ઉ.ભારતમાં ઠંડીનું જોર ચાલુ, અનેક સ્થળોએ વરસાદ પડશે : ઘણાં સ્થળોએ કરાં પડશે
- IMDએ ઉચ્ચારેલી ચેતવણી
- ચંડીગઢ, પંજાબ, હરિયાણા, ઉ.રાજસ્થાન, દિલ્હી અને પશ્ચિમ ઉ.પ્ર. તથા બિહારમાં જોરદાર પવનો સાથે વર્ષા થશે
પુના, નવી દિલ્હી : ભારતના હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે ચંડીગઢ, પંજાબ, ઉત્તર રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા બિહારમાં આગામી એક બે દિવસમાં જોરદાર પવનો સાથે વરસાદની ઝડી બોલશે, તથા કેટલાક ભાગોમાં કરાં પણ પડવા પૂરો સંભવ છે. આ સાથે લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહેશે.
હવામાન વિભાગ વધુમાં જણાવે છે કે, આ વિસ્તારોમાં ૩જી ફેબ્રુઆરીથી પાંચમી ફેબ્રુઆરી વચ્ચે ફરીથી વરસાદનો નવો દોર શરૂ થવા સંભવ છે. લગભગ સમગ્ર ઉત્તર ભારત તેની ઝપટમાં આવી જવાનું છે.
અત્યારે જ ચંડીગઢ, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, અને બિહારમાં ઉષ્ણતામાન ૯થી ૧૨ ડીગ્રી સેલ્સીયસ જેટલું નોંધાયું છે. જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશનાં ફૂરસન ગંજમાં ઉષ્ણતામાન ૧ ડીગ્રી સેલીસીયસ સુધી નીચું ઉતરી ગયું હતું.
હવામાન વિભાગ વધુમાં જણાવે છે કે, જમ્મુ કાશ્મીર, લડાખ, ગિલગિટ, હિમાચલ પ્રદેશ, તથા ઉત્તરા ખંડમાં એક થી પાંચ ફેબ્રુઆરી સુધીમાં હળવો વરસાદ થશે તથા હિમવર્ષા પણ થશે.
સમાચારો જણાવે છે કે વૈષ્ણવે દેવીમાં પણ ભારે હિમવર્ષા થઇ હતી. તેમજ હિમાચલ પ્રદેશમાં પણ ભારે હિમવર્ષા થઇ છે. હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તથા પૂર્વ રાજસ્થાનમાં વરસાદ સાથે કરાં પણ ૩થી ૪ ફેબ્રુઆરી વચ્ચે પડવા સંભવ છે. આ વિસ્તારોમાં ૩૦-૪૦ કીમીની ઝડપે પવનો પણ ફૂંકાવા સંભવ છે.
હવામાન વિભાગ વધુમાં જણાવે છે કે અરૂણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી વર્ષા થવા સંભવ છે. જ્યારે પશ્ચિમ બંગાળ, સિક્કીમ, ઓડીશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, તથા ત્રિપુરામાં પહેલી બીજી ફેબ્રુઆરીએ હળવાથી મધ્યમ વરસાદ થશે. અરૂણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.
જમ્મુ કાશ્મીરના રીયાસી જિલ્લામાં આવેલી ગિફ્ટ પર્વતમાળામાં રહેલાં વૈષ્ણોદેવી મંદિર સહિત જમ્મુ વિસ્તારના પર્વતીય પ્રદેશમાં ગુરૂવારે સવારે હિમવર્ષા થઇ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ ક્ષેત્રના મેદાની ભાગોમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ થયો છે. તેઓએ કહ્યું કે માતા વૈષ્ણોદેવી ભવન, તથા તેની આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. ત્રિકૂટપર્વત તો આજે સવારે બરફની ચાદરથી ઢંકાઈ ગયો હતો. ત્રિકુટ પર્વતમાળા સ્થિત ભૈરવ ઘાટી અને હિમકોટી, તથા મંદિર સુધી જવા માર્ગ પર બરફ છવાઈ ગયો છે. તેમ છતાં, તીર્થ યાત્રામાં તો કોઈ અવરોધ આવ્યો નથી. સેંકડો તીર્થયાત્રી આજે કટરા આધાર શિબિરથી રવાના થયા હતા.
વૈષ્ણોદેવી ઉપરાંત મુઘલ રોડ, સહિત કિશીવાડ, ડોડા, રિયાસી, રામબન, કઠુઆ, રાજૌરી અને પૂંછના પર્વતોમાં પણ હિમવર્ષા થઇ છે.
પંજાબ હરિયાણામાં અનેક સ્થળોએ વર્ષા થઇ છે. છતાં ઉષ્ણતામાન સામાન્ય કરતાં ઉપર રહ્યું છે. પંજાબમાં ચંડીગઢ લુધીયાણા, અમૃતસર, પતિયાલા, ગુરદારપુર, પઠાણકોટ, ફરીદકોટ અને મોહાલી સહિત અન્ય સ્થળોએ વર્ષા થઇહતી. જ્યારે હરિયાણાનાં અંબાલા, હિસ્સાર, કર્નાલ, રોહતક અને ભિવાનીમાં પણ વર્ષા થઇ હતી. અમૃતસરમાં ન્યૂનતમ ઉષ્ણતામાન, ૯.૩ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લુધીયાણા, પતિયાલામાં ૧૨.૪ ડીગ્રી પઠાણકોટ, ભટીંડા, ગુરદારપુર, ફરીદકોટમાં ક્રમશ: ૧૦.૪ ડીગ્રી, ૧૧.૨ ડીગ્રી૧૦.૩ ડિગ્રી , અને ૧૦.૨ ડીગ્રી ઉષ્ણાતામાન નોંધાયું હતું.