Get The App

ઓડિશામાં સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, કોલ હોપર તૂટી પડતા અનેક શ્રમિકોના મોતની આશંકા

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
ઓડિશામાં સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, કોલ હોપર તૂટી પડતા અનેક શ્રમિકોના મોતની આશંકા 1 - image


Odisha News: ઓડિશાના સુંદરગઢ જિલ્લાના રાજગંગપુરમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના બની છે. ફેક્ટરીના કોલસાનું હોપર તૂટી પડવાથી અનેક શ્રમિકોના મોતની આશંકા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. ઘટનાસ્થળે 6 એમ્બ્યુલન્સ અને 6 ફાયર વિભાગના વાહન તૈનાત છે. ત્રણ ક્રેન પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ, બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

કોલસા નીચે 12થી વધુ શ્રમિકો દટાયા

આ અકસ્માત ત્યારે થયો જ્યારે 12 થી વધુ શ્રમિકો કોલસાના હોપર નીચે કામ કરી રહ્યા હતા. હોપર તૂટી પડતા શ્રમિકો કોલસાના હોપર નીચે દબાઈ ગયા હતા. ફસાયેલા લોકોમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક કોલસાનો હોપર પડી ગયો અને ત્યાં કામ કરતા બધા શ્રમિકો કોલસા નીચે દટાઈ ગયા.

માહિતી મળતા જ બચાવ ટીમ જેસીબી અને અન્ય સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં મદદ કરી રહી છે.

પૂરજોશમાં ચાલી રહ્યું છે બચાવ કાર્ય

રાજગાંગપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી પૂર્ણ થવામાં લગભગ 2 કલાકનો સમય લાગશે. મશીનો તૈનાત કરીને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ફેક્ટરીના મુખ્ય દરવાજા પર શ્રમિકો એકઠા થયા

અકસ્માતના સમાચાર સાંભળતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રમિકો ફેક્ટરીના મુખ્ય દરવાજા પર એકઠા થયા અને અકસ્માત માટે ફેક્ટરી મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યા. શ્રમિકોનો આરોપ છે કે તેમણે કોલસાના હોપરની સ્થિતિ તપાસવા માટે અધિકારીઓને પહેલેથી જ અપીલ કરી હતી, પરંતુ તેમની ફરિયાદોને અવગણવામાં આવી હતી.


Google NewsGoogle News