ઉદયપુરમાં કોમી છમકલા : ઇન્ટરનેટ સસ્પેન્ડ, તમામ શાળાઓ બંધ રખાઇ, કરફ્યુ લદાયો
- 10મા ધોરણના વિદ્યાર્થીએ સહપાઠીને ચાકુ મારતા હિંસક વિરોધ
- કાર્યવાહીની ઉતાવળમાં પ્રશાસને આરોપી ભાડે રહેતો હતો તે મકાનને તોડી પાડયું, મૂળ માલિક કોઇ બીજો નિકળ્યો
ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં ૧૦માં ધોરણના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચાકુ મારી દીધુ હતું, જેને કારણે સમગ્ર ઉદયપુરમાં તંગદીલીનો માહોલ છે, બે ધર્મના લોકો આ ઘટના બાદ સામસામે આવી ગયા છે. સ્થિતિ કાબુ બહાર ના જાય તે માટે પ્રશાસને સમગ્ર ઉદયપુરમાં ૨૪ કલાક માટે ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દીધી હતી, જ્યારે આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ફેરવી દીધુ હતું.
જોકે ઘર તોડી નાખ્યા બાદ પ્રશાસનને જાણ થઇ કે ઘર ખરેખર આરોપીનું નહોતું પણ તે પરિવાર સાથે આ ઘરમાં ભાડે રહેતો હતો અને કોઇ નિર્દોશનું ઘર તોડી પાડયું હતું.
ઉદયપુરની એક સરકારી શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચેનો આ વિવાદ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શુક્રવારે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચાકુ મારીને ઘાયલ કરી દીધો હતો, ઘાયલને તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં હાલ તેને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અરવિંદ પોસવાલે કહ્યું હતું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદયપુરની તમામ સરકારી અને ખાનગી શાળાઓને આગામી આદેશ સુધી બંધ રખાઇ છે. જ્યારે શહેરમાં બીએનએસની કલમ ૧૬૩ (અગાઉ સીઆરપીસીની કલમ ૧૪૪) લાગુ કરી દેવાઇ છે. વિદ્યાર્થીને ચાકુ મારવાની ઘટના બાદ હિન્દુ સંગઠનો દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શન કરાયા હતા અને રેલી કઢાઇ હતી.
આ દરમિયાન વાહનોમાં તોડફોડ કરાઇ હતી અને કેટલીક કારોને આગ પણ લગાવી દીધી હતી. શોપિંગ મોલ અને દુકાનો પર પથ્થરમારો પણ થયો હતો.
શુક્રવારથી શનિવારે રાત્રે આઠ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરાઇ હતી. ઉદયપુર ગ્રામીણ ધારાસભ્ય ફૂલસિંહ મીણા અને કેટલાક હિન્દુ સંગઠનોએ આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ચલાવવાની માગણી કરી હતી. બાદમાં પ્રશાસને દાવો કર્યો હતો કે આરોપી જે ઘરમાં રહે છે તે ગેરકાયદે બનાવાયું છે, જેને કારણે જેસીબીની મદદથી તેને તોડી પડાયું હતું. જોકે બાદમાં સામે આવ્યું હતું કે આરોપી વિદ્યાર્થી જે ઘરમાં રહે છે તે ભાડાનું છે, તેનો મકાન માલિક કોઇ અન્ય છે. તેથી સવાલ ઉઠી રહ્યા છે કે પ્રશાસને કોઇ નિર્દોશનું મકાન કેમ તોડયું, જો આ વિસ્તારના મકાનો ગેરકાયદે હોય તો અન્ય મકાનો કેમ તોડવામાં ના આવ્યા. કલેક્ટરનો દાવો છે કે અમે નોટિસ મોકલી હતી જે બાદ મકાન તોડવાનો નિર્ણય લેવાયો હતો. અપરાધ કરનારાઓમાં પ્રશાસનનો ડર રહેવો જરૂરી છે.
કલેક્ટર તેમજ બન્ને ધર્મના લોકોએ નાગરિકોને અફવાઓ પર ધ્યાન ના આપવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. બીજી તરફ જયપુરમાં પણ કોમી છમકલા જોવા મળ્યા હતા, અહીંયા એક સ્કૂટી સવારને ઢોર માર મારતા તેનું મોત નિપડયું હતું. જેને પગલે ઉદયપુરની જેમ જયપુરમાં પણ વિરોધ પ્રદર્શન થયા હતા.