કોંગ્રેસની ત્રીજી ગેરેન્ટીની જાહેરાત, દિલ્હીના બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 8,500
Delhi Elections: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ ત્રીજી ગેરેન્ટીની જાહેરાત કરી છે. કોંગ્રેસે પોતાની આ ગેરેન્ટીને 'યુવા ઉડાન યોજના' નામ આપ્યું છે, જે હેઠળ બેરોજગાર શિક્ષિત યુવક-યુવતીઓને એક વર્ષના અપ્રેન્ટિસશિપ હેઠળ દર મહિને 8,500 રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસની આ ગેરેન્ટીની જાહેરાત રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટે કરી છે.
આ યોજનાનું એલાન કરતા સચિન પાયલટે કહ્યું કે, 'આજે સ્વામી વિવેકાનંદની જયંતી છે. જેથી આ અવસરે અમે યુવાનો માટે પોતાની ત્રીજી ગેરેન્ટીની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. યુવાનોની પીડા સમગ્ર દેશમાં છે અને દિલ્હીમાં પણ એવી જ હાલત છે. ભાજપ અને આપ બંને યુવાનોની તકલીફ નથી સમજતા. છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીમાં માત્ર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો છે, જેમાં દિલ્હી અને કેન્દ્ર સરકાર બંને સરકારો સામેલ છે. કોઈએ પણ દિલ્હીની સ્થિતિ નથી સમજી.'
આ પણ વાંચો: ...તો હું ચૂંટણી નહીં લડું', દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે ભાજપને આપી 2 ચેલેન્જ
'પોતાના વચનો પૂર્ણ કરે છે કોંગ્રેસ'
આ દરમિયાન પાયલટે કહ્યું કે, 'કોંગ્રેસ પોતાના વચનો પૂર્ણ કરવા પોતાની જવાબદારી સમજે છે. તુ તુ મેં મેંની રાજનીતિ ખતમ કરીને, અમે રચનાત્મક રાજનીતિ કરીશું. જો કોંગ્રેસ જીતશે, તો અમે ખાસ કરીને યુથ પર ફોકસ કરીશું. અમારી સરકાર આવશે, તો દિલ્હીમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને એક વર્ષની અપ્રેન્ટિસશિપ હેઠળ 8500 રૂપિયા દર મહિને આપીશું. યુવાનોને આ દરમિયાન તેમની ફિલ્ડમાં પણ કામ અપાવીશું. દિલ્હીમાં નામ પોકારવાની રાજનીતિ જોવા મળી રહી છે અને લોકોને નવા વિકલ્પની જરૂર છે.'
પાયલટે ઈન્ડિયા બ્લોકમાં ભંગાણ થવા પર કહ્યું કે, 'દરેક રાજ્યની પોતાની રાજનીતિ હોય છે. પંજાબમાં આપ અને કોંગ્રેસ બંને એક-બીજાની સામે લડ્યા હતા. ઈન્ડિયા બ્લોક મજબૂત છે. દરેક રાજ્ય એકમોની સ્થિતિ અળગ છે. લોકસભા ચૂંટણી વચ્ચે લોકશાહી બચાવવા માટે ઈન્ડિયા બ્લોક બનાવાયું હતું.'
આ અગાઉ બે મોટી યોજનાની કરી હતી જાહેરાત
આ પહેલા કોંગ્રેસ દિલ્હીમાં 'પ્યારી દીદી યોજના' અને 'જીવન રક્ષા યોજના'ની જાહેરાત કરી હતી. 'પ્યારી દીદી યોજના' માટે કોંગ્રેસે વચન આપ્યું છે કે ચૂંટણી જીતવા પર દર મહિને મહિલાઓને 2500 રૂપિયા આપવામાં આવશે. જ્યારે 'જીવન રક્ષા યોજના' હેઠળ દિલ્હીના લોકોને 25 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવશે.