મહારાષ્ટ્રની 10 રસપ્રદ બેઠક, ચૂંટણી મેદાનમાં પતિ Vs પત્ની, કાકા Vs ભત્રીજો, પરિવારવાદની પણ બોલબાલા
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, ત્યારે આ ચૂંટણીની સૌથી મોટી રસપ્રદ વાત એ છે કે, આ વખતે 10 પરિવારોમાં અંદરોઅંદર મુકાબલો થવાનો છે અને તેમાં પણ બે બેઠકો એવી છે, જ્યાં પત્નિી પતિ સામે તો ભત્રીજાનો કાકા સામે મુકાબલો થવાનો છે. રાજ્યના રાજકારણની સૌથી મોટી વાત પવાર પરિવારની અને તેમના પરિવારમાં પણ અંદોરઅંદર વર્ચસ્વની લડાઈ જોવા મળવાની છે.
પવાર પરિવાર : અજિત પવાર વિ. યુગેન્દ્ર પવાર
મહારાષ્ટ્રના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, પવાર પરિવારમાં અંદરો અંદર ચૂંટણીમાં ટક્કર જોવા મળવાની છે. આ વખતે બારામતી બેઠક પર નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) ચૂંટણી મેદાનમાં છે, તો તેમની સામે શરદ પવાર (Sharad Pawar)ની NCPSP પાર્ટીએ ભત્રીજા યુગેન્દ્ર કુમારને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર અજિત પવાર સાત વખત ધારાસભ્ય રહી ચુક્યા છે, જોકે આ વખતે ભત્રીજ સામે મુકાબલો થવાનો હોવાથી તેઓ રાજકીય પક્કડ જમાવા માટે તમામ તાકાત દેખાડી રહ્યા છે. પવાર પરિવારનો ગઢ કહેવાતી બારામતી બેઠક પર બીજીવાર એવું બન્યું છે કે, પરિવારના બે સભ્યો એકબીજાની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ પહેલા બારામતી લોકસભા ચૂંટણીમાં અજિત પવારની પત્ની સુનેત્રા પવારે પોતાની જ નણંદ સુપ્રિયા સુલેને હરાવ્યા હતા.
આ પણ વાંચો : વીર સાવરકર વિશે બે શબ્દ બોલી બતાવો: ગૃહમંત્રી શાહે રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર
અજિત પવારના ભત્રીજા પણ ચૂંટણી મેદાનમાં
આ ઉપરાંત અજિત પવારના વધુ એક ભત્રીજા અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર ભાજપના ઉમેદવાર રામ શિંદે વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
કન્નડ બેઠક પર પતિ-પત્ની વચ્ચે ટક્કર
છત્રપતિ સંભાજીનગરના કન્નડ વિધાનસભા બેઠકમાં અપક્ષમાંથી પતિ અને શિવસેનામાંથી પત્ની ચૂંટણી મેદાનમાં ઉતરતા મુકાબલો રસપ્રદ બન્યો છે. અપક્ષ ઉમેદવાર હર્ષવર્ધન જાધવ પોતાનાથી જુદી રહેતી પત્ની અને શિવસેનાની ઉમેદવાર સંજના જાધવ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. સંજના ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેની પુત્રી છે. જ્યારે સંજનાના ભાઈ સંતોષ દાનવે ભાજપ ઉમેદવાર તરીકે જાલનામાં ભોકરદનથી ચૂંટણી લડી રહ્યા છે.
પૂર્વ નેતાઓના પુત્રો પણ ચૂંટણી મેદાનમાં
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેવમુખના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર અમિત દેશમુખ લાતૂર બેઠક તેમજ તેમના ભાઈ ધીરજ દેશમુખ ગ્રામીણ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
રાણે પરિવાર બે સભ્યો જુદી-જુદી પાર્ટીના ઉમેદવાર
ભાજપના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નીતિશ રાણે શિવસેનાની ટિકિટ પરથી કુડાલ અને નિલેશ રાણે ભાજપની ટિકિટ પરથી કંકાવલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ઠાકરે પરિવારમાં પણ અંદરોઅંદર મુકાબલો
ઠાકરે પરિવારના સભ્યો પણ મુંબઈની જુદી જુદી બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉદ્ધવની શિવસેનાના વર્તમાન ધારાસભ્ય આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમની માસીના પુત્ર વરુણ સરદેસાઈ શિવસેનાની ટિકિટ પર વાંદ્રે (પૂર્વ) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આદિત્યના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે માહિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
નાઈક પરિવારના બે સભ્યો પણ ચૂંટણી મેદાનમાં
ભાજપના ઉમેદવાર ગણેશ નાઈક ઐરોલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમના પુત્ર સંદીપ નાઈક બેલાપુર બેઠક પરથી NCP-SPની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
ગાવિત પરિવાર ચૂંટણી મેદાનમાં
મહારાષ્ટ્રના મંત્રી વિજયકુમાર ગાવિત અને તેમની પુત્રી તેમજ પૂર્વ સાંસદ હિના ગાવિત પણ ચૂંટણી લડી રહ્યા છે. વિજયકુમાર ગાવિત નંદુરબાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જ્યારે તેમની પુત્રી હિના અક્કલકુવા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
ભુજબળ અને પાટીલ પરિવાર વચ્ચે ચૂંટણી જંગ
NCPના મંત્રી છગન ભુજબળ યેવલા બેઠક પરથી જ્યારે તેમના ભત્રીજા નંદગાંવમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત NCPSPના રાજ્ય પ્રમુખ જયંત પાટીલ ઈસ્લામપુરથી અને તેમના ભત્રીજા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી પ્રાજક્તા તનપુરે પાર્ટીની ટિકિટ પરથી રાહુરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
શેલાર પરિવારના બે સભ્યો લડશે ચૂંટણી
ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ આશિષ શેલાર વાંદ્રે (વેસ્ટ) બેઠક અને તેમના ભાઈ વિનોદ શેલાર મલાડ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
હંબાર્ડે પરિવારના બે સભ્યો સામસામે
નાંદેડમાં સંતુકરાવ હંબાર્ડે અને તેમના ભાઈ મોહનરાવ હુંબર્ડે પણ એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે. સંતુકરાવ હંબાર્ડે નાંદેડ લોકસભા સીટથી પેટાચૂંટણી લડી રહ્યા છે, જ્યારે મોહનરાવ હંબાર્ડે કોંગ્રેસની ટિકિટ પર નાંદેડ દક્ષિણ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.