રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સોનિયા, ખડગે સહિત કોને-કોને મળ્યું આમંત્રણ, જુઓ યાદી
જોકે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહીં તે અંગે અસમંજસની સ્થિતિ
અયોધ્યામાં આ કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો છે
Ayodhya Ram mandir News | કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે અને સોનિયા ગાંધીને અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિરના નવા ભવનમાં આયોજિત થનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપી દેવાયું છે. અયોધ્યામાં આ કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો છે.
પીએમ મોદી મુખ્ય યજમાન
આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય યજમાન હશે. તે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા કરશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી મલ્લિકાઅર્જુન ખડગે, સોનિયા ગાંધી ઉપરાંત લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ મોકલાયું છે. જોકે હજુ સુધી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે પછી વિપક્ષના અન્ય નેતાઓ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. આવનારા દિવસોમાં તેમને પણ આમંત્રણ મોકલવામાં આવી શકે છે તેવી ચર્ચા છે.
આ મામલે અસમંજસની સ્થિતિ
જોકે હજુ સુધી એ મામલે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે કે કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહીં. સુત્રો એવો દાવો કરી રહ્યા છે કે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ આ સમારોહમાં ભાગ લે તેવી ઓછી શક્યતા છે.
પૂર્વ વડાપ્રધાનને પણ આમંત્રણ
સુત્રોએ કહ્યું કે ખડગે, સોનિયા ગાંધી અને ચૌધરીને વ્યક્તિગત આમંત્રણ મોકલાયા છે. સમારોહ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચ.ડી.દેવગૌડાને પણ આમંત્રણ મોકલાયા છે. આવનારા દિવસોમાં અન્ય વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવાની શક્યતા છે.