'હમ બટેંગે તો...', રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર બોલ્યા CM યોગી, અયોધ્યામાં ઉત્સવ
Ram Mandir Pran Pratishtha One Year-2025: રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આજથી ત્રણ દિવસીય વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તહેવારને હિન્દુ કેલેન્ડર અનુસાર પ્રતિષ્ઠા દ્વાદશી નામ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે અયોધ્યા પહોંચ્યા હતા.
આજે રામલલાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં રામલલાનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. સીએમ યોગીએ મહાભિષેક કરીને 3 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જણાવી દઈએ કે આ વર્ષે પ્રતિષ્ઠા દ્વાદશી પર્વ મુહૂર્ત મુજબ ઉજવવામાં આવી રહ્યો છે.
'વિભાજનના કારણે અપમાનનો સામનો કરવો પડ્યો'
રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ પર રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આયોજિત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'શ્રીરામ અને રાષ્ટ્ર એક-બીજાના પૂરક છે. એક વગર બીજાની કલ્પના ન કરી શકાય. શ્રીરામ છે તો રાષ્ટ્ર છે અને રાષ્ટ્ર છે તો શ્રીરામ છે.'
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'પ્રતિષ્ઠા દ્વાદશી ખરેખર રાષ્ટ્રીય એકતાના બંધનને મજબૂત બનાવશે, જેથી હિન્દુ સમાજ જાતિ, ક્ષેત્ર, ભાષાના આધાર પર વિભાજિત ન થઈ શકે. તેમણે યાદ અપાવ્યું કે, આવી જ રીતે વિભાજનને લઈને રામજન્મભૂમિ સહિત હિન્દુ અસ્મિતાના પર્યાય અનેક ધર્મ સ્થળોને સદિયો સુધી અપમાનનો સામનો કરવો પડ્યો. જો હિન્દુ સમાજ જાતિ અને સંકીર્ણ વાયદા-વિચારોના નામ પર વિભાજીત થયો, તો આપણા ગૌરવના પર્યાય ધર્મ સ્થળોને ફરી અપમાનનો સામનો કરવો પડશે.'
રામલલાનો અભિષેક બાદ વિશેષ શ્રૃંગાર
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ અયોધ્યામાં ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં રામલલાને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી અભિષેક કર્યા પછી ગંગાજળથી સ્નાન કરાવ્યું હતું. આ પછી રામલલાને પીળા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા અને ઘરેણાંથી શણગારવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું- રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં મદદ કરશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આજે 2 લાખ ભક્તો રામલલાના દર્શન કરશે. તેમજ 11 થી 13 જાન્યુઆરી સુધી પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. આ 3 દિવસની ઉજવણી દરમિયાન કોઈ વીઆઈપીના દર્શન નહીં થાય. તેમજ સવારે 6.30 થી 9.30 સુધી સામાન્ય દર્શન ચાલુ રહેશે.