મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગેની જાહેરાતથી કલેક્ટરને ટેન્શન, ચૂંટણી પંચ પાસે સૂચન માંગ્યું

મરાઠા નેતા દરેક ગામમાંથી ઉમેદવારો ઉભા કરશે તો વ્યવસ્થા બગડી શકે

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગેની જાહેરાતથી કલેક્ટરને ટેન્શન, ચૂંટણી પંચ પાસે સૂચન માંગ્યું 1 - image


Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે લોકસભા ચૂંટણીમાં દરેક ગામમાંથી એક ઉમેદવાર ઉતારવાની જાહેરાત કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર ટેન્શનમાં છે. મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના કલેક્ટરે ચૂંટણી પંચને એક પત્ર લખીને સૂચન માંગ્યું કે, 'જો મરાઠા નેતા  દરેક ગામમાંથી ઉમેદવારો ઉભા કરશે તો વ્યવસ્થા બગડી શકે છે અને હાલની વ્યવસ્થા હેઠળ ચૂંટણી યોજવી શક્ય નહીં બને.'

બેલેટ પેપરનો ઉપયોગ કરવો પડશે: કલેક્ટર સચિન ઓમ્બાસે

ધારાશિવના કલેક્ટર સચિન ઓમ્બાસેએ ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 'અસંતુષ્ટ મરાઠા સમુદાય દ્વારા ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની ક્ષમતા કરતાં ઘણાં બધા ઉમેદવારો ઊભા રાખવાની શક્યતાને નકારી શકાય તેમ નથી અને આનાથી ઘણી સમસ્યાઓ સામે આવી શકે છે. જો ક્ષમતા કરતા વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરશે તો બેલેટ પેપરનો ઉપયોગ કરવો પડશે.'

વધુ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાથી મુશ્કેલી પડી શકે

કલેક્ટરે પત્રમાં લખ્યું કે,'અપૂરતા માનવબળ અને મતપેટીનો પડકાર ઉભો થઈ શકે છે. જો મોટી સંખ્યામાં ઉમેદવારો હોય તો બેલેટ પેપરને મોટું કરવું પડશે. પરિણામે વધુ મતપેટીની જરૂર પડી શકે છે. માત્ર માનવબળ જ નહીં,પરંતુ મતપેટીઓને મતદાન કેન્દ્રથી સ્ટ્રોંગ રૂમ સુધી લઈ જવા માટે વધુ વાહનોની પણ જરૂર પડશે.'

મરાઠવાડા વિસ્તારમાં લોકસભાની આઠ બેઠકો

ધારાશિવ પહેલા ઉસ્માનાબાદ તરીકે ઓળખાતું હતું. ધારાશિવ એ રાજ્યના મરાઠવાડા વિસ્તારમાં સમાવેશ કરતા આઠ જિલ્લાઓમાંનો એક છે. આ જ વિસ્તારમાં મનોજ જરાંગેએ મરાઠાઓને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની માગ સાથે આંદોલનનું નેતૃત્વ કર્યું છે. આ પ્રદેશમાં લોકસભાની કુલ આઠ બેઠકો છે.

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2023માં પરભણી જિલ્લાના ચાટે પિંપલગાંવ ગામમાં ગ્રામ પંચાયત પેટાચૂંટણી માટે, વિરોધ કરી રહેલા મરાઠા સમુદાયના કહેવાથી 155 લોકોએ તેમની ઉમેદવારી નોંધાવ્યા પછી ચૂંટણી અધિકારીઓને મોટી સંખ્યામાં ઉમેદવારો તરફથી પડકારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીને સ્થગિત કરવામાં આવી હતી અને નિર્ણય અંગેનો પત્ર પરભણી કલેકટરને મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘યુવાઓને બચાવવા અફીણની ખેતી કરવા માંગ’ પંજાબ વિધાનસભામાં AAPની કારણ સાથે વિચિત્ર રજૂઆત



Google NewsGoogle News