કોંગ્રેસે કર્યું અયોધ્યા જવાનું એલાન, 15 જાન્યુઆરીએ રામ મંદિરમાં દર્શન કરશે પાર્ટીના આ દિગ્ગજ નેતા
Image Source: Twitter
- અયોધ્યા પહોંચ્યા બાદ તમામ નેતાઓ સરયૂ નદીમાં સ્નાન કરશે અને ત્યારબાદ રામલલા અને હનુમાન ગઢીના દર્શન કરશે
લખનૌ, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર
ઉત્તર પ્રદેશના સહારનપુરથી શરૂ થયેલી કોંગ્રેસની યુપી જોડો યાત્રા ગઈકાલે લખનૌમાં સમાપ્ત થઈ હતી. ત્યારબાદ પાર્ટીના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ અહીં નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ અજય રાય, પૂર્વ સાંસદ, ધારાસભ્ય અને ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ અયોધ્યા જવાનો પોતાનો પ્લાન સામે રાખી અયોધ્યા જવાનું એલાન કર્યું છે.
પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જશે અયોધ્યા
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે યુપી કોંગ્રેસના નેતાઓ 15 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાના દર્શન કરશે. યુપી પ્રભારી અવિનાશ પાંડેની સાથે પ્રદેશ અધ્યક્ષ અજય રાય સહિત કેટલાક નેતાઓ અયોધ્યા જશે. ખરમાસ સમાપ્ત થયા બાદ આ તમામ નેતાઓ અયોધ્યા જશે. 15 જાન્યુઆરીએ રામલલાના દર્શન કરશે. ખરમાસ 15મી જાન્યુઆરીએ સવારે 9:15 કલાકે સમાપ્ત થઈ રહ્યો છે.
ત્યારબાદ કાર્યાલયથી રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી અવિનાશ પાંડે અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી અજય રાયના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ અયોધ્યા જવા માટે રવાના થશે. અયોધ્યા પહોંચ્યા બાદ તમામ નેતાઓ સરયૂ નદીમાં સ્નાન કરશે અને ત્યારબાદ રામલલા અને હનુમાન ગઢીના દર્શન કરશે.
આ નેતાઓને મળ્યું છે આમંત્રણ
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવા જઈ રહી છે. આ કાર્યક્રમને લઈને રામ નગરીમાં તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય યજમાન રહેશે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ માટે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી સહિત અનેક વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.