આ રાજ્યમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા હોડ: 90 બેઠક માટે અત્યારથી 1500 દાવેદાર

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
આ રાજ્યમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા હોડ: 90 બેઠક માટે અત્યારથી 1500 દાવેદાર 1 - image


Image: Facebook

Haryana Assembly Election: હરિયાણાની 10 લોકસભા બેઠકોમાંથી 5 પર જીત મેળવનારી કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે કમર કસી લીધી છે. હરિયાણામાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન કોંગ્રેસની ટિકિટ ઈચ્છનારમાં જોરદાર હોડ જોવા મળી રહી છે. હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર અત્યાર સુધી લગભગ 1500 અરજી આવી ચૂકી છે. ટિકિટ માટે અરજી કરવા માટે હજુ એક દિવસ બાકી છે કેમ કે આ માટે અંતિમ તારીખ 31 જુલાઈ છે. આગામી બે દિવસની અંદર લગભગ 500 અરજી આવવાની શક્યતા છે. જેની સંખ્યા વધારીને બે હજાર સુધી પહોંચી શકે છે.

અરજદારો માટે ફી નક્કી  

કોંગ્રેસે આ વખતે અરજદારો માટે ફી નક્કી કરી છે. સામાન્ય જાતિઓ માટે 20 હજાર રૂપિયા, અનુસૂચિત જાતિ અને મહિલાઓ માટે 5-5 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. 90 સભ્યો વાળી હરિયાણા વિધાનસભામાં 17 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. ખાસ વાત એ છે કે અનામત બેઠકો માટે સૌથી વધુ અરજી આવી રહી છે. અરજદારોએ પાર્ટીની સાથે જ હરિયાણાના પ્રભારી દીપક બાવરિયાની પાસે પણ અરજી કરવી પડી રહી છે, જોકે ત્યાં કોઈ ફી લેવામાં આવી રહી નથી.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ હજુ પોતાની અરજી આપી નથી

કોંગ્રેસના વર્તમાન 29 ધારાસભ્યોમાંથી 17 ધારાસભ્ય બીજી વખત ટિકિટ મેળવવા માટે પોતાની અરજી જમા કરાવી ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ હજુ પોતાની અરજી આપી નથી. ઘણા દાવેદાર એવા છે, જેમણે લોકસભા ચૂંટણીમાં ટિકિટ માટે અરજી કરી હતી પરંતુ તેમને ટિકિટ મળી શકી ન હતી, તેમણે પણ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની દાવેદારી વ્યક્ત કરી છે. જે વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય નથી, ત્યાં પણ ટિકિટ માટે હોડ મચી છે.


Google NewsGoogle News