Get The App

મહાકુંભમાં ચક્કાજામ બાદ CM યોગીની તાબડતોબ બેઠક, મેળા ક્ષેત્રમાં ગાડીઓનો પ્રવેશ બંધ

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
Mahakumbh 2025


Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે (10મી ફેબ્રુઆરી) મોડી રાત્રે પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘ પૂર્ણિમાના અવસરે યોજાનાર અમૃત સ્નાન માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી. મહાકુંભનું પાંચમું માઘ પૂર્ણિમા સ્નાન 12મી ફેબ્રુઆરીએ થશે. ત્યાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધુ સારી ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા સૂચનાઓ આપી છે.

સીએમ યોગી આદિત્યનાથે તૈયારીઓની સમીક્ષા કરી

સોમવારે મોડી રાત્રે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠક દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં સરકારી સ્તરના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં, પ્રયાગરાજ, કૌશાંબી, કાનપુર, સુલતાનપુર, અમેઠી, વારાણસી, અયોધ્યા, મિર્ઝાપુર, જૌનપુર, ચિત્રકૂટ, બાંદા, પ્રતાપગઢ, ભદોહી, રાયબરેલી, ગોરખપુર, મહોબા અને લખનઉ જેવા જિલ્લાઓ/ઝોન/રેન્જમાં તૈનાત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વિભાગીય કમિશનરો અને જિલ્લા વહીવટી અધિકારીઓને કાર્યક્રમનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે અનેક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

'કુંભમાં આવતા ભક્તોની સંખ્યામાં વધારો થયો છે'

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, 'છેલ્લા અઠવાડિયા દરમિયાન પ્રયાગરાજ આવતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જાહેર પરિવહનની સાથે, મોટી સંખ્યામાં ખાનગી વાહનો પણ આવી રહ્યા છે અને સ્નાન મહોત્સવ દરમિયાન આ સંખ્યા વધુ વધવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને, એક સુવ્યવસ્થિત ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના અમલમાં મૂકવી જોઈએ.

આ પણ વાંચો: હજારો કરોડના ખર્ચ છતાં મહાકુંભમાં અવ્યવસ્થા સામે સવાલ: સ્થાનિકો ઘરોમાં પૂરાયા


તેમણે અધિકારીઓને ગેરમાર્ગે દોરનારી કે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો. બેઠકમાં, તેમણે અધિકારીઓને ખાતરી કરવા જણાવ્યું કે, 'કોઈપણ મૂંઝવણ કે ગભરાટ ટાળવા માટે જનતાને તાત્કાલિક સચોટ માહિતી આપવામાં આવે.'

પ્રયાગરાજમાં રસ્તાઓ પર ચક્કાજામ

ઉલ્લેખનીય છે કે, મહાકુંભ મેળો સમાપ્તિના આરે છે. એવામાં કરોડો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. જેના લીધે પ્રયાગરાજમાં રસ્તાઓ પર ચક્કાજામ થયો છે. તંત્ર અને સત્તાધીશો સતત સુવ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ લોકો કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.

મહાકુંભમાં ચક્કાજામ બાદ CM યોગીની તાબડતોબ બેઠક, મેળા ક્ષેત્રમાં ગાડીઓનો પ્રવેશ બંધ 2 - image


Google NewsGoogle News