મુઝફ્ફરનગરમાં બબાલ! પયગમ્બર સાહેબનું અપમાન કરતી પોસ્ટના વિરોધમાં સેંકડો લોકો રસ્તા પર
Muzaffarnagar: મુઝફ્ફરનગરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને હોબાળો મચી ગયો છે. જિલ્લાના બુઢાણા વિસ્તારમાં પયગમ્બર સાહેબનું અપમાન કરતી પોસ્ટના વિરોધમાં શનિવારે મોડી રાત્રે મુસ્લિમ સમુદાયના સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ વધતાં પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.
મુઝફ્ફરનગર પોલીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જારી કરીને આ બાબતની જાણકારી આપી છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, 'બુઢાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક દ્વારા અન્ય સમુદાય વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ શેર કરવાની ઘટનાના સંદર્ભમાં ઉચ્ચ અધિકારીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરતા વિરોધ-પ્રદર્શનન સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. હાલમાં વાહનવ્યવહાર સુચારૂ રીતે ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: VIDEO: RSSના કાર્યક્રમમાં ચાકુબાજી-દંડાવાળી કરનારા હુમલાખોરોના ઘર પર તંત્રની બુલડોઝરવાળી
આ મામલે વિસ્તારના એસપીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર કોઈકે એક પોસ્ટ કરી દીધી છે જેના કારણે એક ખાસ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. ત્યારબાદ તાત્કાલિક કાર્યવાહી કરતા 20 જ મિનિટમાં પોસ્ટ કરનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે, આરોપીની પૂછપરછ સાથે પોસ્ટની વિગતો તપાસવામાં આવી રહી હતી, આ દરમિયાન કોઈકે એવી અફવા ફેલાવી કે આરોપીને પોલીસે છોડી મૂક્યો છે. આ અફવા ફેલાતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ પોલીસે તમામ લોકોને સમજાવી દીધા છે. લોકોને સુરક્ષાની ખાતરી આપવા માટે ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભાજપ નેતાના દીકરાએ કર્યા ઓનલાઈન લગ્ન, પાકિસ્તાનની 'દુલ્હન' અને જોનપુરનો 'દુલ્હા'