સંસદ ભવન સામેથી શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી, આંબેડકરની પ્રતિમાઓ હટાવાઈ, કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
Jairam Ramesh Attack On BJP : લોકસભા ચૂંટણી-2024ના પરિણામોએ કોંગ્રેસનો જુસ્સો વધારી દીધા બાદ પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. આ જ ક્રમમાં કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સંસદ ભવન (Parliament) સામેથી છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી અને ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓ હટાવી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
જયરામ રમેશે તસવીરો ટ્વિટ કરી
જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તસવીરો સાથે પોસ્ટ કરી છે. તેમાં તેમણે લખ્યું છે કે, ‘છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj), મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને ડો. બાબાસાહેબ આંબેડકર (Dr.Babasaheb Ambedkar)ની પ્રતિમાઓને સંસદ ભવન સામેના તેમના પ્રમુખ સ્થાનો પરથી હટાવી દેવામાં આવી છે, જે ક્રૂર બાબત છે.’
મૂર્તિઓ કેમ હટાવાઈ?
મીડિયા અહેવાલો મુજબ સંસદ પરિસરમાં પુનઃવિકાસની કામગીરી ચાલતી હોવાથી મહાત્મા ગાંધી, ડૉ.ભીમરાવ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજ સહિત અન્ય મૂર્તિઓને ત્યાંથી હટાવાઈ છે. કોંગ્રેસે આ નિર્ણયની કડક ટીકા કરી છે. આદિવાસી નેતા બિરસા મુંડા (Tribal Leader Birsa Munda) અને મહારાણા પ્રતાપની મૂર્તિઓને પણ જૂના સંસદ ભવન અને સંસદ પુસ્તકાલયની વચ્ચેના લૉનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. હાલ તમામ મૂર્તિઓને એક જ સ્થળે લઈ જવાઈ છે.
કોંગ્રેસે મૂર્તિ હટાવવાનો મુદ્દો મતદારો સાથે જોડ્યો
કોંગ્રેસના મીડિયા તેમજ પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેડા (Pawan Khera)એ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરી કહ્યું કે, મહારાષ્ટ્ર (Maharashtra)ના મતદારોએ ભાજને મત ન આપતા સંસદમાંથી શિવાજી અને આંબેડકરની મૂર્તિઓ તેમના મૂળ સ્થાનેથી હટાવી દેવાઈ. તેમણે કહ્યું કે, જ્યારે તેમને ગુજરાત (Gujarat)માં સફાઈ નહોતી મળી, ત્યારે તેમણે સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તેના મૂળ સ્થાનેથી હટાવી દીધી હતી.