શહીદ ભગતસિંહના પરિવારજનો આમ આદમી પાર્ટી પર થયા નારાજ, આવુ છે કારણ
નવી દિલ્હી,તા.18.ઓક્ટોબર 2022,મંગળવાર
દારૂ કૌભાંડના આરોપી અને આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની તુલના શહીદ ભગતસિંહ સાથે કરવા બદલ આ મહાન ક્રાંતિકારીના પરિવારજનો નારાજ થયા છે.
તેમનુ કહેવુ છે કે, દારૂના ગોટાળાના આરોપીની તુલના દેશની આઝાદી માટે જીવ ગુમાવનારા વીર શહીદો સાથે કરવી જોઈએ નહીં. સસ્તી રાજનીતિ માટે હિન્દુ દેવી દેવતાઓ અને શહીદોનુ અપમાન ના થવુ જોઈએ. તેમની મહાન ઈમેજ ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે.
પરિવારજનોએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, દિલ્હી સરકારે બસો પર તિરંગો પ્રિન્ટ કરવાનો વાયદો ચાર વર્ષ પછી પણ પૂરો કર્યો નથી. ભગતસિંહના પૌત્ર યાદવેન્દર સિંહે કહ્યુ હતુ કે, દુનિયાના ઈતિહાસમાં ભગત સિંહ નિસ્વાર્થ બલિદાનના પ્રતિક તરીકે ઓળખાય છે. દેશના બાળકો તેમની વીરતાની કહાની વાંચીને તેમના જેવા બનવા માંગે છે. આવા મહાન વ્યક્તિનો રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવે છે તે કમનસીબ બાબત છે.
અન્ય એક મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના પૌત્ર અમિાત આઝાદે કહ્યુ હતુ કે, ક્રાંતિકારીઓએ દેશની આઝાદી માટે જીવ આપ્યો હતો. તેમાં તેમનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નહોતો. તેઓ પોતાના દેશ અને ધર્મને બચાવવા માંગતા હતા. જોકે રાજકીય લાભ ખાટવા માટે કેટલાક લોકો હિન્દુ ધર્મને દનામ કરે છે તો ક્યારેક ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોય તેવા નેતાઓની તુલના શહીદો સાથે કરે છે. આ શહીદોનુ અપમાન છે.
ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાને ગઈકાલે સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવાયા હતા અને આપના નેતાઓએ મનીષ સિસોદિયાને ભગતસિંહ સાથે સરખાવ્યા હતા અને તેને લઈને રાજકીય બબાલ ચાલુ થઈ ગઈ છે.