Coldplayએ અમદાવાદમાં રચ્યો ઇતિહાસ: ટેલર સ્વિફ્ટને પછાડી ગિનિસ બુકમાં નોંધાવ્યો રૅકોર્ડ
Coldplays Music Of The Spheres Tour Sets Record: બ્રિટિશ બૅન્ડ કોલ્ડપ્લે 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ' ટૂર હેઠળ ભારતમાં મુંબઈ અને અમદાવાદમાં પર્ફોર્મ કર્યું હતું. આ સાથે જ કોલ્ડપ્લેના 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ'ના નામે કોઈ મ્યુઝિકલ કોન્સર્ટમાં સોથી વધુ લોકોની હાજરીનો ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ સર્જાયો છે. કોલ્ડપ્લેના અમદાવાદમાં બે દિવસના આ કોન્સર્ટમાં 2.23 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી. અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટની 'ધ ઈરાસ' ટૂરમાં પણ એકસાથે આટલા લોકોએ હાજરી આપી નથી.
ટૂરને હજુ આઠ મહિના બાકી, 1.03 કરોડ ટિકિટ વેચાઈ ચૂકી છે
અમદાવાદના કોન્સર્ટના વર્લ્ડ રેકોર્ડ વિશે માહિતી આપતા કોલ્ડપ્લેએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, ‘અવર બિગેસ્ટ એવર કોન્સર્ટ, ટોટલી માઈન્ડ બ્લોઈંગ.’ 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ’ ટૂરમાં કોલ્ડપ્લેએ મુંબઈ અને અમદાવાદમાં સંગીત રસિયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ટૂરને હજુ આઠ મહિના બાકી છે અને 1.03 કરોડથી પણ વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. આ પહેલા કોઈ કોન્સર્ટમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી નથી.
જો કે, કોલ્ડપ્લે હજુ ચાહકોની હાજરીની બાબતમાં જ ટેલર સ્વિફ્ટની ‘ધ એરાઝ’ ટૂરનો રેકોર્ડ તોડી શક્યું છે. મ્યુઝિક કોન્સર્ટની કમાણીની વાત કરીએ, તો બે અબજ ડૉલરની ધરખમ કમાણીનો રેકોર્ડ હજુ પણ ટેલર સ્વિફ્ટની ટૂરના નામે છે. અમદાવાદ પહેલાં કોલ્ડપ્લેનો સૌથી મોટો કોન્સર્ટ નવેમ્બર 2024માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાયો હતો. તે કોન્સર્ટમાં પણ એકસાથે 83,000 લોકો જ હાજર હતા.
કોલ્ડપ્લે એપ્રિલમાં હોંગકોંગ અને સિઓલમાં કોન્સર્ટ યોજશે
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના આંકડા પ્રમાણે, કોલ્ડપ્લેની સ્ફિયર્સ વર્લ્ડ ટૂરની બે જ મહિનામાં 1.03 કરોડ ટિકિટ વેચાઈ છે, જે એક રેકોર્ડ છે. ટેલર સ્વિફ્ટની અત્યંત લોકપ્રિય એરાઝ ટૂરની પણ બે મહિનામાં 1.01 કરોડ ટિકિટ વેચાઈ હતી. વળી, બ્રિટિશ બેન્ડ હજુ આઠ મહિના એટલે કે સપ્ટેમ્બર 2025 સુધી ટૂર કરવાનું છે. અમેરિકા પરત ફરતા પહેલા કોલ્ડપ્લે એપ્રિલમાં હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના સિઓલમાં પણ કોન્સર્ટ યોજવાના છે. નોંધનીય છે કે, કોલ્ડપ્લેએ માર્ચ 2022માં અમેરિકાના કોસ્ટારિકામાં પહેલી કોન્સર્ટ કરી હતી.
કોલ્ડપ્લે બે જ સપ્તાહમાં બ્રિટનમાં નં.1 આલબમ બન્યું હતું
મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ આલબમ 2021માં લૉન્ચ થયું હતું. આ લૉન્ચ થયાના બે જ સપ્તાહમાં તે બ્રિટનમાં નંબર 1 બની ગયું હતું. આ દરમિયાન કોલ્ડપ્લેએ ટૂર શરૂ કરીને કોન્સર્ટ યોજવાની શરૂઆત કરી અને તેના પણ અનેક રેકોર્ડ સર્જાઈ ચૂક્યા છે. જો કે, કમાણીની દૃષ્ટિએ કોલ્ડપ્લે હજુ પણ ટેલર સ્વિફ્ટ પછી બીજા ક્રમે છે. મ્યુઝિક એનાલિસ્ટના મતે, કોલ્ડપ્લે આઠેક મહિનામાં બે અબજ ડૉલરની કમાણીનો ટેલર સ્વિફ્ટનો રેકોર્ડ તોડી નાંખે એવી પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન કેસમાં મોટા સમાચાર, CCTVથી મેચ થયો આરોપીનો ચહેરો
વડાપ્રધાન મોદીએ પણ ભુવનેશ્વરમાં ‘ઉત્કર્ષ ઓડિશા- મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’ને સંબોધિત કરતાં કોલ્ડપ્લેની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'છેલ્લાં કેટલાક દિવસોમાં તમે મુંબઈ અને અમદાવાદમાં કોલ્ડપ્લે કૉન્સર્ટની શાનદાર તસવીરો જોઈ હશે. આ તસવીરો એ વાતનો પુરાવો છે કે, લાઇવ કૉન્સર્ટ માટે ભારતમાં કેટલી બધી તકો છે. આજે ભારતમાં કૉન્સર્ટ ઈકોનોમી પણ વિકસી રહી છે. આ દેશ કૉન્સર્ટનો ખૂબ મોટો કન્ઝ્યુમર છે.'