કંગના કૃષિ કાયદાની માગ કરી ફસાઇ, અંતે માફી માગી

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
કંગના કૃષિ કાયદાની માગ કરી ફસાઇ, અંતે માફી માગી 1 - image


- હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે સાંસદે બેફામ નિવેદનો આપી પોતાના જ પક્ષ ભાજપને ફસાવ્યો

- મારે એ વાત સમજવી પડશે કે હવે હું માત્ર અભિનેત્રી નહીં ભાજપની નેતા પણ છું, એટલે પક્ષનો મત એ જ મારું મંતવ્ય : કંગના

નવી દિલ્હી : અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રણૌતે કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ તેવું તેનું નિવેદન પાછું ખેંચ્યું છે અને દિલગીરી વ્યક્ત કરી છે. કંગનાએ ૨૦૨૧માં રદ કરાયેલા આ કાયદા પાછા લાવવા જોઈએ તેવી માગણી કરી હતી. જોકે, હરિયાણા વિધાનસભા ચૂંટણી ટાણે જ આ નિવેદનથી ભારે વિવાદ થયો હતો અને ભાજપે પણ આ કંગનાનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય છે અને પાર્ટીને તેની સાથે કશું લાગતું વળગતું નથી તેમ જણાવ્યું હતું. બાદમાં કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યું હતું કે પોતે પોતાનું નિવેદન પાછું ખેંચી રહી છે. કંગનાએ હતાશા સાથે કહ્યું હતું કે મારે યાદ રાખવું પડશે કે હું ભાજપની સભ્ય છું અને ભાજપની નીતિ પ્રમાણે જ મારે બોલવાનું હોય છે. 

કંગનાએ કહ્યું હતું કે મારાં નિવેદનો તથા ઉચ્ચારણોથી કોઈને ખરાબ લાગ્યું હોય તો તે માટે હું ખેદ અનુભવું છું. એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેણે કહ્યું હતું કે કૃષિ કાયદાઓ અંગે  જે કાંઈ કહ્યું હતું તે મારા વ્યક્તિગત અભિપ્રાય હતા અને તે પક્ષના આ કાયદાઓ અંગેના સત્તાવાર વલણને પ્રતિબિંબિત કરતા ન હતા.  તેણે એક્સ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે જ્યારે કૃષિ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે મારા સહિત કેટલાય લોકોએ  આ કાયદાઓનું સમર્થન કર્યું હતું. પરંતુ આપણા વડાપ્રધાને બહુ સહાનુભૂતિ તથા સંવેદનશીલતા સાથે વિચારણા કરીને આ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો. 

કંગનાએ કહ્યું હતું કે મારે હવે એ યાદ રાખવાનું જ છે કે હું માત્ર એક કલાકાર જ નથી પરંતુ ભાજપ પક્ષની એક સભ્ય પણ છું અને મારા કોઈ વ્યકિતગત અભિપ્રાયો ઉચ્ચારવા ન જોઈએ પરંતુ પક્ષનાં વલણ અને નીતિ અનુસાર જ બોલવું જોઈએ.  કંગનાએ મંડી ખાતે એક સમારંભમાં કહ્યું હતું કે ૃષિ કાયદાઓનો જુજ રાજ્યોમાં જ વિરોધ થયો હતો. ખેડૂતો ભારતની પ્રગતિના આધારસ્થંભ છે. કેટલાંક રાજ્યોમાં જ આ કાયદાઓનો વિરોધ થયો હતો. હું  બે હાથ જોડીને અપીલ કરું છું કે ખેડૂતોના હિતમાં આ કાયદા પાછા લાવવા જોઈએ. દેશ પ્રગતિ કરી રહ્યો છે અને કૃષિ કાયદા ફરી લાગુ કરાશે તો ખેડૂતો સમૃદ્ધ થશે અને તેમને નાણાંકીય સ્થિરતા મળશે. તેને પગલે કૃષિ ક્ષેત્રને સર્વાંગી ફાયદો થશે. 

કોંગ્રેસે કંગનાના આ નિવેદનનો વિરોધ કરતાં કહ્યું હતું કે ભાજપ દ્વારા ફરીથી કૃષિ કાયદા લાગુ કરવાની હિલચાલ હાથ ધરાઈ રહી છે તેનો આ પુરાવો છે. હરિયાણામાં આગામી પાંચમી ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી થવાની છે. હરિયાણામાં ખાસ કરીને દિલ્હી સરહદે કૃષિ કાયદા સામે પ્રચંડ આંદોલન થયું હતું. તેને પગલે છેવટે ૨૦૨૧માં મોદી સરકારે આ કાયદા પાછા ખેંચ્યા હતા.  હજુ ગયા મહિને  જ કંગનાએ એવો દાવો કર્યો હતો કે ખેડૂત આંદોલન દરમિયાન મૃતદેહો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા અને કેટલીય મહિલાઓ પર બળાત્કાર થયો હતો. તે વખતે પણ ભાજપે કંગનાના આ નિવેદન સાથે પક્ષને કશું લાગતું વળગતું નહીં હોવાનું જણાવ્યું હતું. ભાજપે ત્યારે કહ્યું હતું કે કંગનાને પક્ષ વતી બોલવા માટે અધિકૃત કરવામાં આવી  કે તેને નીતિવિષયક બાબતોમાં બોલવાની મંજૂરી પણ નથી.  કંગનાને ભવિષ્યમાં આ પ્રકારના નિવેદનો નહીં કરવા સૂચના આપવામાં આવી છે તેમ પક્ષે જણાવ્યું હતું.

કંગનાના હાથમાં ભાજપ નેતાઓની દુ:ખતી નસ, વિવાદ પર વિવાદ છતાં કોઈ પગલાં નહીં

- કંગનાએ 'નાક દબાવી' પોતાની ફિલ્મ ઇમરજન્સી પણ સેન્સર બોર્ડમાં પાસ કરાવી લીધી

ભાજપ  સાંસદ કંગના રનૌતે ત્રણ કૃષિ કાયદા પાછા લાગુ કરવાની તરફેણ કરીને ભાજપને ફરી ભીંસમાં મૂકી દીધો છે. કંગનાના નિવેદનના કારણે ભીંસમાં મૂકાયેલા ભાજપે કંગનાના નિવેદન મુદ્દે હાથ ખંખેરી નાંખ્યા છે પણ આશ્ચર્યજનક રીતે કંગનાને કશું કહ્યું નથી. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કંગનાનું નિવેદન ભાજપને રાજકીય રીતે મોટું નુકસાન કરે તેમ હોવા છતાં ભાજપ કંગનાને ઠપકો સુદ્ધાં કેમ નથી આપતો તેનું ભાજપના નેતા જ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. 

ભાજપમાં ચર્ચા ચાલી રહી છે કે, ભાજપના નેતાઓની કોઈ દુ:ખતી નસ કંગનાના હાથમાં આવી ગઈ હોવાથી કંગના વારંવાર ભાજપની હાલત બગાડી નાંખે એવાં નિવેદનો કરીને છટકી જાય છે. સેન્સર બોર્ડે કંગનાની 'ઈમર્જન્સી' ફિલ્મ રોકી હતી પણ કંગનાએ દુ:ખતી નસ દબાવીને પોતાની ફિલ્મ પણ સેન્સરમાં પાસ કરાવી લીધી હોવાની ચર્ચા છે. 

કંગનાએ આ પહેલાં પણ ખેડૂત આંદોલનનો મુદ્દો છેડયો હતો. કંગનાએ દાવો કર્યો હતો કે, ખેડૂત આંદોલન દરમિયાન મહિલાઓ પર બળાત્કારો થયા હતા અને હત્યાઓ કરાવી હતી. હત્યા કરાયેલાં લોકોની લાશો ઝાડ પર લટકતી મળી હતી. ભાજપે આ નિવેદનને કંગનાનું વ્યક્તિગત નિવેદન ગણાવીને હાથ ખંખેરી નાંખ્યા હતા પણ કંગના સામે કોઈ પગલાં નહોતાં લીધાં. એ પહેલાં કંગનાએ રાહુલ ગાંધી ડ્રગ્સ લેતા હોવાનો અને સંસદમાં નશાની હાલતમાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો ત્યારે પણ ભાજપે કશું કર્યું નહોતું.

કંગનાએ મંડીમાં ભાજપના સભ્યપદ નોંધણી અભિયાન દરમિયાન કહ્યું હતું કે, રદ કરાયેલા કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ અને ખેડૂતોએ જ આ કાયદા પાછા લાવવાની માગ કરવી જોઈએ. કોંગ્રેસે આ નિવેદનની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, ૭૫૦ ખેડૂતોની શહીદી પછી પણ ખેડૂત વિરોધી ભાજપ અને મોદી સરકારને પોતાના ગંભીર અપરાધનો ખ્યાલ નથી આવ્યો તેથી ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા ફરીથી લાગુ કરવાની ચર્ચા કરવામાં આવી રહી છે. 

કંગના સ્મૃતિનું 'રીપ્લેસમેન્ટ', મોદી સાથેની નિકટતાના કારણે કશું થતું નથી

કંગના રણૌત એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો આપીને ભાજપને નુકસાન કરી રહી હોવા છતાં ભાજપ દ્વારા કેમ તેનો ખુલાસો માગવામાં આવતો નથી કે શો કોઝ નોટિસ આપવામાં નથી આવતી એ સવાલ ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી સાથેની નિકટતાના કારણે કંગનાને કશું થતું નથી. મોદી સાથેની નિકટતાના કારણે જ સંગઠનના વિરોધ છતાં કંગનાને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ અપાઈ હતી. કંગના સ્ટારડમના કારણે જીતી પછી પક્ષની શિસ્તમાં રહેવાના બદલે બેફામ નિવેદનો કરે છે છતાં કશું થતું નથી. ભાજપના કાર્યકરો કંગનાને સ્મૃતિ ઈરાનીનું 'રીપ્લેસમેન્ટ' ગણાવે છે. સ્મૃતિ ઈરાની પણ મોંમાથા વિનાનાં નિવેદનો આપ્યા કરતાં હતાં છતાં કશું થતું નહોતું કેમ કે મોદીની નજીક હતાં. આ નિકટતાના કારણે સ્મૃતિને કેબિનેટ મંત્રી બનાવાયેલાં. 

ભાજપ ફરી કૃષિ કાયદા લાવવાની ફિરાકમાં

700 ખેડૂતોના મોતથી પણ ભાજપને ધરવ થયો નથી: રાહુલ ગાંધી

- ભાજપની નીતિ પીએમ નક્કી કરે છે કે કંગના, અસંમત હો તો તેને કાઢી મૂકો

કંગના રણૌતે કૃષિ કાયદા ફરી લાવવાની માંગ કર્યા બાદ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો કે તમે કંગનાના નિવેદનથી વિરુદ્દ છો કે પછી કોઈ  તોફાની હિલચાલ  છે ? તેમણે મોદીને આ બાબતે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.  રાહુલ ગાંધીેએ કહ્યું હતું કે ૭૦૦ ખેડૂતોના મોતથી પણ ભાજપને ધરવ થયો નથી એમ લાગે છે. 

જો ભાજપ ખરેખર કંગનાના નિવેદન સાથે સંમત ન હોય તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવી જોઈએ એમ તેમણે કહ્યું હતું.  ભાજપની નીતિ કોણ નક્કી કરે છે, વડાપ્રધાન મોદી કે પછી પાર્ટીના એક સાંસદ તેવો સવાલ રાહુલે કર્યો હતો.  તેમણે કહ્યું હતું કે જો ભાજપ ફરી ખેડૂતોને નુકસાન કરવાની કોઈ  હિલચાલ કરશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી તે માટે માફી માગવી પડશે. 

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે હરિયાણા સહિતના ચૂંટણી થવાની છે એ રાજ્યોમાં  ભાજપને આનો બદલો મળશે. 

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ તુક્કાઓની અજમાયશ કરતા રહે છે. તેઓ કોઈ નેતાને અમુક બાબતે  બોલવાનું કહશે અને પછી લોકોમાં તેના કેવા પ્રત્યાઘાત આવે છે તે જોશે. આવું ફરી બન્યું છે. તેમના એક સાંસદ કૃષિ કાયદા ફરી લાવવાની તરફેણ કરી રહ્યા છે . વડાપ્રધાન મોદીએ સ્પષ્ટકા કરવી જોઈએ કે તેઓ આ સાંસદની વિરુદ્ધ છે કે પછી ફરી તેઓ કોઈ તોફાની હિલચાલના મૂડમાં છે ? 

શું ત્રણ કૃષિ કાયદા ફરી લાવવાના છો ? જો તેવુ ંબનશે તો હું ગેરન્ટી આપું છું કે ઈન્ડિયા બ્લોક તેનો ઉગ્ર વિરોધ કરશે. આ કાયદાના વિરોધમાં થયેલા આંદોલનમાં ૭૦૦ લોકો શહીદ થયા હતા. તેમનું સન્માન જાળવવું જોઈએ. એમ રાહુલે કહ્યુ ંહતું. મોદીએ તેમના માનમાં બે મિનીટનું મૌન પણ પાળવા દીધું ન હતું એ આપણે યાદ રાખવું જોઈએ.

ખડગેએ કહ્યું હતું કે ભાજપને હજુ પણ પોતાના ગંભીર ગુનાનો અહેસાસ થયો નથી.  દેશ એ નહીં ભૂલે કે કેવી રીતે  ખેડૂતોને વાહન હેઠળ કચડવામાં  આવ્યા હતા, કાંટાળા તારનો ઉપયોગ થયો હતો અને ડ્રોનમાંથી ટિઅરગેસ છોડાયો હતો.  તેમણે કહ્યું હતું કે મોદીના નિવેદનોના કારણે તેમના પ્રધાનો અને સાંસદો વારંવાર  ખેડૂતોને ઉતારી પાડવા ટેવાઈ ગયા છે. 


Google NewsGoogle News