NDA સરકાર પર સંકટ, PM મોદીના સમર્થનના બદલામાં નીતિશની રોજ નવી માંગથી વિખવાદ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
NDA સરકાર પર સંકટ, PM મોદીના સમર્થનના બદલામાં નીતિશની રોજ નવી માંગથી વિખવાદ 1 - image


Image Source: Twitter

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારને સમર્થન આપવાના બદલામાં રોજ નવી-નવી માંગ કરી રહ્યા છે. સીએમ નીતિશ કુમાર અને તેમની પાર્ટી લાંબા સમયથી રાજ્ય માટે વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા હતા. પરંતુ તાજેતરના નિયમો પ્રમાણે બિહાર જેવા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નહોતું. આવી સ્થિતિમાં મોદી સરકારે 2024ના સામાન્ય બજેટમાં બિહાર માટે ભંડાર ખોલી દીધો હતો. બજેટમાં બિહારમાં વિકાસ કાર્યો અને પૂર નિયંત્રણ માટે લગભગ 64 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. 

કેન્દ્ર સરકારની આ જાહેરાતથી નીતીશ કુમાર ખૂબ જ ખુશ થયા. તેમની વર્ષો જૂની માંગ પૂરી થઈ. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. બિહારમાં સમાજવાદનો ચહેરો બનેલા નીતિશ કુમાર નવી માંગ સાથે કેન્દ્ર સરકાર સામે ઉભા છે. આ એક એવી માંગ છે જેણે કેન્દ્ર સરકારને ધર્મ સંકટમાં મુકી દીધી છે.

સુપ્રીમ કોર્ટથી ઝટકો

સોમવારે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને મોટો ઝટકો આપ્યો હતો. રાજ્ય સરકારે ગત વર્ષે રાજ્યમાં જાતિ આધારિત સર્વેક્ષણના અહેવાલના આધાર પર અનામત મર્યાદા 50%થી વધારીને 65% કરી હતી. તે સમયે રાજ્યમાં નીતિશ કુમાર RJDના સમર્થનથી રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમણે રાષ્ટ્રીય સ્તરે I.N.D.I.A ગઠબંધનના ગઠનની પહેલ કરી. આ સમય દરમિયાન તેમણે રાષ્ટ્રીય સ્તરે OBC અનામત મર્યાદા વધારવાની હિમાયત કરી હતી. આ જ ક્રમમાં તેમણે બિહારમાં પ્રથમ જાતિ સર્વેક્ષણ અને પછી અનામતની મર્યાદા 65% કરવાના નિર્ણયને વિધાનસભાની મંજૂરી અપાવી હતી. બિહાર ભાજપે પણ તેમના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. 

ત્યારબાદ નીતિશ સરકારના આ નિર્ણયને પટના હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો અને હાઈકોર્ટે તેને રદ્દ કરી દીધો. ત્યારબાદ બિહાર સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં સોમવારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

હવે આ મુદ્દો રાજકીય બની ગયો છે. વિપક્ષ RJD તેને લઈને નીતિશ કુમાર પર પ્રહારો કરી રહ્યું છે. નીતિશની રાજનીતિ માટે આ નિર્ણયનો અમલ કરાવવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આવી સ્થિતિમાં હવે એક જ રસ્તો બચ્યો છે. બિહાર સરકારના આ નિર્ણયને કેન્દ્ર સરકાર બંધારણની નવમી અનુસૂચિમાં મૂકી દે. આ અંગે નીતિશ કુમાર અને તેમની પાર્ટીએ કેન્દ્ર સરકારને ઔપચારિક વિનંતી પણ કરી છે. તાજેતરમાં જ નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં પીએમ મોદીને પણ આ અંગે વિનંતી કરવાની વાત કરી હતી.

શું છે નવમી અનુસૂચિ

બંધારણની નવમી અનુસૂચિમાં કોઈપણ મુદ્દાનો સમાવેશ કરીને કોર્ટ દ્વારા તેની સમીક્ષા નથી કરી શકાતી. હજું સુધી આ અનુસૂચિમાં 284 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે આ સમયે અમારી પાસે બહુ મર્યાદિત વિકલ્પો છે. કેન્દ્ર સરકારે અમારી માંગ પર વિચાર કરવો જોઈએ. કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાના સવાલ પર તેમણે કહ્યું કે અમે દબાણની રાજનીતિમાં નથી માનતા. બાબતોને વ્યાપક સંદર્ભમાં જોવાની જરૂર છે. EWS ક્વોટા લાગુ થયા બાદ દેશમાં આરક્ષણનો મુદ્દો નવી રીતે ચર્ચાઈ રહ્યો છે.

નીતિશ માટે કેમ મહત્વપૂર્ણ છે આ મુદ્દો

સીએમ નીતીશ કુમારનું સમગ્ર રાજકારણ OBC અને EBC કેન્દ્રિત રહ્યું છે. બિહારમાં છેલ્લા 34 વર્ષથી લગભગ સમાજવાદીઓની સરકાર છે. આ પહેલા લાલુ યાદવ અને પછી નીતિશ કુમારની સત્તા ચાલી રહી છે. જાતિ સર્વેક્ષણ બાદ તેમણે OBC-EBC રાજકારણને નવી ધાર આપી છે. હવે આ મામલો કાનૂની દાવ-પેચમાં ફસાઈ ગયો છે. પરંતુ કેન્દ્ર સરકાર પાસે આ નવી માંગ કરીને નીતિશે તેને ધર્મ સંકટમાં મુકી દીધું છે.

ધર્મ સંકટમાં કેન્દ્ર સરકાર

નીતિશ કુમારની આ માંગને કારણે કેન્દ્ર સરકાર ધર્મ સંકટમાં છે. રાષ્ટ્રીય સ્તરે I.N.D.I.A ગઠબંધન ભાજપની ધર્મની રાજનીતિના વિરોધમાં જ્ઞાતિની રાજનીતિ પર ભાર આપી રહ્યું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદમાં વસતી હિસાબે ભાગીદારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેમણે સોમવારે જ બજેટ પર ચર્ચા દરમિયાન જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકારનું બજેટ તૈયાર કરી રહેલા 20 ઉચ્ચ અધિકારીઓમાંથી માત્ર એક OBC અને એક લઘુમતી સમુદાયમાંથી છે. તેમનું આ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. મોદી સરકાર હવે સ્પષ્ટતા કરવાની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં જો તે નીતીશ કુમારની માંગ નહીં સ્વીકારે તો તેમના પર OBC વિરોધી હોવાનો આરોપ લગાવવામાં આવશે. કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધન તેને રાજકીય મુદ્દો બનાવશે.


Google NewsGoogle News