક્ષા પૂર્ણ કરી લેશે અને જરૂરી કાર્યવાહી કરશે.


Google NewsGoogle News