ચૂંટણી પંચના આદેશ બાદ ભાજપે હટાવવી પડી ત્રણ આપત્તિજનક પોસ્ટ, એવું તો શું અપલોડ કર્યું હતું?
Lok Sabha Elections 2024: છત્તીસગઢના રાજ્ય ચૂંટણી પંચના હસ્તક્ષેપ બાદ, ભાજપને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ત્રણ પોસ્ટ દૂર કરવી પડી છે. આ બાબતે છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી રીના કંગાલેએ ભાજપને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે ભવિષ્યમાં પાર્ટી દ્વારા આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર ન નાખવામાં આવે. ત્યારબાદ એક રિપોર્ટ અનુસાર આ પોસ્ટને 24મેના દિવસે હટાવી દેવામાં આવી હતી.
પોસ્ટમાં શું હતું?
આ મામલે પહેલી પોસ્ટ 15 મેના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક એનિમેટેડ વીડિયો દ્વારા લીલા કપડા અને ગોળ ટોપી પહેરેલ એક વ્યક્તિ એક મહિલાને લૂંટતો બતાવવામાં આવ્યો હતો. જ્યારે મહિલા મદદ માટે બોલાવે છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક કેરીકેચર ઊડતું આવે છે અને મહિલા પાસેથી પર્સ છીનવી લે છે અને લૂંટ કરનાર પુરુષને આપે છે.
બીજી પોસ્ટ 20મેના રોજ અપલોડ કરવામાં આવી હતી. જેમાં એક ફોટોમાં રાહુલ ગાંધીનું કેરિકેચર એક મહિલા પાસેથી મંગળસૂત્ર છીનવીને બીજા પુરુષને આપી રહ્યું છે.
ત્રીજી પોસ્ટ 23 મેના રોજ છત્તીસગઢ બીજેપીના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. એનિમેટેડ વીડિયોમાં રાહુલ ગાંધીને મુસ્લિમ લેબલવાળા મોટા ઈંડા અને SC, ST અને OBC લેબલવાળા નાના ઈંડા પકડાવેલા દેખાડવામાં આવ્યા હતા. પછી મુસ્લિમ ઇંડામાંથી નીકળેલું બાળક મોટું થાય છે અને બીજાને માળામાંથી બહાર ધકેલી દે છે. આ જ વીડિયો સાતમી મેના રોજ કર્ણાટક ભાજપના એકાઉન્ટ પરથી પણ પોસ્ટ કરાયો હતો.
પોસ્ટ બાબતે બીજેપીએ શું સફાઈ આપી?
આ પોસ્ટ બાબતે બીજેપીનું કહેવું છે કે આ પોસ્ટમાં કંઈ જ આપતીજનક ન હતું. તે કોંગ્રેસના મેનિફેસ્ટો પર કટાક્ષ કરી રહી હતી. છત્તીસગઢ બીજેપીના સોશિયલ મીડિયા સેલના અધિકારી સોમેશ પાંડેએ કહ્યું, "અમને ચૂંટણી પંચ તરફથી કોઈ નોટિસ મળી નથી પરંતુ તેમ છતાં અમે ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને આ પોસ્ટને હટાવી દીધી છે. આ પોસ્ટ્સમાં કંઈ ધાર્મિક નહોતું. આ પોસ્ટ કોંગ્રેસના વારસાગત કર અને અનામત છીનવીને મુસ્લિમોને આપવા સંબંધિત હતી."
આ મામલે કોંગ્રેસે શું કહ્યું?
આ પોસ્ટ બાબતે કોંગ્રેસે કહ્યું છે કે આવી પોસ્ટ કરવા બદલ ભાજપ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. છત્તીસગઢમાં કોંગ્રેસના કોમ્યુનિકેશન સેલના અધિકારી સુશીલ આનંદ શુક્લાએ કહ્યું કે, "ભાજપ સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા અને કોંગ્રેસ પાર્ટીની છબીને ખરાબ કરવાનું ષડયંત્ર કરી રહી છે. આથી આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. આચારસંહિતાનું ઉલ્લંઘન કરવું તેમની આદત બની ગઈ છે અને ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી આવી ડઝનબંધ પોસ્ટ કરવામાં આવી છે. તેમને ચેતવણી આપીને તેમને છોડી દેવા કરતા તેમના હેન્ડલ્સ સસ્પેન્ડ કરવા જોઈએ."