મહારાષ્ટ્રમાં CM ફેસ મુદ્દે વધશે કોંગ્રેસ-શરદ પવારનું ટેન્શન? ઉદ્ધવ ઠાકરેથી નથી છૂટી રહ્યો પદનો મોહ
Maharashtra News: આગામી 6 મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અને વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થાય છે. ત્યારે મહાવિકાસ અઘાડી અને મહાયુતિ ગઠબંધન વચ્ચે સીટ વહેંચણીને લઈને ગજગ્રાહ વધી ગયો છે. તો આ સાથે જ મહાવિકાસ અઘાડીમાં મુખ્યમંત્રી પદને લઈને ભારે ધમાસણ ચાલી રહી છે. શિવસેના અને એનસીપી બંને માટે આ ચૂંટણી ખૂબ મહત્ત્વની છે. પાર્ટીમાં ભાગલા પડ્યા બાદ આ પહેલીવાર એવુ બનશે કે, જ્યારે જનતા અસલી પાર્ટીને મંજૂરી આપશે.
હાલમાં આ બન્ને પક્ષે બેઠક વહેંચણીને લઈને ચર્ચાઓ ઉગ્ર બની રહી છે. પાર્ટીઓએ તેમની મજબૂત બેઠકો પર કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. મહાયુતિની વાત કરીએ તો ભાજપ અને તેના સહયોગીઓ વચ્ચે બેઠકની વહેંચણી અંગે કોઈ નક્કર વાત સામે આવી નથી. મહાયુતિમાં આખરી નિર્ણય દેવેન્દ્ર ફડણવીસ પર છોડવામાં આવ્યો છે. જોકે, આનાથી અજિત પવાર જૂથમાં અસંતોષ પણ પેદા થઈ શકે છે. NDAમાં જોડાયા ત્યારથી અજિત પવાર અને ભાજપ વચ્ચે મતભેદો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: આજે ભાજપમાં સામેલ થઈ શકે છે ચંપાઈ સોરેન: JMMમાં અપમાન થતું હોવાનું આપ્યું કારણ
મુખ્યમંત્રીની ફોર્મ્યુલા બની શકે છે ટેન્શન
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની ફોર્મ્યુલા મોટુ ટેન્શન બની શકે છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ મુખ્યમંત્રી પદ જ ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાનું કારણ બન્યું હતું. એક તરફ ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાને કારણે પોતાનો સીએમ ઈચ્છે છે, તો બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કરી રહ્યા હતા. જ્યારે એનસીપી અને કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવવા માટે રાજી થયા તો તેમણે મહાવિકાસ અઘાડી ગઠબંધન બનાવી લીધું.
આ પણ વાંચો: UPA સરકારે જ કરી હતી ભલામણ: લેટરલ એન્ટ્રી મુદ્દે અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધીને જવાબ
તો આ વખતે ફરી એકવાર આવો જ માહોલ મહાવિકાસ અઘાડીમાં જોવા મળી રહ્યો છે. હજુ મુખ્યમંત્રી પદને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરે ભારપૂર્વક કહી રહ્યા છે કે, જ્યારે મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ જશે ત્યાર બાદ જ ચૂંટણી પ્રચાર તેજ થશે. 16 ઓગસ્ટના રોજ મુંબઈમાં મહાવિકાસ અઘાડીના અધિકારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીને લઈને રણનીતિ બનાવવાની હતી. જેમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, નાના પટોલે, સુપ્રિયા સુલે, આદિત્ય ઠાકરે, બાળાસાહેબ થોરાત, પૃથ્વીરાજ ચવ્હાણે પણ આ બેઠકમાં સામેલ હતા. આ સિવાય સીપીઆઈ, સીપીએમ અને શેકાપ જેવા નાના પક્ષોના નેતાઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી પદ પર ઉદ્ધવનું નિવેદન મહત્ત્વનું
ઉદ્ધવ ઠાકરેએ આ બેઠકમાં કહ્યું કે, "જો શરદ પવાર અને કોંગ્રેસ મુખ્યમંત્રીપદના નામની જાહેરાત કરશે, તો હું પણ તેને સમર્થન આપીશ. આ ચૂંટણી કોઈ વ્યક્તિગત ફાયદા માટે નથી લડી રહ્યા. સંખ્યાના આધારે સીએમના ચહેરાની ચર્ચા ન થવી જોઈએ. નહિં તો ગઠબંધનમાં રહેલી પાર્ટીઓ જ એકબીજાની બેઠકો કાપવામાં લાગી જશે. અને તેનો ફાયદો માત્ર વિપક્ષને જ મળશે. એટલે આ સ્થિતિમાં સીએમનો ચહેરો નક્કી કર્યા પછી આગળ વધવું વધુ યોગ્ય ગણાશે."
મુખ્યમંત્રીના ચહેરા માટે મતભેદ
જ્યારે શરદ પવાર અને નાના પટોલે બંનેએ ઉદ્ધવની આ માંગને સમર્થન નહોતું આપ્યું. બંને નેતાઓએ કહ્યું કે, મહાવિકાસ અઘાડીની જીત માટે સૌથી પહેલુ કાર્ય બધાએ સાથે મળીને ચૂંટણી લડવાનું છે. આ પછી જ મુખ્યમંત્રી પદ અંગેનો નિર્ણય યોગ્ય રહેશે. ત્યારે પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે, જેની પાસે વધુ બેઠકો હોય તેના મુખ્યમંત્રી બને તેવી વાત કરી હતી. હવે ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ સવાલ એ છે કે, મહાવિકાસ અઘાડીમાં કોનું ચાલશે અને સીએમના નામની જાહેરાત કેવી રીતે કરવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરેથી નથી છૂટી રહ્યો પદનો મોહ
ઉદ્ધવ ઠાકરેને હજુ પણ મુખ્યમંત્રી પદનો મોહ નથી છુટતો. તેમણે આ અંગેના સંકેત આપી દીધા છે. લાડલી બેહન યોજના વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, " આ યોજના માટે બજેટ ક્યાંથી આવશે તે અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કરવું જોઈએ. આ યોજનાને લઈને સીએમ નારાજ થતાં રહે છે અને તેથી કેટલાક IAS અધિકારીઓ કહે છે કે, તમારે જલ્દી પાછા આવો." જો કે એક વાત સ્પષ્ટ છે કે, લોકસભા ચૂંટણીમાં ઉદ્ધવ જૂથનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેથી જ ઉદ્ધવ ઠાકરે સીએમના ચહેરા પર દબાણ લાવી રહ્યા છે.