ઈન્દોર: આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું CM શિવરાજ સિંહ ચૌહાણે કર્યું અનાવરણ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
ઈન્દોર: આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું CM શિવરાજ સિંહ ચૌહાણે કર્યું અનાવરણ 1 - image


- એકતાના પ્રતીક આ પ્રતિમાને 'સ્ટેચ્યુ ઓફ વનનેસ' નામ આપવામાં આવ્યું

ઈન્દોર, તા. 21 સપ્ટેમ્બર 2023, ગુરૂવાર

G-20 ના સફળ આયોજનમાં વિશ્વને 'એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય'નો સંદેશ આપનાર ભારત ફરી એક વખત વિશ્વને એકતાનો મેસેજ આપશે. આ વખતે આ મેસેજ મધ્યપ્રદેશ સ્થિત જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરની તીર્થનગરીથી આપવામાં આવ્યો હતો. આજે ત્યાં એક ભવ્ય આયોજનમાં વિશ્વને એકતાનો મેસેજ આપનાર આદિગુરુ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ હતું. એકતાના પ્રતીક આ પ્રતિમાને 'સ્ટેચ્યુ ઓફ વનનેસ' નામ આપવામાં આવ્યું છે.

5000 સાધુ-સંતો, સન્યાસીઓ, આચાર્ય અને મહામંડલેશ્વર તથા વિદ્વાનોની ઉપસ્થિતિમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ અનાવરણ 'એકાત્મ ધામ'ના રૂપમાં સનાતન ધર્મના કપાળ પર એક મંગળ તિલક છે. નર્મદા નદીના કિનારે ઓમકારેશ્વર સ્થિત માંધાતા પર્વતના શિખર પર આ વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તેના નિર્માણ માટે 27,000 પંચાયતોમાંથી વિવિધ ધાતુઓ એકત્ર કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઋષિ-મુનિઓ અને વિદ્વાનોનું ધાર્મિક પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી અને પૂજનીય સંતો દ્વારા વૈદિક યજ્ઞ અનુષ્ઠાનમાં આહૂતિ આપવમાં આવી હતી. 

આ અવસર પર દેશભરમાંથી શૈવ પરંપરાના નૃત્યોના પ્રદર્શનની સાથે જ ભારતીય પ્રદર્શનકારી શૈલીઓના કલાકારો દ્વારા આચાર્ય દ્વારા પંચાયતન પૂજા પરંપરાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ વનનેસનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

આ દરમિયાન માંધાતા પર્વત પર નિર્માણ થનાર અદ્વૈત લોકનું ભૂમિ અને શિલા પૂજન પણ કરવામાં આવ્યું હતું. 101 બટુકો દ્વારા વેદ મંત્રોના જાપ અને શંખ નાદની વચ્ચે મુખ્યમંત્રી ચૌહાણ અને આદરણી સંત એકતાની પ્રતિમાના ચરણોમાં પૂષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 


Google NewsGoogle News