રૂ.2500થી ટિકિટ 3 લાખમાં! કોલ્ડપ્લેના શૉમાં ટિકિટની કાળાબજારીના આરોપ પર BookMyShowનો જવાબ, જુઓ શું કહ્યું
Coldplay India Concert Controversy: મુંબઈ પોલીસે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના શૉની ટિકિટોમાં કથિત કાળાબજારીના આરોપમાં BookMyShowના CEO તથા કો-ફાઉન્ડર આશિષ હેમરાજાણીને સમન પાઠવ્યું હતું. એક વકીલે ટિકિટ પ્લેટફોર્મ પર ગંભીર આરોપ લગાવ્યા હતા જે બાદ પોલીસે આ કાર્યવાહ કરી હતી. જે બાદ હવે BookMyShow દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
સમગ્ર વિવાદ મુદ્દે ટિકિટ વેચતા પ્લેટફોર્મ BookMyShowનું કહેવું છે કે તેમનો બ્લેકમાં ટિકિટ વેચતા લોકો સાથે કોઈ જ સંબંધ નથી. તથા આ મુદ્દે હવે BookMyShow દ્વારા પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આટલું જ નહીં BookMyShowએ એવો પણ દાવો કર્યો છે કે, 'અમ ટિકિટ વેચાણમાં પારદર્શકતા રાખવા માટે અનેક નિર્ણય લીધા હતા. તથા કોઈ પણ થર્ડ પાર્ટી પાસેથી બ્લેકમાં અથવા નકલી ટિકિટ ન લેવા માટે ચેતવણી પણ આપી હતી.'
શું હતી ફરિયાદ?
મીડિયા અહેવાલો અનુસાર જે ટિકિટની મૂળ કિંમત 2500 રૂપિયા હતી, તેને હવે થર્ડ પાર્ટી તથા પ્રભાવશાળી લોકો દ્વારા ત્રણ લાખ રૂપિયામાં વેચવામાં આવી રહી છે. જેની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાજપે કહ્યું- કાર્યવાહી કરીશું
આટલું જ નહીં આ કેસમાં તો રાજકારણીઓએ પણ ઝંપલાવ્યું છે. ભાજપના જ નેતાઓ હવે BookMyShow પર ટિકિટની હેરાફેરીનો આરોપ લગાવી રહ્યા છે. ભાજપ નેતા રામ કદમે કહ્યું છે, કે 'તમે થોડીવાર માટે બુકિંગ ઓપન કરો અને પછી કહો કે તમામ ટિકિટ બુક થઈ ગઈ, આ પૈસા કમાવવાનું ષડ્યંત્ર લાગી રહ્યું છે. બ્લેકમાં ટિકિટ વેચવા માટે આ બધુ કરવામાં આવ્યું છે. શોના આયોજનકરતાં તથા ટિકિટ વેચનારા તમામ લોકો મળેલા છે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'
BookMyShowની સ્પષ્ટતા
BookMyShow ના પ્રવક્તા આજે કહ્યું છે, કે 'કોલ્ડપ્લેની ટિકિટ ખરીદવા માટે 1.3 કરોડ લોકો લૉગ ઇન કરીને રાહ જોઈ રહ્યા હતા. અમે સત્તાવાર માધ્યમથી જ ટિકિટનું વેચાણ કર્યું જેથી લોકોને લાભ મળી શકે, તથા એક વ્યક્તિ ચાર જ ટિકિટ ખરીદી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. જોકે સત્તાવાર પ્લેટફોર્મ સિવાય પણ અમુક જગ્યાઓ પર ટિકિટ વેચાણ થઈ રહ્યું છે. પરંતુ આ રીતે ટિકિટ વેચાણ કરતાં કોઈ પણ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ સાથે અમારે લેવા દેવા નથી. અમે તપાસમાં સહયોગ કરી રહ્યા છીએ અને આવા પ્લેટફોર્મ વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે. અમે ફરીથી અપીલ કરીશું કે આવા કોઈ પણ ગેરકાયદે ટિકિટ વેચતા પ્લેટફોર્મ કે વ્યક્તિ પાસેથી ટિકિટ ખરીદવી નહીં.'
નોંધનીય છે કે આવતા વર્ષે 18, 19 તથા 21મી જાન્યુઆરીના રોજ નવી મુંબઈના ડી. વાઇ. પાટિલ સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના ત્રણ શો થવાના છે. જેની ટિકિટ લેવા માટે લાખો લોકો પડાપડી કરી રહ્યા હતા.