'બંધારણ હત્યા દિવસ' મામલે ભડકી કોંગ્રેસ, 'મોદી મુક્તિ દિવસ' કહીને આપ્યો જવાબ
Congress on Samvidhaan Hatya Diwas: 25 જૂન 1975માં દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર સરકારે હવે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કરી એક મોટો નિર્ણય લીધો છે. હવે આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નોન-બાયોલોજિકલ વડાપ્રધાન ફરી એકવાર હેડલાઇનોમાં રહેવા આવા કાવાદાવા કરી રહ્યા છે.
4 જૂને મોદી મુક્તિ દિવસઃ કોંગ્રેસ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે X પર લખ્યું કે, ‘ભારતના લોકો માટે, 4 જૂન, 2024 ઇતિહાસમાં મોદી મુક્તિ દિવસ તરીકે ઓળખાશે. આ દિવસે મળેલી નિર્ણાયક વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હાર પહેલા, તેઓએ (PM મોદી) દસ વર્ષ સુધી અઘોષિત કટોકટી લાદી હતી. આ એ જ નોન-બાયોલોજિકલ વડાપ્રધાન છે જેમણે ભારતના બંધારણ અને તેના સિદ્ધાંતો, મૂલ્યો અને સંસ્થાઓ પર સુનિયોજિત રીતે હુમલો કર્યો છે. આ એ જ નોન બાયોલોજિકલ વડાપ્રધાન છે, જેમના વૈચારિક પરિવારે નવેમ્બર 1949માં ભારતના બંધારણને એ આધાર પર નકારી કાઢ્યું હતું કે તે મનુસ્મૃતિ પરથી પ્રેરિત નથી, જેમના માટે ડેમોક્રેસી (લોકશાહી)નો અર્થ માત્ર ‘ડેમો-કુર્સી’ છે.
અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું
સમાજવાદી પાર્ટીએ પણ કેન્દ્ર સરકારના આ પગલાનો વિરોધ કર્યો હતો. પાર્ટીના વડા અખિલેશ યાદવે X પર પોસ્ટ કર્યું કે, ‘30 જાન્યુઆરીને બાપુ હત્યા દિવસ અને લોકશાહી હત્યા દિવસના સંયુક્ત દિવસ તરીકે ઊજવવો જોઈએ, કારણ કે આ દિવસે ભાજપે ચંડીગઢમાં મેયરની ચૂંટણીમાં ગરબડ કરી હતી.’
કટોકટી ક્યારે અને કેવી રીતે લાદવામાં આવે છે?
ભારતના બંધારણની કલમ 352 હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની લેખિત ભલામણ દ્વાર પણ કટોકટી જાહેર કરવામાં આવે છે. આ અંતર્ગત નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો સ્થગિત કરી દેવામાં આવે છે. જ્યારે આખા દેશમાં કે કોઈપણ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, વિદેશી દેશો દ્વારા હુમલો અથવા આંતરિક વહીવટી અરાજકતા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ સર્જાય ત્યારે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તા રાષ્ટ્રપતિના હાથમાં જતી રહે છે. અત્યાર સુધીમાં ભારતમાં કુલ ત્રણ વખત 1962, 1971 અને 1975માં કલમ 352 હેઠળ કટોકટી લાદવામાં આવી હતી.
1975 કટોકટી જાહેર કરવામાં આવી હતી
નોંધનીય છે કે 1975માં કટોકટી લાદવાની જાહેરાત અલ્લાહાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીની ચૂંટણીને પડકારતી અરજી પર હાઈકોર્ટે 12 જૂન 1975ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે રાયબરેલીથી તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરી હતી અને આગામી 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ઈન્દિરા ગાંધીના રાજીનામાની માંગણીઓ શરૂ થઈ અને દેશમાં વિવિધ સ્થળોએ આંદોલનો થવા લાગ્યા હતા.