બિહારમાં સાત આરોપીઓની કબૂલાત : નીટનું પેપર એક દિવસ પહેલાં જ મળી ગયું હતું

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
બિહારમાં સાત આરોપીઓની કબૂલાત : નીટનું પેપર એક દિવસ પહેલાં જ મળી ગયું હતું 1 - image


- નીટ રદ કરવા મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકાર અને એનટીએને નોટીસ ફટકારી

- નીટ 2024ના પેપર પરીવહન વખતે લીક થયાનો દાવો : બે મહિનાનો સમય આપી ફરી પરીક્ષા યોજવા વિદ્યાર્થીઓની માગ

- આરોપી અમિત આનંદે આગલા દિવસે નીટનું પેપર સોલ્વ કરી વિદ્યાર્થીઓને જવાબ ગોખાવ્યા હોવાનો આક્ષેપ

નવી દિલ્હી : નીટ યુજી ૨૦૨૪ના પરિણામો જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ નીટમાં વ્યાપક સ્તરે ગેરરીતિ, પેપર લીકના આક્ષેપો કર્યા હતા. નીટ મુદ્દે દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બિહાર પોલીસની આર્થિક ગુના શાખાએ નીટ પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોની ધરપકડ કરી છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં લગભગ સાત આરોપીઓએ દાવો કર્યો છે કે નીટનું પેપર તેમને એક દિવસ પહેલાં જ મળી ગયું હતું અને સેફ હાઉસમાં તેમને જવાબ ગોખાવી દેવાયા હતા. આ ગેરરીતિઓને જોતાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે હવે તેમને પરીક્ષાનું આયોજન કરનાર એનટીએમાં કોઈ વિશ્વાસ નથી. દરમિયાન સુપ્રીમે નીટ રદ કરવા મુદ્દે કેન્દ્ર સરકાર અને એનટીએને નોટિસ ફટકારી છે.

બિહાર પોલીસની આર્થિક ગુના શાખાએ નીટ પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં પકડાયેલા ૧૩ આરોપીઓમાંથી સાતે કબૂલ્યું હતું કે સિકંદરે નીટનું પેપર ફોડીને આખુ કૌભાંડ આચર્યું હતું. બિહાર પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પ્રશ્નપત્ર વિવિધ રાજ્યોમાં એનટીએના નોડલ સ્થાનોમાં પ્રિન્ટિંગ કંપનીમાંથી એકત્ર કરાયા હતા, જ્યાંથી તેમને સ્થાનિય બેન્કોને મોકલાયું હતું. ત્યાર પછી પરીક્ષાઓ પહેલા કેન્દ્રોમાં મોકલાયું હતું. 

સૂત્રો મુજબ નીટ-યુજીના પ્રશ્નપત્રોના પરિવહનમાં સામેલ એજન્સીઓના કર્મચારીઓએ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન પેપર લીક કર્યું હતું. આરોપીઓ અમિત આનંદે ટ્રાન્સપોર્ટેશન વખતે પેપર મેળવી લીધું હતું અને મુખ્ય આરોપી સિકંદર સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમિત આનંદ નીટ પેપર સોલ્વર છે, જેણે પરીક્ષાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓને બધા જ સવાલોના જવાબો ગોખાવી દીધા હતા. આરોપી અમિત આનંદ પોતે પણ એજ્યુકેશન કન્સલટન્સી ચલાવતો હતો. 

દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુરુવારે નીટ-યુજી ૨૦૨૪ રદ કરવા સહિતની માગણીઓ સાથે થયેલી અનેક અરજીઓ પર સુનાવણી પછી કેન્દ્ર સરકાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) અને અન્યોને નોટિસ ફટકારી છે. આ અરજીમાં વિદ્યાર્થીઓએ નીટ રદ કરવા સહિત સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં તપાસની માગણી કરી છે. આ સાથે ન્યાયાધીશ વિક્રમનાથ અને એસવીએન ભાટીએ પેપર લીકના દાવાઓ સંબંધે વિવિધ હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર સ્ટે મૂક્યો છે. દેશભરમાં નીટ મુદ્દે થયેલી બધી જ અરજીઓની સુનાવણી ૮ જુલાઈએ નિશ્ચિત કરી છે. સુપ્રીમ કોર્ટમાં નીટ મુદ્દે અનેક અરજીઓ થઈ રહી છે ત્યારે ગુરુવારે નીટ ૨૦૨૪ રદ કરવાની માગણી સાથે ૨૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરાઈ હતી.

બીજીબાજુ વિદ્યાર્થીઓ નીટ-યુજી ૨૦૨૪માં વ્યાપક સ્તરે ગેરરીતિઓ, પેપર લીક્સ અને ગ્રેસ માર્ક્સથી મેરિટ લિસ્ટમાં તિવ્ર ઊછાળા જેવા મુદ્દાઓના પગલે પરીક્ષા જ રદ કરવાની માગણી કરી રહ્યા છે. પેપર લીક્સ અને અન્ય ગેરરીતિઓના વ્યાપક અહેવાલોના પગલે મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને હવે આ પરીક્ષાનું આયોજન કરનાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) પર વિશ્વાસ રહ્યો નથી. 

વિદ્યાર્થીઓએ નીટમાં ગેરરીતિઓ અને પેપર લીક મુદ્દે સુપ્રીમના નીરિક્ષણમાં સીબીઆઈ તપાસની પણ માગ કરી છે. એક વિદ્યાર્થીએ કહ્યું કે, તમે ખરાબ એકાદ પાંદડાને દૂર કરીને બગડી ગયેલા ઝાડમાં કોઈ સુધારો લાવી શકો નહીં. તમારે આખું ઝાડ જ જડમૂળમાંથી ઊખાડી કાઢવું પડે. નીટમાં દેશમાં ક્યાં ક્યાં ગેરરીતિઓ થઈ અને પેપર લીક થયા તે અંગે અમને કોઈ ખ્યાલ આવતો નથી. વધુમાં વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા યોજવા માટે એકથી બે મહિનાનો સમય આપવાની પણ માગ કરી છે.

બિહારમાં સાત આરોપીઓની કબૂલાત : નીટનું પેપર એક દિવસ પહેલાં જ મળી ગયું હતું 2 - image

એક રાત પહેલાં પેપર મળ્યું, જવાબો ગોખી નાંખ્યા છતાં પરિણામ નબળું

પટના : નીટ પેપર લીક કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પેપર લીક કેસમાં બિહાર પોલીસની આર્થિક ગુના શાખાએ ધરપકડ કરેલા એક વિદ્યાર્થી સિકંદરે દાવો કર્યો હતો કે તેમને એક દિવસ પહેલાં જ પેપર મળી ગયું હતું. પરીક્ષામાં ૧૦૦ ટકા એ જ સવાલો પૂછાયા હતા. તેમણે બધા જ જવાબો ગોખી નાંખ્યા હતા. પોલીસે ધરપકડ કરેલા લોકોમાં ચાર વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. પેપર વહેલા મળી ગયું અને બધા જ જવાબો ગોખી મારવા છતાં આ વિદ્યાર્થીઓના પરીણામ ખરાબ આવ્યા છે. અનુરાગ યાદવને કુલ ૭૨૦માંથી ૧૮૫ માર્ક્સ મળ્યા. તેના કુલ પર્સેન્ટાઈલ ૫૪.૮૫ ટકા રહ્યા. અનુરાગને ફિઝિક્સમાં ૮૫.૮ પર્સન્ટાઈલ મળ્યા તો બાયોલોજીમાં ૫૧ પર્સેન્ટાઈલ મળ્યા. પરંતુ કેમિસ્ટ્રીમાં માત્ર પાંચ પર્સન્ટાઈલ મળ્યા. એ જ રીતે આયુષ રાજને ૭૦૦માંથી ૩૦૦ માર્ક્સ મળ્યા. અભિષેકને ૫૮૧ અને શિવનંદન કુમારને ૫૮૩ માર્ક્સ મળ્યા છે.

નીટ વિવાદમાં કોઈ ઢાંકપિછોડો નહીં થાય, જવાબદારી હું લઉં છું : ધર્મેન્દ્ર પ્રધાન

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે જણાવ્યું હતું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)નું માળખું, તેના કામકાજ, સુરક્ષા પ્રોટોકોલને વધુ સુધારવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાની ભલામણ કરાશે. અમે 'ઝીરો એરર'ની પરીક્ષા માટે કટિબદ્ધ છીએ. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. અમે રાજકીય પક્ષોને અફવા નહીં ફેલાવવા અપીલ કરીએ છીએ. આ બાબતમાં રાજકારણ કરવામાં ના આવે. સરકાર કોઈપણ સુધાર માટે તૈયાર છે. જોકે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે, નીટ રદ નહીં કરવામાં આવે. વિદ્યાર્થીઓનું હિત અમારી પ્રાથમિક્તા છે. તેની સાથે કોઈપણ ભોગે સમાધાન નહીં કરવામાં આવે છે. નીટ મુદ્દે જે પણ દોષિત જણાશે તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી થશે. અમે સતત બિહાર સરકારના સંપર્કમાં છીએ. હું એ બાબતની નૈતિક જવાબદારી લઉં છું કે ઝીરો એરર પરીક્ષા માટે અમે કટિબદ્ધ છીએ. 


Google NewsGoogle News