આ 7 કરોડ કન્નડ લોકોનું અપમાન: ગણતંત્ર દિવસની પરેડમાં કર્ણાટકની ઝાંખી સામેલ ન કરવા બદલ કેન્દ્ર પર ભડક્યા CM સિદ્ધારમૈયા

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
આ 7 કરોડ કન્નડ લોકોનું અપમાન: ગણતંત્ર દિવસની પરેડમાં કર્ણાટકની ઝાંખી સામેલ ન કરવા બદલ કેન્દ્ર પર ભડક્યા CM સિદ્ધારમૈયા 1 - image


- આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કર્ણાટકના ભાજપના સાંસદો પણ આ અન્યાય પર મૌન છે: CM સિદ્ધારમૈયા

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2024, ગુરૂવાર

કોંગ્રેસે આજે કેન્દ્ર સરકાર પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં કર્ણાટકની ઝાંખી સામેલ કરવામાં નથી આવી. ત્યારે આ મુદ્દે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સીએમએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે કેન્દ્રએ ગણતંત્ર દિવસની પરેડમાં કર્ણાટકની ઝાંખીનો સમાવેશ ન કર્યો કારણ કે કર્ણાટકમાં હજુ કોંગ્રેસની સરકાર છે.

આ બદલો લેવાનો મોદી મંત્ર: જયરામ રમેશ

સિદ્ધારમૈયાની પોસ્ટ પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, 'આ બદલો લેવાનો મોદી મંત્ર છે. તેઓ હજુ સુધી મે 2023માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મળેલી હારને ભૂલી નથી શક્યા. તે ખરેખર એક નાના વ્યક્તિ છે. સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, આ વર્ષે કર્ણાટકની ઝાંખીમાં મૈસુરના રાજા નલવાડી કૃષ્ણરાજા વાડિયારની સાથે રાણી લક્ષ્મીબાઈની જેમ અંગ્રેજો સામે લડનારા રાણી ચેન્નમ્મા અને બેંગલુરુના સ્થાપક નાદપ્રભુ કેમ્પગૌડાના જીવનને દર્શાવવાનો પ્રસ્તાવ હતો. સિદ્ધારમૈયાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે 'કેન્દ્ર સરકારે ગણતંત્રદિવસની ઝાંખીમાં કર્ણાટકની ઝાંખીનો સમાવેશ ન કરીને સાત કરોડ કન્નડ લોકોનું અપમાન કર્યું છે.

મુખ્યમંત્રીએ કન્નડ લોકોનું અપમાન ગણાવ્યું

સીએમએ કહ્યું કે ગત વર્ષે પણ કર્ણાટકને આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે કેન્દ્ર સરકારે શરૂઆતમાં કર્ણાટકની ઝાંખીનો સમાવેશ કરવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ બાદમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ઝાંખીનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વખતે કેન્દ્ર સરકારે કન્નડ લોકોના અપમાનનો ટ્રેન્ડ ફરી ચાલુ રાખ્યો છે. કર્ણાટક દ્વારા ઝાંખી માટે ઘણા પ્રસ્તાવો મોકલવામાં આવ્યા પરંતુ કેન્દ્ર સરકારે તમામ પ્રસ્તાવો ફગાવી દીધા હતા. સિદ્ધારમૈયાએ લખ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કર્ણાટકના ભાજપના સાંસદો પણ આ અન્યાય પર મૌન છે. તેઓ નરેન્દ્ર મોદીની કઠપૂતળી બની ગયા છે.


Google NewsGoogle News