મૃત્યુના સાચા આંકડા ક્યારે જાહેર થશે?: નાસભાગ અંગે કોંગ્રેસના આકરા સવાલ, TMCએ રેલવે મંત્રીનું રાજીનામું માંગ્યું
New Delhi Railway Station Stampede : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીની રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકોના મોત નીજપ્યા. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસે પાર્ટી દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ સહિતના નેતાઓ આ મામલે કેન્દ્ર સરકાર પર ગેરવહીવટ અને બેદરકારીના આરોપો લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસે આ મામલે મોદી સરકારને અનેક સવાલો પૂછ્યાં. જેમાં નાસભાગમાં થયેલી મૃત્યોના આંકડા જાહેર કરવાને લઈને સવાલ કરાયો. જ્યારે TMCએ રેલવે મંત્રીનું રાજીનામું માંગ્યું.
કોંગ્રેસ મહાસચિવે શું કહ્યું?
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગને લઈને દુઃખ વ્યક્ત કર્યુ અને જણાવ્યું કે, 'આ દુર્ઘટના ચોંકાવનારી અને ઘણી દુઃખદ છે. જે તસવીરો સામે આવી છે, ઘણી ડરાવી દેનારી છે. હું નિર્દોષ પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ દેશની રાજધાનીમાં આવી આપત્તિની ઘટના દર્શાવે છે કે, સરકાર ફક્ત જનસંપર્ક કરવામાં સક્ષમ છે. તે વાસ્તવિક વ્યવસ્થાપનમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.'
દુર્ઘટનાને લઈને વેણુગોપાલે સવાલ કર્યા કે, 'આપણને ઘટનામાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત લોકોના ચોક્કસ આંકડા ક્યારે જાણવા મળશે? ભીડને નિયંત્રણમાં કરવાના ઉપાયો કેમ ન કરવામાં આવ્યા? જ્યારે ખબર છે કે મહાકુંભને લઈને મોટી સંખ્યામાં ભીડ ઉમટવાની છે તો રેલવેની વિશેષ ટ્રેન કેમ દોડાવામાં આવી નહી.'
કોંગ્રેસ પ્રવક્તાએ પણ કર્યા સવાલો
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સોશિયલ મીડિયા માધ્યમ પર વીડિયો પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'ગઈકાલે ફરી એક નાસભાગ સર્જાઈ. ફરીથી લાચાર શ્રદ્ધાળુના મોત થયા. આ દેશની રાજધાની નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સર્જાઈ. સરકારે આ બાબતે ચિંતા નથી કે, કઈ રીતે આવી મોતને અટકાવી શકાય. જ્યારે સરકારને હંમેશા એવી ચિંતા હોય છે કે, આવી ઘટનામાં કઈ રીતે મોતની ખબરો રોકવામાં આવે.'
આ પણ વાંચો: ‘પ્રયાગરાજ તરફની 4 ટ્રેનો, 2 ટ્રેનના સરખા નામ’ પોલીસ તપાસમાં નાસભાગનું કારણ સામે આવ્યું
પવન ખેડાએ કહ્યું કે, 'નાસભાગ પછી ઓપરેશન વ્હાઇટવોશ હાથ ધરવામાં આવ્યું. ️લોકો તેમના ગુમ થયેલા સંબંધીઓ વિશે માહિતી મેળવી શકે તે માટે ટોલ-ફ્રી ફોન નંબર કેમ જારી કરવામાં આવ્યો નથી? જ્યાં ઘટના બની હતી તે પ્લેટફોર્મના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઈએ જેથી નાસભાગ પહેલા અને પછીની ઘટનાઓની જવાબદારી સુનિશ્ચિત કરી શકાય.'
મલ્લિકાર્જુન ખડગેએ કરી આ માંગણીઓ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, 'નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગને કારણે ઘણા લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. સ્ટેશન પરથી આવી રહેલા વીડિયો ખૂબ જ હૃદયદ્રાવક છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલા મૃત્યુના કિસ્સામાં સત્ય છુપાવવાનો મોદી સરકારનો પ્રયાસ અત્યંત શરમજનક અને નિંદનીય છે. અમે માંગણી કરીએ છીએ કે મૃતકો અને ઈજાગ્રસ્તનો આંકડો શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવે અને ગુમ થયેલા લોકોની ઓળખ પણ સુનિશ્ચિત કરવામાં આવે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના. જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.'
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, 'નવી દિલ્લી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોના મોત થયા, અત્યંત દુઃખદ. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ પ્રદાન કરે. મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્ત જલ્દીથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું.'
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના લીડર રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X'પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'દિલ્લીમાં નાસભાગમાં અનેક લોકોના મોત અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ અને વ્યથિત કરનારા છે. શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છું અને ઈજાગ્રસ્તો વહેલીતકે સ્વસ્થ થાય તેવી આશા. આ ઘટના એક વખત ફરીથી રેલવેની નાકામી અને સરકારની અસંવેદનશીલતાને ઉજાગર કરે છે. પ્રયાગરાજ જઈ રહેલાં શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનામાં રાખીને સ્ટેશન પરે યોગ્ય તૈયારી કરવાની જરૂર હતી. સરકાર અને વહીવટીતંત્રે ધ્યાન રાખવું જોઈએ કે ગેરવહીવટ અને બેદરકારીને કારણે કોઈને પોતાનો જીવ ગુમાવવો ન પડે.'