Get The App

VIDEO : તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં લાગી આગ, વિદ્યાર્થીનીઓ ફસાઈ

Updated: May 18th, 2024


Google NewsGoogle News
VIDEO : તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં લાગી આગ, વિદ્યાર્થીનીઓ ફસાઈ 1 - image


Computer Institute Fire : સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના આસામમાં સામે આવી છે. અહીં સિલચરના શિલાંગ પટ્ટી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં એક કોમ્પ્યુટર ઈન્સ્ટીટ્યૂટ ટૉપ ફ્લોર પર ચાલે છે. ઘટના દરમિયાન અહીં કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ હાજર હતા. આગ લાગવાની ઘટના બાદ દોડધામ મચી હતી.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીઓને દાદરથી નીચે ઉતરવાનો મોકો પણ ન મળ્યો. ભયંકર અગ્નિકાંડ બાદ ઇન્સ્ટિટ્યૂટમાં આવેલા વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા. કેટલાક બાળકો બારીથી નીકળીને પાઈપની મદદથી નીચે ઉતરતા જોવા મળ્યા.

ત્યાં વિદ્યાર્થીનીઓને બાજુની બિલ્ડિંગની છત પર સીડી લગાવીને નીચે ઉતારવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હતો. સીડી પણ એટલી મોટી ન હતી કે ડાયરેક્ટ વિદ્યાર્થીનીઓ નીચે ઉતરી શકે. વિદ્યાર્થીનીઓએ પહેલા બેગ ફેંક્યા અને પછી નીચે ઉતરવાના પ્રયાસ કર્યા. પરંતુ તેમના પગ સીડી સુધી નહોતા પહોંચી શકતા. જોકે, એક યુવક સીડી પર ચડ્યો અને વિદ્યાર્થીનીઓને નીચે ઉતારવામાં મદદ કરી.

ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની 3થી 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જણાવાય રહ્યું છે કે, બિલ્ડિંગની છત પર ઘણા બધા બાળકો હજુ પણ ફસાયેલા છે. જોકે, તેમની સંખ્યા અંગે કોઈ માહિતી નથી મળી. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ રાહત અને બચાવ કામમાં જોડાઈ હતી. તો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સુરતના તક્ષશિલા અગ્નિકાંડને પાંચ વર્ષ થશે પૂર્ણ

પાંચ વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 જેટલા વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ અગ્નિકાંડને પાંચ વર્ષ પૂર્ણ થશે.


Google NewsGoogle News