કોંગ્રેસની બંધારણ બચાવો પદયાત્રા પ્રજાસત્તાક દિનથી, એક વર્ષ ચાલશે
- ભારત જોડો અને ન્યાય યાત્રા પછી કોંગ્રેસની વધુ એક યાત્રા
- દિલ્હીમાં બેઠેલા શાસકોથી મહાત્મા ગાંધીના વારસાને જોખમ, આરએસએસ દેશનું વાતાવરણ બગાડી રહ્યું છે : સોનિયા ગાંધી
- બંધારણ પર હાલ સૌથી વધુ ગંભીર જોખમ, ચૂંટણી પ્રક્રિયા પર લોકોનો વિશ્વાસ ઘટયો : ખડગે
નવી દિલ્હી : કોંગ્રેસે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના કરેલા કથિત અપમાન મુદ્દે દેશભરમાં ભારે હોબાળો મચાવ્યો છે અને દેખાવો કરી રહી છે. આવા સમયે હવે કોંગ્રેસે બેલગાવીમાં ગુરુવારે તેની કારોબારી બેઠકમાં નવા વર્ષમાં પ્રજાસત્તાક દિન એટલે કે ૨૬ જાન્યુઆરીથી 'બંધારણ બચાવો પદયાત્રા' યોજવાની જાહેરાત કરી છે. આ પદયાત્રા એક વર્ષ સુધી ચાલશે.
દેશમાં બંધારણ હાલ તેના સૌથી ગંભીર જોખમનો સામનો કરી રહ્યું હોવાનો આક્ષેપ કરતા ગુરુવારે કોંગ્રેસે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું 'અપમાન' કર્યું છે, જે આરએસએસ અને ભાજપ દ્વારા દાયકાઓથી બંધારણની અવગણના કરવાની ભાવનાનું તાજું ઉદાહરણ છે. તાજેતરના સમયમાં દેશમાં લોકતંત્રનું પતન થઈ રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે. ન્યાયતંત્ર, ચૂંટણી પંચ અને મીડિયા જેવી સંસ્થાઓનું સરકારના દબાણથી રાજનીતિકરણ કરાયું છે. સંસદની શાખ ખતમ કરી દેવાઈ છે.
કોંગ્રેસે કર્ણાટકના બેલગાવીમાં ગુરુવારે યોજાયેલી તેની કારોબારી બેઠકમાં ફરી એક વખત ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી. કારોબારીની 'નવ સત્યાગ્રહ બેઠક'માં મહાત્મા ગાંધીના માર્ગે વિરોધ નોંધાવવા અને કોંગ્રેસની સ્થિતિ પર એમ બે ઠરાવ પસાર કરાયા હતા.
કારોબારી બેઠક બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજથી 'બંધારણ બચાવો રાષ્ટ્રીય પદયાત્રા'નું આયોજન કરશે. આ પદયાત્રા એક વર્ષ સુધી ચાલશે. જોકે, પદયાત્રા ક્યાંથી શરૂ થશે અને ક્યાં પૂરી થશે તે અંગે આગામી સમયમાં જાહેર કરાશે. ભારત જોડો યાત્રાએ કોંગ્રેસને સંજીવની આપી હતી, જે કોંગ્રેસના રાજકારણમાં મહત્વપૂર્ણ વળાંક હતો. ત્યાર પછી કોંગ્રેસે ન્યાય યાત્રા પણ યોજી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ 'જયબાપુ, જય ભીમ, જય સંવિધાન' અભિયાન ચલાવશે, જે નવેમ્બર ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. વધુમાં ફેબુ્રઆરીથી નવેમ્બર ૨૦૨૫ સુધી કોંગ્રેસની કોઈ બેઠક નહીં યોજાય. આ પક્ષનું સંગઠન વર્ષ છે. અમે એપ્રિલમાં ગુજરાતમાં એઆઈસીસીનો કાર્યક્રમ કરીશું.
કારોબારી બેઠકમાં પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી હાજર રહી શક્યા નહોતા, પરંતુ તેમણે એક સંદેશો પાઠવતા કહ્યું કે, ભાજપ મહાત્મા ગાંધીની વિચારધારાને ખતમ કરવા માગે છે જ્યારે કોંગ્રેસ હંમેશા મહાત્મા ગાંધીની વિચારધારા સાથે આગળ વધશે. આરએસએસ દેશનું વાતાવરણ બગાડી રહ્યું છે. સમગ્ર દેશમાં વિવિધ સ્થળો પર ગાંધીવાદી સંસ્થાનો પર હુમલા થઈ રહ્યા છે. ગાંધીની વિચારધારાથી એ લોકોને જોખમ છે, જે કેન્દ્રની સત્તામાં છે.
કોંગ્રેસ કારોબારીને સંબોધતા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, પરંતુ પીએમ મોદી તેમની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. સરકાર દેશની વિવિધ સંસ્થાઓને નિયંત્રીત કરવા માગે છે. ચિંતાની વાત એ છે કે હવે ચૂંટણી પ્રક્રિયા પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે, કારણ કે ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યું. ખડગેએ સામાજિક આર્થિક જાતિ આધારિત વસતી ગણતરી વહેલી તકે કરાવવાની માગણી કરી હતી. આ સાથે તેમણે સમાજના વંચિતોને અનામતનો લાભ આપવા એસસી, એસટી, ઓબીસી માટે અનામતની ૫૦ ટકા મર્યાદા વધારવા માગ કરી હતી.
કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ : ભાજપનો આક્ષેપ
કોંગ્રેસ સીડબલ્યુસીમાં ભારતના નકશામાંથી POK-અક્સાઈચીન ગાયબ
નવી દિલ્હી : કર્ણાટકના બેલગાવીમાં ગુરુવારે કોંગ્રેસ કારોબારી બેઠક યોજાઈ હતી. આ પહેલા ત્યાં નેતાઓના સ્વાગત માટે પોસ્ટરો અને બેનર લગાવાયા હતા, જેના પર વિવાદ સર્જાયો છે. કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસની ૨૬-૨૭ ડિસેમ્બરે બે દિવસની કારોબારી બેઠક યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી છે. કોંગ્રેસના આ પોસ્ટરો અને બેનરોમાં ભારતનો ખોટો નકશો દર્શાવાયો હતો, જેમાંથી પીઓકે અને અક્સાઈ ચીન ગાયબ કરી દેવાયું હતું. ભાજપે આ મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને તેને નવી મુસ્લિમ લીગ જાહેર કરી હતી. ભાજપે કોંગ્રેસ પર દેશના નકશાને વિકૃત કરવાનો આક્ષેપ મૂક્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજય પાટીલે કહ્યું કે, આ નકશો કોંગ્રેસની વાસ્તવિક માનસિક્તા દર્શાવે છે. આ જ કારણે કોંગ્રેસે કલમ ૩૭૦ને હટાવવાનું સમર્થન નહોતું કર્યું. કોંગ્રેસના બેનરો-પોસ્ટરોમાંથી ભારતનું મુકુટ ગાયબ છે. હવે આ મહાત્મા ગાંધીનું ભારત નથી, પરંતુ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું ભારત છે. અમિત માલવિયાએ એક્સ પર પોસ્ટમાં કહ્યું કે, કોંગ્રેસ હવે નવી મુસ્લિમ લીગ બની ગઈ છે. તે ભારતને ફરીથી તોડવા માગે છે. જોકે, કોંગ્રેસે આ પોસ્ટરો-બેનરથી અંતર જાળવતા કહ્યું કે, આ કોંગ્રેસના સત્તાવાર બેનર-પોસ્ટર નથી. તે કેટલાક કાર્યકરોએ લગાવેલા છે. કાર્યકરો પક્ષના ટોચના નેતાઓના સ્વાગત માટે બેનર-પોસ્ટરો લગાવે છે ત્યારે સરકારની સલાહ નથી લેતા. આ તેમની ભૂલ છે.