ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવા મુદ્દે INDIA ગઠબંધનમાં સામેલ 4 પક્ષો સામ-સામે ! ભાજપે કર્યો કટાક્ષ
મધ્યપ્રદેશ ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ 4 પક્ષોએ સામ-સામે ઉમેદવારો ઉતારતા ભાજપે કર્યો કટાક્ષ
CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ‘એક દિલ કે ટુકડે હજાર હુએ’ જેવી વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની સ્થિતિ
નવી દિલ્હી, તા.25 ઓક્ટોબર-2023, બુધવાર
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Madhya Pradesh Assembly Election 2023)ની તડામાર તૈયારીઓ વચ્ચે વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ (INDIA Alliance)માં સામેલ ચાર પક્ષો સામ-સામે આવી ગયા છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Bihar CM Nitish Kumar) સૌને ચોંકાવી દીધા છે અને તેમણે મંગળવારે મધ્યપ્રદેશની 5 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. તો બીજીતરફ સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને કોંગ્રેસ (Congress) વચ્ચે તાજેતરમાં જ વાકયુદ્ધ જોવા મળ્યું હતું. ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ની પાર્ટી (AAP) પણ ચૂંટણી મેદાનમાં છે. ઈન્ડિયા ગઠબંધનમાં એક હોવાનું કહેનારી પાર્ટીઓએ સામ-સામે ઉમેદવારો ઉતારતા ભાજપે પણ કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે.
‘આ લોકો એકબીજા સામે લડી પોતાને સાથી કહી રહ્યા છે’
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (CM Shivraj Singh Chauhan) કહ્યું કે, ‘વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ની સ્થિતિ એક દિલ કે ટુકડે હજાર હુએ, કોઈ યદા ગીરા, કોઈ વહા ગીરા’ જેવી સ્થિતિ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, આ લોકો એકબીજા સામે લડી પોતાને સાથી કહી રહ્યા છે.
‘દિલ્હીમાં મિત્રતાનું નાટક અને રાજ્યોમાં કુસ્તી’
પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi)એ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે, ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે દિલ્હીમાં મિત્રતાનું નાટક અને રાજ્યોમાં કુસ્તીનો નજારો... એ વાતનું પ્રતિક છે કે, ગઠબંધનમાં છેદ છે. તેમણે કહ્યું કે, જે લોકો છેતરપિંડીના સામાનથી ભરાયેલ કથિત મોહબ્બતની દુકાનમાં પહોંચી જાય છે, તેઓ પણ છેતરાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 230, AAP 69, સપાએ 28 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં સામેલ કોંગ્રેસે મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે AAPના 69 ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે સમાજવાદી પાર્ટી 28 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, તો નીતીશકુમારે 5 બેઠકો પર JUDના ઉમેદવારોને ટિકિટ આપી છે. ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશની 230 બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન યોજાશે, જેનું પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થશે. હાલ રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.