કોંગ્રેસના આ કદાવર મુખ્યમંત્રીની ખુરશી પર સંકટ! ખડગેના નામ પર ચર્ચા શરૂ, વિવાદ ભારે પડશે?

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના આ કદાવર મુખ્યમંત્રીની ખુરશી પર સંકટ! ખડગેના નામ પર ચર્ચા શરૂ, વિવાદ ભારે પડશે? 1 - image
                                                                                                                                                                                                                                              Image: Twitter @Siddaramaiah

Karnataka Politics on MUDA Scam: MUDA (Mysuru Urban Development Authority) મુદ્દે કર્ણાટકની રાજનીતિ ગરમાઈ રહી છે. જેના કારણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ખુરશી છીનવાશે તેવી અટકળો તેજ બની છે. મળતી માહિતી મુજબ આ મુદ્દે પાર્ટી હાઈકમાન્ડ પણ સક્રિય થઈ ગઈ છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યના અમુક નેતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નામ પર ભાર મુકી રહ્યાં છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ વિવાદથી બચવા માટે સર્વસંમતિથી ઉમેદવાર પસંદ કરવાની યોજના બનાવી રહી છે. વળી, વિપક્ષ પણ મુખ્યમંત્રીને બદલવા માટે સતત દબાણ કરી રહ્યું છે. જોકે, સિદ્ધારમૈયાની જગ્યાએ નાયબ મુખ્યમંત્રી ડી. કે શિવકુમારને પદ સોંપવું કે પછાત વર્ગના કોઈ નેતાને તક આપવી તે વિષયે પાર્ટી દ્વારા હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

સિદ્ધારમૈયાની જગ્યાએ શિવકુમારનું નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે. વળી, હાઈકમાન્ડ પણ પછાત વર્ગના ઉમેદવારને પદ સોંપવાની સંભાવના વિશે વિચાર કરી રહ્યું છે. પાર્ટી નેતાઓનો એક સમૂહ ખડગેનું નામ આગળ ધરી રહ્યા છે. તેમજ એક સમૂહ PWD મંત્રી સતીશ જરકીહોલી જેવા લોકપ્રિય નેતાઓની પાછળ ઊભું છે. 

આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા ભાજપમાં ભયંકર નારાજગી: એક બાદ એક રાજીનામાં, હવે દિગ્ગજ નેતાએ પણ છેડો ફાડ્યો

મળતી માહિતી મુજબ, વરિષ્ઠ નેતાઓને મળવા જરકીહોલી નવી દિલ્હી ગયા હતાં. તેની સાથે જ પાર્ટીએ તેમને તક આપવા મન બનાવી લીધું તેવી અટકળો પણ તેજ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, જરકીહોલી પાસે 30 થી વધારે ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં 15 અનુસૂચિત જનજાતિના છે. તેમના પરિવારમાં ત્રણ ધારાસભ્ય, એક એમએલસી અને એક સાંસદ પણ છે. એક એવી પણ માન્યતા છે કે, મુખ્યમંત્રીના જરકીહોલીના પરિવાર સાથે નજીકના સંબંધો છે. તેથી, જો પાર્ટી સિદ્ધારમૈયા સાથે વાત કરે તો જરકહીલો તેમની પસંદ હોય શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીએ પણ રાજકીય ઘટનાક્રમોની નોંધ લઈને જરકીહોલી સાથે ચર્ચા કરી છે.

શું છે MUDA? 

મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું ટૂંકું સ્વરૂપ MUDA છે. મૈસૂર શહેરના વિકાસ કાર્યો માટે બનેલી આ ઓથોરિટી એક સ્વાયત્ત સંસ્થા છે. આ મામલો જમીન કૌંભાડનો છે. તેથી MUDA નું નામ તેની સાથે જોડવામાં આવે છે. આ કેસ 2004 નો છે, જ્યારે MUDA ની તરફથી વળતર રૂપે જમીન ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હતાં. સામાજિક કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે, આ પ્રક્રિયામાં અનિયમિતતા હતી. જેનાથી, સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થયું છે. આ મુદ્દે MUDA અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નામ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ વિધાનસભાનું અનોખું દૃશ્ય, કોંગ્રેસી MLAની વાત પર ભાજપના નેતાઓએ તાળીઓ વગાડી, જાણો મામલો

શું છે સમગ્ર મુદ્દો?

MUDA એ 1992 માં રહેણાંક વિસ્તાર વિકસાવવા માટે ખેડૂતો પાસેથી કેટલીક જમીન લીધી હતી. આ પ્રક્રિયા હેઠળ તેને ખેતીની જમીનથી અલગ કરવામાં આવી હતી, પરંતુ 1998 માં સંપાદિત જમીનનો એક ભાગ MUDA એ ખેડૂતોને પાછો આપી દીધો. આ રીતે આ જમીન ફરી એકવાર ખેતીની જમીન બની ગઈ. અહીં સુધી બધું જ બરાબર હતું. વિવાદની શરૂઆત 2004 માં થઈ. આ દરમિયાન સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના ભાઈ બી. એમ મલ્લિકાર્જૂને વર્ષ 2004માં આ જમીનમાંથી 3.16 એકર (5 વીઘા) થી વધારે જમીન ખરીદી લીધી. આ દરમિયાન 2004-05 માં કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ (જનતા દળ સેક્યુલર) ગઠબંધનની સરકાર હતી. તે સમયે સિદ્ધારમૈયા નાયબ મુખ્યમંત્રી હતાં. આ દરમિયાન સામે આવ્યું કે, આ જમીનને એકવાર ફરી ખેતીની જમીનથી અલગ કરી દેવામાં આવી હતી, પરંતુ જ્યારે જમીનનો માલિકી હક લેવા માટે સિદ્ધારમૈયા પરિવાર પહોંચ્યો ત્યાં સુધીમાં લેઆઉટ તૈયાર થઈ ચૂક્યો હતો.

શું છે સિદ્ધારમૈયાનો દાવો? 

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો દાવો છે કે, 'જમીનનો આ ટુકડો, જેના માટે મારી પત્નીને વળતર મળ્યું, તે તેના ભાઈ મલ્લિકાર્જૂને 1998 માં તેને ભેટ આપી હતી'. પરંતુ RTI કાર્યકર્તા કૃષ્ણાએ આરોપ લગાવ્યો છે કે, મલ્લિકાર્જૂને તેને 2004 માં ગેરકાયદેસર રીતે મેળવી હતી અને સરકારી અને મહેસૂલ અધિકારીઓની મદદથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેની નોંધણી કરવામાં આવી હતી. જમીનને 1998 માં ખરીદવામાં આવી તેવું બતાવવામાં આવ્યું હતું, 2014માં જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હતાં, ત્યારે તેમની પત્ની પાર્વતીએ આ જમીન માટે વળતરની માંગ કરી હતી. સિદ્ધારમૈયા કહે છે કે, 'મારી પત્નીને એ સમયે વળતર આપવામાં આવ્યું હતું જ્યારે ભાજપ સત્તામાં હતી અને આ તેમનો અધિકાર હતો. ભાજપના લોકોએ જ તેમને સાઇટ આપી છે અને હવે તે લોકો જ તેને ગેરકાયદેસર કહે છે.'



Google NewsGoogle News