'CM બન્યા બાદ તમે તો બદલાઈ ગયા' ઓમર અબ્દુલ્લાની EVM મુદ્દે સલાહ પર કોંગ્રેસ ભડકી
I.N.D.I.A Bloc Controversy: વિપક્ષ ગઠબંધન I.N.D.I.Aમાં વિવાદ વધી રહ્યો છે. EVM પર આરોપ મુદ્દે ગઈકાલે કોંગ્રેસની નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે ટીકા કર્યા બાદ હવે ટીએમસી સાંસદે પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. જો કે, કોંગ્રેસે આ ટીકાઓનો જવાબ આકરા અંદાજમાં આપ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, અમે ઈવીએમ મુદ્દે આંદોલન કરીશું. અમે ભારત જોડો આંદોલન હેઠળ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા રેલીઓ કાઢીશું. તેમજ ઓમર અબ્દુલ્લાહના નિવેદન પર કોંગ્રેસે સત્તા બદલ્યા બાદ પક્ષ પલટો કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો.
ઓમર અબ્દુલ્લાહને તથ્યો ચકાસવા કહ્યું
લોકસભામાં કોંગ્રેસના સચેતક ટાગોરે પણ ઓમર અબ્દુલ્લાહ પર પલટવાર કરતાં કહ્યું કે, મુખ્યમંત્રી બન્યા બાદ તમારો સહયોગી પક્ષો સાથે આ પ્રકારનો વ્યવહાર કેમ? સમાજવાદી પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટી અને શિવસેના (યુબીટી)એ ઈવીએમ વિરૂદ્ધ છેતરપિંડી થઈ રહી હોવાનો આરોપ મૂક્યો છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે તથ્યોની તપાસ કરવી જોઈએ. જાણ્યા-સમજ્યા વિના આ પ્રકારના નિવેદન આપવા જોઈએ નહીં.
આ પણ વાંચોઃ ભારત-ચીન LAC વિવાદ ઉકેલાય તેવી સંભાવના, અજિત ડોભાલ આવતીકાલે આ મુદ્દે ચીન સાથે કરશે વાત
મહારાષ્ટ્રમાં વિપક્ષનું આંદોલન
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ગઠબંધન મહા વિકાસ અઘાડીની કારમી હાર પર ઈવીએમનો મુદ્દો ફરી પાછો ઉછળી રહ્યો છે. સોમવારે મહારાષ્ટ્ર વિધાન ભવન ખાતે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો કરી ઈવીએમના સ્થાને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરવામાં આવી હતી. રાજ્ય વિધાનસભાના વિપક્ષ નેતા અંબાદાસ દાનવે આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમજ એમવીએ નેતાઓને બંધારણ અને લોકતંત્ર બચાવવા અપીલ કરી હતી.
ટીએમસી સાંસદે ઈવીએમ મુદ્દે કહ્યું...
ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ પણ મીડિયા સાથે વાત કરતાં ઈવીએમ મુદ્દે કહ્યું કે, જે લોકો ઈવીએમ પર સવાલો ઉઠાવે છે, તે લોકોએ ચૂંટણી પંચ સમક્ષ જઈ ડેમો જોવો જોઈએ। ઈવીએમ રેડમાઈઝેશનના સમયે યોગ્ય રીતે કામ કરે છે, બૂથ પર કામ કરનારા મૌખિક ચૂંટણી ઘણતરી દરમિયાન તપાસ કરે છે. જો ઈવીએમ હેક થઈ શકે તો ટ્રિક બતાવો કે, કેવી રીતે ઈવીએમ હેક કરી શકાય. માત્ર વાતો કરવાથી કંઈ નહીં થાય.