જરૂર પડશે તો ફાંસીના માચડે લટકાવી દઈશું...', ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા મામલે મમતા બેનરજી લાલઘૂમ
Image Source: Twitter
Kolkata Doctor Murder: પશ્ચિમ બંગાળમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં એક ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી બર્બરતાએ આખા દેશનો હચમચાવી મૂક્યો છે. મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. હવે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લાલઘૂમ થયા છે. તેમણે કહ્યું કે, જરૂર પડશે તો હત્યાના આરોપીઓને ફાંસીના માચડે લટકાવી દઈશું.
શુક્રવારે કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ફરજ પર તેહનાત પીજીટી ડોક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. મહિલા તબીબ હોસ્પિટલના છાતીના રોગની સારવાર વિભાગની બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, ડોક્ટરના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. મહિલા તબીબના પિતાએ આરોપ લગાવ્યો કે, હોસ્પિટલમાં મારી દીકરી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે સત્ય છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મહિલા ડોક્ટરની હત્યા કરતા પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
જરૂર પડશે તો ફાંસીના માચડે લટકાવી દઈશું
સીએમ મમતા બેનર્જીએ આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે દાવો કર્યો કે હત્યાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં ટ્રેઈની ડોક્ટરના પરિવારજનો સાથે વાત કરી છે. તેમને આશ્વાસન પણ આપ્યું છે કે, આ મામલે કોઈ બેદરકારી દાખવવામાં નહીં આવશે. ડોક્ટરનું મૃત્યુ મને અંગત નુકસાન લાગે છે. ડોકટરોના ગુસ્સા અને તેમની માંગણીઓને સંતોષવામાં આવશે. હું તેમને સંપૂર્ણ સમર્થન આપું છું. પોલીસે તેમની માંગણીઓ પણ સ્વીકારી લીધી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મેં આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાનો આદેશ આપ્યો છે. જરૂર પડશે તો દોષિતોને ફાંસીના માચડે લટકાવી દઈશું.
એક વ્યક્તિની ધરપકડ
આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. અધિકારીએ કહ્યું કે આરોપી વ્યક્તિ હોસ્પિટલ સાથે સંકળાયેલો નથી પરંતુ તે તબીબી સંસ્થાના વિવિધ વિભાગોમાં અવારનવાર આવતો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે એક વ્યક્તિની ધરપકડ કરી છે જે બહારનો છે. તેની શંકાસ્પદ ગતિવિધિઓ દર્શાવે છે કે તે ગુનામાં સામેલ હતો. તેમણે જણાવ્યું કે, પીજીટી મહિલા ડોક્ટરના મૃત્યુની તપાસના સંદર્ભમાં પોલીસે શુક્રવારે રાત્રે બે ઈન્ટર્ન ડોક્ટરોની પણ પૂછપરછ કરી હતી.