ચૂંટણી પહેલા ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ અસમંજસ? દિગ્ગજ નેતાને ગઠબંધન સામે વાંધો
Image: Facebook
Haryana Election: હરિયાણામાં આમ આદમી પાર્ટીની સાથે ચૂંટણી લડવાની ઈચ્છા ઘણા કોંગ્રેસ નેતાઓના અસંતોષનું કારણ બની રહી છે. તેને લઈને ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જૂથમાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે હરિયાણા કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા પણ આપની સાથે ગઠબંધનથી ખુશ નજર આવી રહ્યાં નથી. આ સિવાય ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાવાની અટકળોએ પણ હુડ્ડા જૂથના નેતાઓને પરેશાન કરી દીધાં છે.
કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારોની પહેલી યાદી પણ જારી કરી નથી. હાલ 90 સભ્યોવાળી હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસની પાસે 28 ધારાસભ્ય છે. રિપોર્ટ અનુસાર આપની સાથે બેઠક વહેંચણીના મુદ્દા પર કોંગ્રેસમાં જ અસંમતિ રહી છે. સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ કે હરિયાણા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા હુડ્ડા પાર્ટીની એક બેઠક અધવચ્ચે જ છોડીને જતાં રહ્યાં. પાર્ટી નેતૃત્વ અમુક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે, જેને લઈને હુડ્ડા કેમ્પમાં અસંતોષ બનેલો છે.
કોંગ્રેસે આપની સાથે બેઠક વહેંચણી પર વાતચીત માટે એક ઉપ સમિતિની પણ રચના કરી છે. આ સિવાય પેનલ લગભગ 2 ડઝન બેઠકો પર પણ ઉમેદવારોનો નિર્ણય લેશે જ્યાં આંતરિક સંમતિ બની રહી નથી. સમાચાર છે કે પાર્ટીના વરિષ્ઠ સાંસદો સાથે આ સમિતિએ મુલાકાત કરી છે. માત્ર હુડ્ડા જ નહીં પરંતુ ઘણા વરિષ્ઠ નેતા પણ આપની સાથે ગઠબંધનના પક્ષમાં નથી.
રિપોર્ટ અનુસાર સીએલપી નેતા હુડ્ડા ખાસ કરીને નારાજ નજર આવી રહ્યાં છે કેમ કે આપ જે બેઠકો પર ઉમેદવાર ઉતારવા ઈચ્છી રહી છે. ત્યાં તેમના નેતા હાજર છે. આ બેઠકોમાં પેહોવા, કલાયત અને જીંદનું નામ સામેલ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઈચ્છે છે કે કોંગ્રેસ અને આપની વચ્ચે સીટ શેરિંગ થાય જે ઈન્ડિયા જૂથની એકતાનો મેસેજ આપે પરંતુ પાર્ટીના ઘણા નેતા તેનો વિરોધ કરી રહ્યાં છે.
બુધવારે જ્યારે આપની સાથે બેઠક શેરિંગનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તો હુડ્ડા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાન પાર્ટી મીટિંગથી બહાર જતાં રહ્યાં. હરિયાણા પ્રભારી દીપક બાબરિયાએ આ મામલાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો પરંતુ બંને નેતા માન્યા નહીં. કોંગ્રેસ નેતૃત્વ અખિલેશ યાદવની અધ્યક્ષતાવાળી સમાજવાદી પાર્ટીની સાથે પણ એક કે બે બેઠક વહેંચવા પર જોર આપી રહ્યું છે. હુડ્ડા અને ભાને આપ અને સપાની સાથે હાઈકમાન્ડના પ્રસ્તાવ પર વાંધો વ્યક્ત કર્યો છે.
ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે
પહેલા કહેવાઈ રહ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતાવાળી કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ હરિયાણામાં ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટો પર મોહર લગાવી દીધી છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હવે અમુક નામોને હોલ્ડ કરવામાં આવ્યા છે. આ જે ધારાસભ્યોના નામોને હાલ રોકવામાં આવ્યા છે, તેમાં ધરમ સિંહ છોકર, સુરેન્દ્ર પંવાર, રાવ દાન સિંહનું નામ સામેલ છે. ખાસ વાત છે કે આ તમામ નેતાઓને હુડ્ડાના નજીકના માનવામાં આવે છે.