Get The App

પ્લાસ્ટિકની સ્ટ્રો પરનો પ્રતિબંધ પાછો ખેંચવા ભારતનો ઈનકાર, ઠંડા પીણાના ઉત્પાદકોમાં ભય

Updated: Apr 11th, 2022


Google News
Google News
પ્લાસ્ટિકની સ્ટ્રો પરનો પ્રતિબંધ પાછો ખેંચવા ભારતનો ઈનકાર, ઠંડા પીણાના ઉત્પાદકોમાં ભય 1 - image


- ઈન્ડસ્ટ્રીઝે તેના વિકલ્પ તરફ વળવું જોઈએ, આ માટે તેમને એક વર્ષનો સમય આપવામાં આવ્યો હતોઃ પર્યાવરણ મંત્રાલય

નવી દિલ્હી, તા. 11 એપ્રિલ 2022, સોમવાર

દેશમાં આગામી પહેલી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ થવા જઈ રહ્યો છે. અનેક દેશી-વિદેશી બેવરેજ કંપનીઓએ પ્લાસ્ટિક સ્ટ્રો (plastic straws)ને તેમાં છૂટ આપવાની માગ કરી હતી પરંતુ સરકારે તેને ઠુકરાવી દીધી છે. આ કારણે પેપ્સી (Pepsi) અને કોકાકોલા (CocaCola) સહિતની અનેક કંપનીઓનું વેચાણ પ્રભાવિત થવાની આશંકા છે. 

ઉલ્લેખનીય છે કે, એક વખત વાપરવામાં આવતું પ્લાસ્ટિક એટલે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. આવા પ્લાસ્ટિક ઉત્પાદનો લાંબા સમય પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. 

સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરવા માટે ગત વર્ષે એક સૂચના બહાર પાડી હતી. તેમાં પહેલી જુલાઈથી આ પ્રકારની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)એ તમામ સંબંધિત પક્ષોને એક નોટિસ પાઠવીને તેમને 30 જૂન સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવા માટે જણાવ્યું હતું. 

બેવરેજીસમાં ઉપયોગમાં લેવાતી સ્ટ્રો પણ તે કેટેગરીમાં આવે છે. આ કારણે જ બેવરેજ બનાવતી કંપનીઓએ સરકારને તેમાં છૂટ આપવા વિનંતી કરી હતી. 

સરકાર દ્વારા અરજી ફગાવાઈ

સરકારે બેવરેજીસ કંપનીની વિનંતી ફગાવી દીધી છે. આ કારણે અબજો ડોલરની આ ઈન્ડસ્ટ્રી પ્રભાવિત થાય તેવું જોખમ સર્જાયું છે. દેશમાં જ્યુસ અને ડેરી પ્રોડક્ટ્સના નાના પેક્સની સાથે સ્ટ્રો આવતી હોય છે. દેશમાં તેનું વાર્ષિક વેચાણ 79 કરોડ ડોલરનું છે. આ ઈન્ડસ્ટ્રીની સંસ્થા Action Alliance for Recycling Beverage Cartons (AARC)ના ચીફ એક્ઝિક્યુટિવ પ્રીવણ અગ્રવાલે જણાવ્યું કે, તેઓ આ મામલે ચિંતિત છે કારણ કે, આ એવા સમયે લાગુ થવા જઈ રહ્યું છે જ્યારે દેશમાં ડિમાન્ડ ચરમસીમાએ હશે. તેના કારણે ગ્રાહકો અને બ્રાન્ડ માલિકોને મુશ્કેલી અનુભવાશે. 

આવી સંસ્થાઓમાં પેપ્સિકો, કોકાકોલા, પાર્લે એગ્રો અને ડાબર જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ છે. આ સાથે જ ડેરી કંપનીઓ પણ સ્ટ્રોને પ્રતિબંધથી દૂર રાખવા માગણી કરી રહી છે. તેમના કહેવા પ્રમાણે સ્ટ્રોનો કોઈ વિકલ્પ નથી. પર્યાવરણ મંત્રાલયે તેમની માગણી નકારી દઈને 6 એપ્રિલના મેમોમાં જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીઝે તેના વિકલ્પ તરફ જવું જોઈએ. આ માટે તેમને એક વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. 

Tags :