હરિયાણાની રેસમાં કોંગ્રેસ આગળ : જમ્મુ-કાશ્મીરમાં રસાકસી
- હરિયાણામાં 60 ટકાથી વધુ મતદાન, ચૂંટણીના પરિણામ મંગળવારે
- સીએમ નાયબસિંહ સૈની, અનિલ વીજ જ્યારે કોંગ્રેસમાં ભુપિન્દર હુડા, વિનેશ ફોગાટ, ઈનેલોના અભયસિંહ, જેજેપીના દુષ્યંત ચૌટાલા પર બધાની નજર
- લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના ફિયાસ્કા પછી હવે તે 'ટાઈમ પાસ' લાગે છે : ઓમર અબ્દુલ્લા
- જમ્મુ-કાશ્મીરમાં પીડીપી ત્રીજા નંબરે રહેવા છતાં કિંગમેકર બને તેવી શક્યતા
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં ભાજપને ૪૦૦ પાર જવામાં ફટકો પડયા પછી માંડ માંડ સરકાર બનાવવામાં સફળતા મળી હતી, પરંતુ ત્યારથી ભાજપનું શરૂ થયેલું પતન હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી સુધી લંબાયું છે. હરિયાણામાં શનિવારે મતદાન પૂરું થયા પછી બંને રાજ્યોના એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે. અપેક્ષા મુજબ એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસનો વિજય થઈ રહ્યો હોવાનું જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ પક્ષને બહુમતી નહીં મળતા ત્રિશંકુ સ્થિતિ સર્જાતી હોવાનું જોવા મળી રહ્યું છે.
મોટાભાગના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી રહી છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (એનસી)નું જોડાણ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી શકે છે, પરંતુ તે બહુમત હાંસલ નહીં કરી શકે તેમ એક્ઝિટ પોલના તારણમાં જણાવાયું છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંનેમાં સરકાર બનાવવા બહુમતી બેઠકોનો આંક ૪૬ છે.
હરિયાણામાં શનિવારે એક જ તબક્કામાં બધી જ ૯૦ બેઠકો પર ૬૦ ટકાથી વધુ મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપની નજર સત્તા પર સતત હેટ્રીક મારવાની છે જ્યારે કોંગ્રેસ એક દાયકા પછી શાસનની ધૂરા સંભાળવા આતુર છે. હરિયાણામાં કુલ ૧,૦૩૧ ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી ૧૦૧ મહિલા અને ૪૬૪ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. હરિયાણામાં મુખ્યમંત્રી નાયબસિંહ સૈનિ, અનિલ વીજ, ઓપી ધનકર જ્યારે કોંગ્રેસમાં ભુપિન્દર સિંહ હૂડા અને વિનેશ ફોગાટ, આઈએનએ લડીના અભયસિંહ ચૌટાલા અને જેજેપીના દુષ્યંત ચૌટાલા પર બધાની નજર છે.
રિપબ્લિક-માટ્રિઝ સરવે મુજબ હરિયાણામાં ૯૦ બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસને ૫૫થી ૬૨ બેઠકો મળી શકે છે જ્યારે ભાજપ માત્ર ૧૮થી ૨૪ બેઠકો સુધીમાં સમેટાઈ શકે છે. એ જ રીતે રેડ માઈક-ડાટાંશ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને ૫૦થી ૫૫ બેઠકો જ્યારે ભાજપને ૨૦-૨૫ બેઠક અપાઈ છે. ધુ્રવ રિસર્ચમાં કોંગ્રેસને ૫૦થી ૬૪ બેઠક અને ભાજપને ૨૨થી ૩૨ બેઠકો અપાઈ છે.
પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ ૪૯-૬૦ બેઠકો જ્યારે ભાજપને માત્ર ૨૦થી ૩૨ બેઠકો જીતી શકશે તેમ દર્શાવાયું છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું દર્શાવાયું છે જ્યારે ભાજપને ૩૦થી પણ ઓછી બેઠકો મળવાની આગાહી કરાઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-એનસીનું જોડાણ સૌથી મોટો પક્ષ બની શકે છે તેમ છતાં ભાજપને પણ કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકાર બનાવવાની આશા છે. જોકે, નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાહે એક્ઝિટ પોલ્સને માત્ર 'ટાઈમ પાસ' ગણાવ્યા હતા. બીજીબાજુ ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ કહ્યું હતું કે તેમનો પક્ષ પૂર્ણ તાકાતથી ચૂંટણીમાં લડયો છે.
ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ્સનો જે ફિયાસ્કો થયો છે તે પછી પણ બધી જ ચેનલો, સોશિયલ મીડિયા, વોટ્સએપ પર એક્ઝિટ પોલના સમાચાર ચાલી રહ્યા છે, જે મને આશ્ચર્યજનક લાગે છે. હકીકતમાં તો ચૂંટણીના પરિણામ ૮ ઑક્ટોબરને મંગળવારે જ સામે આવશે. બાકી બધું ટાઈમ પાસ છે.
જમ્મુ-કાશ્મીર ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ જણાવ્યું હતું કે તેમનો પક્ષ પૂરી તાકાતથી લડયો હતો. અમને વિશ્વાસ છે કે મંગળવારે પરિણામ જાહેર થશે ત્યારે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવશે. પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સહિત ભાજપના નેતૃત્વને લોકોનું જબરજસ્ત સમર્થન છે. બીજીબાજુ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતા નઈમ અખ્તરે કહ્યું કે, એક્ઝિટ પોલ્સ વિશ્વસનીય રહ્યા નથી અને સરકારની રચના અંગે હાલ વાત કરવી ઘણું વહેલું ગણાશે. તાજેતરની લોકસભા ચૂંટણી સહિત અનેક એક્ઝિટ પોલને ખોટા પડતા આપણે જોયા છે.
જમ્મુ-કાશ્મીરમાં ૯૦ બેઠકોની વિધાનસભામાં સી-વોટર અને ઈન્ડિયા ટુડેના સરવેમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના જોડાણને ૪૦થી ૪૮ તથા ભાજપને ૨૭થી ૩૨ બેઠકો મળવાની આગાહી કરાઈ છે. પીપલ્સ પલ્સ મુજબ એનસી-કોંગ્રેસને ૪૬-૫૦, ભાજપને ૨૩-૨૭ જ્યારે રિપબ્લિક ગુલિસ્તાન મુજબ એનસી-કોંગ્રેસને ૩૧-૩૬ અને ભાજપને ૨૮-૩૦ બેઠકો મળી શકે છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં પીડીપીને માત્ર પાંચથી ૧૨ બેઠકો મળતી દર્શાવાઈ છે. જોકે, સૂત્રો મુજબ જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ પરિસ્થિતિ થાય તો પીડીપીની ભૂમિકા ખૂબ જ મહત્વની બની શકે છે.
વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ
- |
હરિયાણા |
જમ્મુ-કાશ્મીર |
|
|
|
|
|
સરવે |
કોંગ્રેસ |
ભાજપ |
અન્ય |
કોંગ્રેસ-એનસી |
ભાજપ |
પીડીપી |
અન્ય |
સી-વોટર |
૫૪ |
૨૪ |
૧૨ |
૪૦-૪૮ |
૨૭-૩૨ |
૬-૧૨ |
૬-૧૧ |
પીપલ્સ પલ્સ |
૪૯-૬૧ |
૨૦-૩૨ |
૩-૧૧ |
૪૬-૫૦ |
૨૨-૨૭ |
૭-૧૧ |
૪-૬ |
એક્સિસ-માય ઈન્ડિયા |
૫૩-૬૫ |
૧૮-૨૮ |
૪-૧૩ |
૩૫-૪૫ |
૨૪-૩૪ |
૪-૬ |
૯-૨૩ |
રિપબ્લિક |
૫૫-૬૨ |
૧૮-૨૪ |
૨-૧૪ |
૩૧-૩૬ |
૨૮-૩૦ |
૫-૭ |
૮-૧૬ |
ટાઈમ્સ નાઉ |
૫૦-૬૪ |
૨૨-૩૨ |
૨-૮ |
૩૧-૩૬ |
૨૮-૩૦ |
૫-૭ |
૮-૧૬ |
પોલ ઓફ પોલ્સ |
૫૫ |
૨૭ |
૮ |
૪૩ |
૨૭ |
૭ |
૧૩ |