ઉત્તર પ્રદેશ જ નહીં 72 કલાકમાં દેશના પાંચ રાજ્યોમાં કોમી હિંસાનો તણાવ, જાણો ક્યાં કેવી હાલત
Image: File Photo UP Bahraich |
Communal Violence: ઉત્તર પ્રદેશનું બહરાઈચ કોમી હિંસાની આગમાં ભભૂકી રહ્યું છે. જ્યાં હજુ તંગદિલીનો માહોલ થાળે પડ્યો નથી. દેશમાં માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં, છેલ્લા કેટલાક દિવસોથી દેશના અન્ય પાંચ રાજ્યો પણ કોમી તોફાનોનો સામનો કરી રહ્યા છે. યુપીના બહરાઈચ ઉપરાંત છેલ્લા 72 કલાકમાં તેલંગાણા,પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, અથડામણના કિસ્સા જોવા મળ્યા છે.
ભાજપ નેતાની ધરપકડ
તેલંગાણાના સિકંદરાબાદ જિલ્લામાં મુથ્યાલમ્મા મંદિરમાં અજાણ્યા લોકોએ તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તોડફોડની ઘટના બાદ દેખાવો શરુ થયા હતાં. જિલ્લાના મોંડા માર્કેટ વિભાગમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. વિરોધ-પ્રદર્શનો દરમિયાન પોલીસે ભાજપ નેતા માધવી લતાની ધરપકડ કરી હતી. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી પણ મંદિર પહોંચ્યા હતા અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના દુર્ગા પંડાલમાં તોડફોડ
પશ્ચિમ બંગાળમાં 13 ઑક્ટોબરની રાત્રે દુર્ગા પંડાલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના હાવડા જિલ્લાના શ્યામપુર વિસ્તારમાં બની હતી. ભાજપનો દાવો છે કે આ દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિને પણ નુકસાન થયું હતું. રાજ્યના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીએ આ અંગે સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી કે, ‘શ્યામપુર પોલીસ સ્ટેશનથી પરત ફરતી વખતે, બદમાશોના એક ટોળાએ અફરાતફરી મચાવી હતી. દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ કરી શ્યામપુર બજાર વ્યાપાર સમિતિના પૂજા પંડાલમાં મૂર્તિઓને આગ લગાવી હતી અને અન્ય પંડાલમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટના બાદથી હાવડા ગ્રામીણ પોલીસ જિલ્લાના શ્યામપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં તણાવ વધ્યો છે.’
આ પણ વાંચોઃ યુપીના બહરાઈચમાં હજુ શાંત નથી થઈ હિંસાની આગ, ઉપદ્રવીઓએ ધાર્મિક સ્થળે તોડફોડ, તણાવ વધ્યો
કર્ણાટકમાં બે જૂથો વચ્ચે અથડામણ
કર્ણાટકના બેલગાવી જિલ્લામાં બે જૂથો વચ્ચે અથડામણના અહેવાલો મળ્યા હતા, આ ઘટના 13 ઑક્ટોબરે બની હતી. આરોપ છે કે રાત્રે દેવી દુર્ગાની મૂર્તિનું અપમાન કરવામાં આવ્યું હતું. અથડામણમાં 3 લોકો ઘાયલ થયા છે, 2 બાઇક અને 1 કારને નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. એક દિવસ પહેલાં મહાસી વિસ્તારમાંથી પણ અથડામણના અહેવાલ હતા. જ્યાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન વિવાદ થયો હતો. પોલીસે જણાવ્યું કે અહીં મહારાજગંજ વિસ્તારમાં થયેલી અથડામણના સંબંધમાં 30 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
યુપીના બહરાઈચમાં હિંસા
ઉત્તર પ્રદેશના બહરાઈચમાંથી પણ હિંસાના અહેવાલો છે. 13 ઑક્ટોબરના રોજ અહીંના હરદોઈ વિસ્તારમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન ડીજે વગાડવા મુદ્દે વિવાદ થયો હતો. ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો અને આગચંપી બાદ ફાયરિંગ પણ થયું હતું. આ ઘટનામાં 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાનું મોત થયું હતું. આ પછી મૃતકના ઘરે મોટી ભીડ એકઠી થઈ ગઈ. ટોળાએ નકવા ગામમાં પહોંચી આગ ચાંપી હતી. આરોપ છે કે ગામથી જ થોડા અંતરે સ્થિત એક મકબરાને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. આ વિસ્તારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ઝારખંડના ગર્હવામાં લાઠીચાર્જ
13 ઑક્ટોબરે ઝારખંડના ગર્હવામાં આવી જ ઘટના બની હતી. મૂર્તિના વિસર્જન દરમિયાન ગ્રામજનો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ગામલોકો મૂર્તિને એ જ માર્ગ પરથી લઈ જવા માગતા હતા કે જેના પર પોલીસે બેરિકેડ કર્યુ હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.