રાજ્યપાલ વિરૂદ્ધ કેરલ સરકારની ફરિયાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પાઠવેલી નોટિસ
- રાજ્યપાલે આઠ મહત્વનાં વિધેયકો 7 મહિનાથી 2 વર્ષ સુધી મંજૂર કર્યા સિવાય પડયાં રાખ્યા છે : કેરલ સરકાર
નવીદિલ્હી : રાજ્યપાલે ૮ મહત્વના વિધેયકો ૭ મહિનાથી - ૨ વર્ષ સુધી મંજુર કર્યા સિવાય પડયાં રાખતાં કેરલ સરકારે સર્વોચ્ચ અદાલતમાં ફરિયાદ રજુ કરતાં અદાલતે આજે (સોમવારે) કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિયો સર્વશ્રી જે.બી. પારડીવાલા તથા મનોજ મિશ્રાએ તે યાચિકાની સુનાવણી માટે શુક્રવાર તા. ૨૪-૧૧ની મુદત રાખી છે.
કેરલ સરકારે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજ્ય વિધાનસભાએ પસાર કરેલાં વિધેયકોને મંજુર નહીં કરતાં રાજ્યપાલ આરીફ મહમ્મદ ખાને જનતાના અધિકારોનો ભંગ કર્યો છે.
ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તે આઠે વિધેયકો જનસામાન્યનાં હિતમાં છે, તે દ્વારા જન સામાન્યનું કલ્યાણ સાધવાનો હેતુ છે. યાચિકા કર્તા (કેરલ સરકાર)ની અરજ છે કે, ઉક્ત આઠે વિધેયકો સંવિધાનના અનુચ્છેદ ૨૦૦ નીચે રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યાં હતાં. આ પૈકી ૩ વિધેયકો તો બે વર્ષથી પણ વધુ સમયથી રાજ્યપાલ સમક્ષ રહેલાં છે. જ્યારે ૩ વિધેયકો એક વર્ષથી પણ વધુ સમય સુધી તેઓની સમક્ષ પડી રહેલાં છે. આ રીતે જો વિધેયકો પડયાં રહે તો તેથી સંવિધાને દર્શાવેલા મૂળભૂત હેતુઓ, કાયદાનું શાસન અને લોકશાહી રીતે ચાલતી સરકારોના શુભ-હેતુઓ માર્યા જશે. તેટલું જ નહીં પરંતુ વિધેયકો દ્વારા જનસામાન્યનું કલ્યાણ કરવાના હેતુઓ માર્યા જશે સાથે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના અધિકારો રૃંધાઈ રહેશે.
આ સાથે કેરલ સરકારે તેની યાચિકામાં જણાવ્યું હતું કે, તેથી રાજ્યની જનતાને પણ ઘણો જ અન્યાય થશે.
યાચિકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કોઇપણ વિધેયકને સ્વીકાર્ય ગણવું કે ન ગણવું તે રાજ્યપાલનો વિશેષાધિકાર છે તે નિર્ણયનો તેઓને અધિકાર છે પરંતુ રાજ્યપાલની તે માન્યતા જ સંવિધાનના ભંગ સમાન છે, તેટલું જ નહીં પરંતુ તે સંવિધાન અનુચ્છેદ ૧૪ના ભંગ સમાન છે.