ચૂંટણી પરિણામ પહેલા જ MVAમાં CM મુદ્દે ખેંચતાણ, પટોલેએ કોંગ્રેસનો દાવો ઠોકતા રાઉતે આપ્યો જવાબ
Maharashtra Election: મહારાષ્ટ્રમાં બુધવારે (20મી નવેમ્બર) 288 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. શનિવારે (23મી નવેમ્બર) મતગણતરી થશે. આ દરમિયાન મહાવિકાસ અઘાડી (MVA)ના નેતાઓમાં મુખ્યમંત્રી પદને લઈને અંદરો-અંદર ખેંચતાણ થઈ રહી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, 'નવી સરકારમાં મુખ્યમંત્રી કોંગ્રેસમાંથી હશે, જ્યારે શિવસેના (ઉદ્ધવ જૂથ) સાંસદ સંજય રાઉતે પટોલેના નિવેદન પર કહ્યું કે, 'અમે સહમત નથી.'
કોંગ્રેસ નેતાના નિવેદનનો સંજય રાઉતે આપ્યો જવાબ
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું,'મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્ત્વમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનશે, રાજ્યમાં કોંગ્રેસના સૌથી વધુ ધારાસભ્યો ચૂંટાશે. અઘાડી સરકાર બનશે.' તેમના નિવેદનને વખોડી કાઢતા શિવસેના (ઉદ્ધવ જૂથ) સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે, 'અમે સહમત નથી. કોઈ સહમત નહીં થાય. અમે બેઠક કરીને નિર્ણય કરીશું.'
અગાઉ પણ હરિયાણામાં કોંગ્રેસની હાર પર શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા આપી હતી, ત્યારબાદ મહાવિકાસ અઘાડીની બેઠક પહેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાઉત પર વળતો પ્રહાર કર્યો હતો.
મહારાષ્ટ્રમાં 65 ટકા મતદાન થયું
મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. સત્તાધારી ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન સત્તા જાળવી રાખવાનો દાવો કરી રહ્યું છે, જ્યારે વિપક્ષ મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં તેનું સારું પ્રદર્શન ચાલુ રાખવાની આશા રાખી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ અને MVA વચ્ચે જંગ
મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ, શિંદે જૂથ, અજીત જૂથ) અને મહાવિકાસ અઘાડી (ઉદ્ધવ જૂથ, શરદ જૂથ અને કોંગ્રેસ) વચ્ચે જોરદાર ટક્કર છે. મહાગઠબંધનમાં ભાજપ 149 બેઠક, શિવસેના (શિંદે જૂથ) 81 બેઠક અને અજિત પવારની એનસીપી 59 બેઠક પર ચૂંટણી લડી રહી છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં, કોંગ્રેસે 101 બેઠક, શિવસેના (ઉદ્ધવ જૂથ) 95 બેઠક અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી 86 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે.