VIDEO: મહાકુંભ દુર્ઘટના પર રડી પડ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ત્રણ જરૂરી નિર્ણય લીધા
Maha Kumbh Stampede: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના મહાકુંભમાં થયેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની તપાસ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કમિટીની રચનાની જાહેરાત કરી છે. નાસભાગનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી યોગી ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, 'આ ઘટના ખુબ જ દુઃખદ છે. શ્રદ્ધાળુઓના મોતથી ખુબ દુઃખી છું. તે તમામ પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે, જેમના પરિજનો આ ઘટનાની ઝપેટમાં આવ્યા છે. અમે કાલે રાત્રિથી જ મેળા પોલીસ પ્રશાસનના સંપર્કમાં છીએ, જે પણ વ્યવસ્થા કરી શકાતી હતી તે કરી.'
મુખ્યમંત્રી યોગીએ લીધા ત્રણ જરૂરી નિર્ણય
પહેલી જાહેરાતમાં, મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત ન્યાયિક સમિતિ અંગે બીજી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ 3 સભ્યોની સમિતિ હેઠળ ન્યાયિક તપાસની પણ જાહેરાત કરી છે. ત્રીજી જાહેરાત તરીકે, મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ અને ડીજીપીને પ્રયાગરાજ જવા સૂચના આપી છે.
મુખ્યમંત્રી યોગી ભાવુક થયા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 'અમે રાજ્ય સરકારો તરફથી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મૃતકના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી રહ્યા છીએ. ન્યાયિક આયોગ સમગ્ર મામલે તપાસ કરશે અને એક સમય મર્યાદામાં પોતાનો રિપોર્ટ સોંપશે. આ મામલે મુખ્ય સચિવ અને ડીજીપી ખુદ એકવાર પ્રયાગરાજની મુલાકાત લેશે અને જરૂર પડવા પર તે તમામ મુદ્દાઓ પર વિચારણા કરશે.'
આ ઘટના હૃદયદ્રાવક છે: મુખ્યમંત્રી યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 'આ ઘટના હૃદયદ્રાવક છે. અમે એવા તમામ પરિવારો પ્રત્યે ઊંડા સંવેદના વ્યક્ત કરીએ છીએ જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અમે ગત રાત્રિથી વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છીએ. મેળા ઓથોરિટી, પોલીસ, વહીવટ, NDRF, SDRF અને અન્ય તમામ વ્યવસ્થાઓ ત્યાં તૈનાત કરવામાં આવી છે.'
પ્રયાગરાજમાં 36 લોકોની સારવાર ચાલી રહી છે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 'મૌની અમાવસ્યા પર પવિત્ર સ્નાન કરવા માટે કાલે સાંજે 7 વાગ્યાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પ્રયાગરાજમાં એકઠા થયા હતા. અખાડા માર્ગ પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, દુર્ઘટનામાં 90થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. જેમાં 30 લોકોના મોત થયા. પ્રયાગરાજમાં 36 લોકોની સારવાર ચાલી રહી છે, આ ઘટના એટલા માટે બની કારણ કે ભીડે અખાડા માર્ગની બેરિકેડિંગ તોડી નાખી હતી.'
મહાકુંભમાં સર્જાયેલી નાસભાગમાં 30 મોત
ઘટનાના અંદાજિત 16 કલાક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કુંભ મેળાના DIG વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે, નાસભાગમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે. મૃતકોમાંથી અનેક લોકો અલગ અલગ રાજ્યોમાંથી છે, જેમાં ચાર કર્ણાટકથી, એક આસામથી અને એક ગુજરાતથી છે. ઈજાગ્રસ્તોની સ્થાનિક મેડિકલ કૉલેજમાં સારવાર ચાલી રહી છે.
મહાકુંભમાં નાસભાગમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત
મહાકુંભના સેક્ટર-4માં થયેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા છે. જેમાંથી એક ગુજરાતી શ્રદ્ધાળુ છે. મહેસાણા જિલ્લાના કડીના મહેશભાઈ સોમાભાઈ પટેલનું મોત થયું છે. જેઓ ચાર મિત્રો સાથે મહાકુંભ ગયા હતા.