જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું જોડાણ : પીડીપી અનિશ્ચિત

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું જોડાણ : પીડીપી અનિશ્ચિત 1 - image


- જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જા માટે લડીશું : રાહુલ

- અમે મોદીનો આત્મવિશ્વાસ ડગાવ્યો, રાજ્યનો દરજ્જો પાછો અપાવવો ઈન્ડિયા ગઠબંધનની પ્રાથમિક્તા : રાહુલ ગાંધી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા હતા. કલમ ૩૭૦ હટયા પછી જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ અને સીપીઆઈ સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. પીડીપી સાથે જોડાણ અનિશ્ચિત છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી શ્રીનગરમાં ડૉ. ફારૂક અબ્દુલ્લાના નિવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે લગભગ ૪૦ મિનિટ સુધી ચર્ચા કર્યા પછી નેશનલ કોન્ફરન્સ અને સીપીએમ સાથે જોડાણની જાહેરાત કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ હાજર હતા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીડીપી સહિત અન્ય સ્થાનિક પક્ષો પણ આ જોડાણમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી સ્થાનિક પક્ષો સાથે મળીને ચૂંટણી લડવા માગે છે. કેન્દ્રમાં લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને ભાજપને રોકવામાં સફળતા મેળવી છે તેમ જમ્મુ-કાશ્મીરમાં પણ અમે ચૂંટણી પહેલાં ગઠબંધન કરી પૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવવા માગીએ છીએ.જોકે, સૂત્રો મુજબ કે, ઓમર અબ્દુલ્લાએ પીડીપી સાથે જોડાણનો વિરોધ કર્યો હતો. આ બેઠક પછી ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બધી જ ૯૦ બેઠકો પર કોંગ્રેસ સાથે જોડાણ થઈ ગયું છે. બેઠકોની વહેંચણી અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે, તેઓ જમ્મુ-કાશ્મીરને વહેલી તકે પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તે માટે કામ કરશે. કોંગ્રેસ પક્ષ અને ઈન્ડિયા ગઠબંધન માટે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવો અને લોકોના અધિકારો અપાવવા તે મુખ્ય પ્રાથમિક્તા રહેશે. ઈન્ડિયા ગઠબંધને લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીનો આત્મવિશ્વાસ ડગાવી દીધો છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપની નૈયા રામમાધવના ભરોસે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ તે સાથે જ બધા પક્ષો સક્રિય બન્યા છે. ભાજપે જમ્મુ-કાશ્મીરના પ્રભારી તરીકે રામમાધવના નામની જાહેરાત કરી છે. છેલ્લાં પાંચેક વર્ષથી રામમાધવ ભાજપમાં સક્રિય ન હતા. 

તેમણે ફરીથી સંઘ માટે કામ શરૂ કર્યું હતું. રામમાધવે અગાઉ જમ્મુ-કાશ્મીરમાં ઘણું કામ કર્યું છે. ત્યાંના સોશિયલ પોલિટિક્સથી રામમાધવ ખૂબ વાકેફ છે. ભાજપ પાસે પ્રભારી બનાવવા માટે રામમાધવ સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી ફરીથી સંઘમાંથી તેમને ભાજપમાં સક્રિય કરાયા છે. રામમાધવ પર સંઘને ખૂબ ભરોસો છે એટલે એવીય ચર્ચા છે કે સંઘે ભાજપને રામમાધવનું નામ મોકલ્યું હતું.


Google NewsGoogle News