'અમે 295થી વધુ બેઠક જીતવાના છીએ...', I.N.D.I.A. ગઠબંધનની બેઠક બાદ ખડગેનો હુંકાર

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
'અમે 295થી વધુ બેઠક જીતવાના છીએ...', I.N.D.I.A. ગઠબંધનની બેઠક બાદ ખડગેનો હુંકાર 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધનની મોટી બેઠક યોજાઈ હતી. આ પછી ગઠબંધનના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી 2024માં I.N.D.I.A. એલાયન્સ 295થી વધુ સીટો જીતશે.

ક્યાં યોજાઈ હતી બેઠક? 

આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણીની સમીક્ષા કરવામાં આવી હતી. ખડગેએ જણાવ્યું કે આ બેઠક લગભગ અઢી કલાક ચાલી જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

કોણ કોણ હતું હાજર? 

આજની બેઠકમાં I.N.D.I.A.ના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ, સપાના વડા અખિલેશ યાદવ, એનસીપીના નેતા શરદ પવાર, જિતેન્દ્ર આવ્હાડ, આપ સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, ડીએમકેના ટી.આર. બાલુ, આરજેડીમાંથી તેજસ્વી યાદવ અને સંજય યાદવ, જેએમએમમાંથી ચંપાઈ સોરેન અને કલ્પના સોરેન, નેશનલ કોન્ફરન્સમાંથી ફારૂક અબ્દુલ્લા, સીપીઆઈમાંથી ડી. રાજા, સીપીઆઈ(એમ)માંથી સીતારામ યેચુરી, શિવસેના (ઉદ્ધવ જૂથ)માંથી અનિલ દેસાઈ, CPI(ML) તરફથી ML દિપાંકર ભટ્ટાચાર્ય અને બિહારની VIP પાર્ટીમાંથી મુકેશ સાહની હાજર રહ્યા હતા. 

ટીએમસીએ બેઠકથી અંતર જાળવ્યું 

નોંધનીય છે કે પંજાબમાં મતદાન પ્રક્રિયાની જવાબદારી સંભાળ્યા બાદ સીએમ માન આજે દિલ્હી પહોંચી ગયા છે. પરંતુ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ બેઠકથી પોતાને દૂર કરી લીધા હતા. મતદાનમાં પોતાના ટોચના નેતાઓની વ્યસ્તતાને કારણે તૃણમૂલ કોંગ્રેસે આ બેઠક ટાળી છે. તેમના સિવાય તમિલનાડુના સીએમ સ્ટાલિને પણ બેઠકમાં ભાગ લીધો ન હતો અને તેમના સ્થાને ટીઆર બાલુએ આજે બેઠકમાં હાજરી આપી હતી.

ચૂંટણીમાં કામગીરી અંગે ચર્ચા

બેઠક દરમિયાન વિપક્ષી નેતાઓએ ચૂંટણી પરિણામો પહેલા તેમની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. વિપક્ષી ગઠબંધન દાવો કરી રહ્યું છે કે તે ભાજપની આગેવાની હેઠળના એનડીએને કેન્દ્રમાં સત્તામાં પાછા ફરતા અને પોતાની સરકાર બનાવવાથી રોકવામાં સફળ રહેશે.



Google NewsGoogle News