હિમાચલમાં CM સુખ્ખુની મોટી જાહેરાત: મહિલાઓને હવે દર મહિને મળશે 1500 રૂપિયા
- આ નાણાકીય વર્ષથી 18 વર્ષથી વધુ ઉંમરની તમામ માતાઓ અને બહેનોને દર મહિને 1500 રૂપિયા મળશે
Image Source: Twitter
શિમલા, તા. 04 માર્ચ 2024, સોમવાર
હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના છ ધારાસભ્યો બળવો કરી ચૂક્યા છે. જોકે, કોંગ્રેસનું કહેવું છે કે રાજ્ય સરકારમાં બધું બરાબર છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ આજે મોટી જાહેરાત કરી છે. હવે સુખ્ખુ સરકાર રાજ્યની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપશે. સીએમ સુખ્ખુએ આ બાબતની જાણકારી પોતાના 'X' હેન્ડલ પર આપી છે. તેમણે પોસ્ટર જારી કરતા લખ્યું કે, આ નાણાકીય વર્ષથી અમારી 18 વર્ષથી વધુ ઉંમરની તમામ માતાઓ અને બહેનોને દર મહિને 1500 રૂપિયા મળશે.
સીએમ સુખ્ખુએ આ એલાન કરતા લખ્યું કે, હિમાચલ પ્રદેશની મારી આદરણીય માતાઓ અને બહેનો રાજ્યને આગળ લઈ જવામાં તમારુ અતુલ્ય યોગદાન છે. હું તમને બધાને નમન કરતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી રહ્યો છું. ઈન્દિરા ગાંધી પ્યારી બેહના સુખ સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યની તમામ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. અમારી સરકાર તમારા સન્માન અને તમારા અધિકારો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
સરકારનો દર વર્ષે 800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
હિમાચલ પ્રદેશમાં 18 વર્ષથી 59 વર્ષની દરેક મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે. તેમાં સરકારનો દર વર્ષે 800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેનાથી રાજ્યની લગભગ 5 લાખ મહિલાઓને લાભ મળશે.
પાંચ લાખથી વધુ મહિલાઓ લાભ મળશે
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી 10 'ગેરંટી'માંથી આ એક હતી. મીડિયાને સંબોધતા સીએમ સુખ્ખુએ કહ્યું કે આ પહેલ પર વાર્ષિક 800 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે અને પાંચ લાખથી વધુ મહિલાઓ તેનો લાભ મળશે. તેમણે કહ્યું કે આ સાથે જ 10 માંથી પાંચ ચૂંટણી વચનો પૂરા થઈ ગયા છે અને પુનરોચ્ચાર કર્યો કે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવી છે જેનાથી રાજ્યના 1.36 લાખ કર્મચારીઓને ફાયદો થયો છે.