‘ED શું કરશે, તે પોતે...’ શાહજહાં શેખ વિરુદ્ધ કાર્યવાહી મામલે અધીર રંજન ચૌધરીનું વિવાદાસ્પદ નિવેદન
ઈડીની ટીમ પર હુમલા બાદ પશ્ચિમ બંગાળ સરકાર વિરોધીઓના નિશાના પર
ભાજપ અને કોંગ્રેસે બંગાળમાં કાયદો-વ્યવસ્થા મામલે સરકાર પર ચિંધી આગળી
પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતા વિરુદ્ધ દરોડા પાડવા ગયેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર થયેલા હુમલા બાદ રાજકારણ ગરમાયું છે. હુમલા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) વિરોધી પક્ષોના નિશાન પર આવી ગઈ છે. આ મામલે હવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે ઈડીની કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘ઈડી શું કરશે ? ઈડી પોતે ઈડિયટ છે.’
‘સત્તાધારી પક્ષનું ખતરનાક લોકોને બચાવવાનું કામ’
વાસ્તવમાં અધિકારીઓ ઉપર હુમલા બાદ ઈડીએ ટીએમસી નેતા શાહજહાં શેખ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યો છે. આ મામલે ચૌધરીને પ્રશ્ન કરાયો તો તેમણે કહ્યું કે, ‘ઈડી શું કરશે? ઈડી પોતે મૂર્ખ છે. બંગાળમાં સત્તાધારી પાર્ટી તેમનું ધ્યાન રાખશે. સત્તાધારી પક્ષ ખતરનાક લોકોને બચાવવાનું કામ કરે છે.’
કોંગ્રેસ નેતાએ બંગાળ સરકાર પર સાધ્યું નિશાન
તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ‘દેખરેખ’વાળી સરકાર છે, તો લુકઆઉટ સર્ક્યુલરનો અર્થ શું? ભાજપ હોય કે પછી ઈડી-સીબીઆઈ હોય, કોઈએ મોટા-મોટા દાવા ન કરવા જોઈએ. ભાજપ તો રોહિંગ્યાનો રાગ આલાપતી રહે છે. અત્યાર સુધી તેઓ ક્યાં હતા અને ગૃહમંત્રાલય ક્યા હતું? હવે મામલો સામે આવ્યો તો તેમણે ધ્રુવીકરણનું રાજકારણ શરૂ કરી દીધું છે. તેમણે દેખરેખ રાખનારાઓ વિરુદ્ધ કંઈક કરવું જોઈએ.’ ઉલ્લેખનિય છે કે, એક દિવસ પહેલા અધીર રંજન ચૌધરીએ ઈડી પર હુમલા અંગે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું.
ઈડીની ટીમ પર હુમલા બાદ રાજકારણ ગરમાયું
ઈડી પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડ મામલે દરોડા પાડવા ઉપરાંત, તેમાં સામેલ લોકોની ધરપકડ કરી રહી છે. તાજેતરમાં જ ઈડીની ટીમ રાશ કૌભાંડની તપાસ કરવા ટીએમસી નેતા શાહજહાં શેખના નિવાસસ્થાને દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન શાહજહાંના સમર્થકોએ ઈડીના અધિકારીઓ પર હુમલો કરી તેમના વાહનોને નિશાન બનાવ્યા હતા. હુમલામાં 3 અધિકારીઓને ગંભીર ઈજા થઈ છે. અધિકારીઓએ કહ્યું કે, ભીડે તેમનો મોબાઈલ ફોન, રોકડ, પર્સ, લેપટૉપ પણ છિનવી લીધા. ભીડે ઈડીની ટીમની સાથે સીઆરપીએફ જવાનોને પણ નિશાન બનાવ્યા.
ભાજપ-કોંગ્રેસના બંગાળ સરકાર પર સવાલ
હુમલાની ઘટના બાદ પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને ભાજપ સતત રાજ્યની કાયદો-વ્યવસ્થા પર આંગળી ચિંધી રહ્યા છે અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી રહ્યા છે, જ્યારે ભાજપ નેતાનું કહેવું છે કે, શાહજહાંની હાલત પણ મમતાના નજીકના અનુબ્રત મંડલ જેવી થશે.