14 જાન્યુ.થી કોંગ્રેસની 'ભારત ન્યાય યાત્રા' : 14 રાજ્યોમાંથી પસાર થશે
- રાહુલ ગાંધીની આગેવાનીમાં મણિપુરના ઇમ્ફાલથી યાત્રા શરૂ થશે
- યાત્રા ગુજરાત થઇને 20મી માર્ચે મુંબઇ પહોંચશે, પગપાળા કે બસની મદદથી 6200 કિમીનું અંતર પૂર્ણ કરાશે
- કોંગ્રેસે વર્ષો સુધી લોકો સાથે અન્યાય કર્યો અને હવે જનતાને મુર્ખ બનાવવા ન્યાય યાત્રા કાઢશે : ભાજપ
નવી દિલ્હી : કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરવા જઇ રહી છે. અગાઉ રાહુલ ગાંધીની આગેવાનીમાં કેરળના કન્યાકુમારીથી જમ્મુ કાશ્મીર સુધી એટલે કે દક્ષિણથી ઉત્તર સુધી આ યાત્રા કાઢવામાં આવી હતી. આ વખતે મણિપુરથી મુંબઇ સુધી યાત્રા કાઢવામાં આવશે. રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો મણિપુરથી ૧૪મી જાન્યુઆરીથી શરૂ થશે. અને ૨૦મી માર્ચે મુંબઇમાં પૂર્ણ કરવામાં આવશે. યાત્રા દરમિયાન ગુજરાત સહિત ૧૪ રાજ્યોને આવરી લેવામાં આવશે.
આ પહેલા રાહુલ ગાંધી અને તેમના કાફલાએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ૪૦૦૦ કિમીની યાત્રા પગપાળા પૂર્ણ કરી હતી.
આ દરમિયાન તેમણે બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા સહિતની સમસ્યાઓ, મહિલાઓની સુરક્ષા, કાયદો વ્યવસ્થા, મજૂરો, દલિતોની સમસ્યાઓ વગેરે મુદ્દા ઉઠાવ્યા હતા. ૧૪મી જાન્યુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મણિપુરના ઇમ્ફાલથી યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રા મણિપુરથી શરૂ થઇને નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત થઇને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. મુંબઇમાં ભવ્ય કાર્યક્રમ યોજવાની શક્યતાઓ છે.
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે એવામાં રાહુલ ગાંધીની આ યાત્રા રાજકીય રીતે કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકસભાની ચૂંટણી એપ્રીલથી મે વચ્ચે યોજાઇ શકે છે તે પહેલા રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થઇ જશે.
ભારત જોડો યાત્રાના બીજા તબક્કાને ભારત ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે. ભારત જોડો યાત્રાની સૌથી પહેલા શરૂઆત ૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ કરવામાં આવી હતી. જેનાથી કોંગ્રેસને હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ફાયદો થયો હતો અને સત્તા પણ મેળવી હતી. લોકોને કોંગ્રેસ સાથે જોડવામાં પણ યાત્રા મહત્વપૂર્ણ સાબિત થઇ રહી હોવાનો દાવો પક્ષના નેતાઓ કરતા આવ્યા છે.
ભારત ન્યાય યાત્રાની જાહેરાત કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે આ યાત્રાની આગેવાની રાહુલ ગાંધી લેશે. કોંગ્રેસની ન્યાય યાત્રા પગપાળા અને બસ દ્વારા પૂર્ણ કરાશે, આ દરમિયાન ૬૨૦૦ કિમીનું અંતર કાપવામાં આવશે.
જ્યારે ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસ ભારત ન્યાય યાત્રાના માધ્યમથી જનતાને મૂર્ખ નહીં બનાવી શકે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ વર્ષો સુધી સત્તામાં રહી ત્યારે જનતા સાથે ભારે અન્યાય કર્યો છે અને હવે એ જ કોંગ્રેસ વિપક્ષમાં છે ત્યારે ન્યાય યાત્રા કાઢવા જઇ રહી છે.