CM મમતા બેનર્જી ફરી કેન્દ્ર સરકાર પર અકળાયા, પશ્ચિમ બંગાળની બાકી ચુકવણી મામલે લગાવ્યો ગંભીર આક્ષેપ
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળની બાકી રકમ અટકાવી રાખી હોવાથી ઘણા લોકો યોજનાઓથી વંચિત : CM મમતા બેનર્જી
જાણીજોઈને બાકી ચુકવણી અટકાવી હોવાનો TMCનો આક્ષેપો : કેન્દ્ર સરકાર કહ્યું, રાજ્યમાં યોજનાઓના નામે ભ્રષ્ટાચાર
કોલકાતા, તા.10 નવેમ્બર-2023, રવિવાર
પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal Government) અને કેન્દ્ર સરકાર વચ્ચે યોજનાઓ સંબંધિત બાકી રકમ મામલે અવાર-નવાર વિવાદ જોવા મળતો હોય છે, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee)એ બાકી ચુકવણી મામલે ફરી કેન્દ્ર સરકારને આડે હાથ લીધું છે. TMCએ આરોપ લગાવ્યો છે કે, BJP શાસિત કેન્દ્ર સરકાર કેન્દ્રીય યોજનાઓની પશ્ચિમ બંગાળ ચુકવવાની બાકી રકમ જાણીજોઈને અટકાવી રહી છે. તો બીજીતરફ કેન્દ્ર સરકારે ટીએમસીના આરોપોને રદીયો આપી કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય યોજનાઓના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
‘હું PMને મળવા સાંસદો લઈને દિલ્હી જઈશ’
બંગાળ અને કેન્દ્રના વિવાદ વચ્ચે મમતા બેનર્જીએ શનિવારે મોટું નવિદેન આપ્યું હતું. મમતાએ સિલિગુડી નજીક બાગડોગરા ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, મેં પત્ર લખી PM મોદી (PM Narendra Modi)ને મળવાનો સમય માંગ્યો છે. મેં 18થી 20 ડિસેમ્બર વચ્ચે કોઈ એક દિવસ મળવાની માંગ કરી છે. હું આ મહિને પક્ષના કેટલાક સાંસદો સાથે દિલ્હી જઈ અને રાજ્યને આપવાની બાકી રકમ માટે વડાપ્રધાન સાથે ચર્ચા કરીશ
કેન્દ્ર સરકારના કારણે ઘણા લાભાર્થી વંચિત રહી ગયા : મમતા બેનર્જી
મમતા બેનર્જીએ આજે રવિવારે અલીપુરદ્વારમાં એક જાહેર બેઠકમાં સંબોધન દરમિયાન કહ્યું કે, કેન્દ્ર સરકારના કારણે ઘણા લોકો સામાજિક કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયા છે. જો કેન્દ્ર સરકારે રાજ્યને સમયસર બાકી રકમ ચુકવી દીધી હોત તો અમે વધુમાં વધુ લોકો સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓમાં સામેલ કર્યા હોત, જોકે આવું ન થઈ શક્યું.
મમતાએ 70 પરિયોજનાઓની જાહેરાત કરી
સંબોધન દરમિયાન મમતાએ કહ્યું કે, અમારી સરકાર ચાના બગીચામાં કામ કરતા શ્રમિકો, આદિવાસીઓ અને શ્રમિકો સહિત સમાજના તમામ વર્ગો સાથે ઉભી છે. હું હંમેશા મારું વચન નિભાવું છું. મને દુઃખ એ છે કે, કેન્દ્ર સરકારે અમને સમયસર બાકી રકમ ન ચુકવી, જેના કારણે વધુ લોકોને લાભ મળી શક્યો નથી. સંબોધન દરમિયાન મમતાએ 93 કરોડ રૂપિયાના 70 પ્રોજેક્ટોની પણ જાહેરાત કરી હતી.
પશ્ચિમ બંગાળને રૂ.1.15 લાખ કરોડ ચુકવવાની બાકી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે, પશ્ચિમ બંગાળની બાકી રકમ વિવિધ વિભાગોમાં પેન્ડિંગ છે, જેમાં મનરેગા (Mgnrega) હેઠળ 100 દિવસનું કામ, આવાસ અને જીએસટી કલેક્શનમાં રાજ્યનો હિસ્સો સામેલ છે. પશ્ચિમ બંગાળને કેન્દ્ર સરકારે પાસેથી કુલ 1.15 લાખ કરોડ રૂપિયાની બાકી રકમ લેવાની નિકળે છે.