Get The App

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી રૂ.પાંચ હજાર કરોડનું કોકેન જપ્ત

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
અંકલેશ્વર જીઆઇડીસીમાંથી રૂ.પાંચ હજાર કરોડનું કોકેન જપ્ત 1 - image


- દિલ્હી અને ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન : ૫૧૮ કિલોના જથ્થા સાથે પાંચની ધરપકડ

- દિલ્હી ડ્રગ્સ કેસની તપાસમાં અત્યાર સુધી ૧૩ હજાર કરોડનું ૧૨૮૯ કિલો કોકેન પકડાયું ઃ ફેક્ટરીમાં કોકેનનો જથ્થો  તૈયાર થતો હતો

- આવકાર ડ્રગ્સ કંપનીમાંથી તૈયાર કરાવીને  દવાની આડમાં કોકેન દિલ્હીમાં પહોંચતું કરાયું હતું

અંક્લેશ્વર: દિલ્હી પોલીસે થોડા દિવસ પહેલા ૭૭૦  કિલો કોકેન જપ્ત કર્યા બાદ ઝડપાયેલા આરોપીઓની વધુ પુછપરછ કરતા ગુજરાત કનેકશન સામે આવ્યું હતું. જેમાં આ ડ્રગ્સ ભરૂચના અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી આવકાર ડ્રગ્સ કંપનીમાં તૈયાર કરાયાની વિગતો સામે આવતા રવિવારે દિલ્હી પોલીસે ભરૂચ પોલીસની ટીમને સાથે રાખીને દરોડો પાડયો હતો. જેમાં રૂપિયા પાંચ હજાર કરોડની કિંમતનું ૫૧૮ કિલો કોકેન મળી આવ્યું હતું.  જે કંપનીમાંથી તૈયાર કરીને દિલ્હી તેમજ દેશના અન્ય શહેરોમાં સપ્લાય કરવામાં આવતું હતું. આ અંગે દિલ્હી પોલીસે સ્થાનિક પોલીસ સાથે મળીને તપાસ શરૂ કરી છે.

દિલ્હી પોલીસના સ્પેશીયલ સેલે ગત ૧લી ઓક્ટોબર અને ૧૦ ઓક્ટોબરના રોજ સાત હજાર કરોડ રૂપિયાની કિંમતનું ૭૭૦ કિલો કોકેન જપ્ત કરીને ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરી હતી. જેમાં આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી આવકાર ડ્રગ્સ કંપનીમાંથી તૈયાર કરીને દિલ્હીમાં મંગાવાયો હતો. જેના આધારે રવિવારે દિલ્હી પોલીસની ટીમ ભરૂચ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહિતના સ્ટાફને સાથે રાખીને આવકાર ડ્રગ્સ કંપનીમાં દરોડો પાડયો હતો. જેમાં રૂપિયા પાંચ હજાર કરોડની કિંમતનું ૫૧૮ કિલો કોકેન મળી આવ્યું હતું. જે તૈયાર કરીને અન્ય શહેરોમાં સપ્લાય કરવાનું હતું. આ જથ્થો  જપ્ત કરીને પોલીસે કંપનીના માલિક અશ્વિન રામાણી સહિત પાંચ લોકોને ઝડપી લીધા હતા.પ્રાથમિક તપાસમાં આરોપીઓ દુબઇ અને ઇગ્લેન્ડ સાથે કનેક્શન ધરાવતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૧લી ઓક્ટોબરના રોજ દિલ્હીમાંથી  ૫૬૦ કિલો કોકેન અને ૪૦ કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો હતો. ત્યારબાદ દિલ્હીના રમેશનગરમાં આવેલી એક દુકાનમાંથી  ૨૦૮ કિલો કોકેન જપ્ત કરાયું હતું. જે આવકાર ડ્રગ્સ કંપનીમાંથી તૈયાર કરાવીને  દવાની આડમાં દિલ્હીમાં પહોંચતુ કરાયું હતું. આમ, આ કેસમાં અત્યાર સુધીમાં રૂપિયા ૧૩ હજારની કરોડની કિંમતનું ૧૨૮૯ કિલો કોકેન અને  ૪૦ કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અકલેશ્વર નજીક પાનોલી જીઆઇડીસીની એક કંપનીમાંથી મુંબઇ નાર્કોટીક્સ વિભાગે એમ ડી ડ્રગ્સ તૈયાર કરતી ફેક્ટરીમાં દરોડો પાડીને એમ ડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 


Google NewsGoogle News