યુપીના મુખ્યમંત્રી યોગી અચાનક વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા, ફોટો પોસ્ટ કરીને જાણો શું લખ્યું
Maha Kumbh 2025: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસ સુધી પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ જોયા બાદ શુક્રવાર(10 જાન્યુઆરી, 2025)ની સાંજે અચાનક દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાન મોદીને પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનું નિમંત્રણ આપ્યું છે.
મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાન મોદીને કળશ ભેટ આપી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીને કળશ ભેટ આપી. મુખ્યમંત્રી યોગીએ 'X' પર પોસ્ટ કરતા તેની માહિતી આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, 'આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શિષ્ટાચાર ભેટ આપી. તમારા માર્ગદર્શન અને પ્રેરણાથી સનાતન ગર્વનું પ્રતીક મહાકુંભ-2025, પ્રયાગરાજ આજે પોતાના દિવ્ય, ભવ્ય અને ડિજિટલ સ્વરૂપથી દુનિયાને 'નવા ભારત'ના દર્શન કરાવી રહ્યા છીએ. પોતાનો કિંમતી સમય આપવા માટે હાર્દિક આભાર પ્રધાનમંત્રી જી!'
રાષ્ટ્રપતિને મળીને પણ તેમને આપ્યું હતું આમંત્રણ
આ પહેલા મુખ્યમંત્રી યોગીએ 30 ડિસેમ્બર 2024એ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, નાણા મંત્રી નિર્મલા સીતારમનને મળીને પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.
જણાવી દઈએ કે, મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે, જેમાં આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની આશા છે.