'કોચિંગ ક્લાસીસ હવે બિઝનેસ બની ગયા છે...' UPSC વિદ્યાર્થીઓના મોત અંગે ઉપરાષ્ટ્રપતિ
Image: X
Delhi Coaching Centre Death Case: દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાને કારણે સિવિલ સેવાની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા હતાં. જેનો મુદ્દો સોમવારે સંસદમાં ગૂંજ્યો. આ અંગે રાજ્યસભામાં ચર્ચા છેડાઈ તો સભાપતિ જગદીપ ધનખડે પણ ટિપ્પણી કરી.
ધનખડે કહ્યું કે ‘આજે કોચિંગ ક્લાસીસ એક બિઝનેસ બની ગયો છે. આપણે સમાચાર પત્ર વાંચીએ છીએ તો શરૂઆતના એક બે પાનામાં તેમની જ જાહેરાત જોવા મળે છે.’
ઉલ્લેખનીય છે કે શનિવારે દિલ્હીમાં કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાથી ત્રણ વિદ્યાર્થીના મૃત્યુ થયા હતાં. આ સિવાય ગયા અઠવાડિયે જ એક વિદ્યાર્થીનું વરસાદ પડ્યા બાદ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. દિલ્હીમાં શનિવારે ત્રણ વિદ્યાર્થીઓનાં મોતના કારણે યુપીએસસીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. તેમણે વિદ્યાર્થીઓના મોત માટે દિલ્હી નગર નિગમ, સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર તથા કોચિંગ સેન્ટરને જવાબદાર ગણાવતાં વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યાં હતાં. વિદ્યાર્થીઓ સરકારી સિસ્ટમ સામે સવાલ ઉઠાવી રહ્યા છે.