'શરદ પવાર હમાસનો સાથ આપવા માટે સુપ્રિયા મેડમને ગાઝા મોકલશે': પેલેસ્ટાઈન અંગેના નિવેદન મુદ્દે CM બિસ્વા સરમાનો કટાક્ષ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
'શરદ પવાર હમાસનો સાથ આપવા માટે સુપ્રિયા મેડમને ગાઝા મોકલશે': પેલેસ્ટાઈન અંગેના નિવેદન મુદ્દે CM બિસ્વા સરમાનો કટાક્ષ 1 - image

Image Source: Twitter

- ભાજપે NCP પ્રમુખ શરદ પવારના નિવેદનની ટીકા કરી

નવી દિલ્હી, તા. 19 ઓક્ટોબર 2023, ગુરૂવાર

Israel Palestine Issue: ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ મુદ્દે ભારતમાં પણ રાજનીતિક પ્રતિક્રિયાઓનો સિલસિલો યથાવત છે. આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ NCP ચીફ શરદ પવારના પેલેસ્ટાઈનને લઈને આપેલા નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, શરદ પવાર સાહેબ સુપ્રિયા સુલે મેડમને હમાસ તરફથી લડાઈ લડવા માટે ગાઝા મોકલશે. 

સરમાનું આ નિવેદન શરદ પવારના એ નિવેદનની પ્રતિક્રિયામાં આવ્યુ છે જેમાં તેમણે કહ્યું હતું કે, આપણે પેલેસ્ટાઈનની સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. તે આખી જમીન પેલેસ્ટાઈનની છે અને ઈઝરાયલે આવીને તે જમીન પર કબજો કરી લીધો છે અને તેમના ઘરો પર કબજો કરી લીધો છે. ઈઝરાયલીઓ ત્યાં બહારના લોકો છે અને વાસ્તવમાં આ જમીન પેલેસ્ટેનિયનની છે. તેમણે વધુમાં કહ્યું કે, NCP એ લોકો સાથે ઉભી છે જેમની આ જમીન છે.

શરદ પવારના નિવેદનની બીજેપીએ કરી ટીકા

ભાજપે NCP પ્રમુખ શરદ પવારના નિવેદનની ટીકા કરી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, મને ખૂબ જ દુઃખ થાય છે જ્યારે શરદ પવાર જેવા વરિષ્ઠ નેતા ઈઝરાયેલ પરના આતંકવાદી હુમલા પર ભારતના વલણ પર આવા વાહિયાત નિવેદનો આપે છે.

પીયૂષ ગોયલે શરદ પવાર પર નિશાન સાધ્યું હતું અને તેમણે કહ્યું કે, અંતે તો પવાર સાહેબ પણ તે જ સરકારનો હિસ્સો રહી ચૂક્યા છે. જેણે બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આંસુ વહાવ્યા હતા અને ભારત પર આતંકવાદી હુમલા વખતે ઊંઘી રહી હતી.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે પણ કટાક્ષ કર્યો

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ પેલેસ્ટાઈનના સમર્થનમાં શરદ પવારના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદ પર ભારતે ક્યારેય પોતાનું વલણ બદલ્યું નથી. ભારતે કોઈપણ રૂપમાં કોઈપણની વિરુદ્ધમાં આતંકવાદનો સતત વિરોધ કર્યો છે. જ્યારે ઈઝરાયેલમાં નિર્દોષ લોકો માર્યા ગયા ત્યારે ભારત સહિત દરેકે આ હુમલાની નિંદા કરી હતી. શરદ પવારએ પણ આતંકવાદ સામે આવી જ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. 



Google NewsGoogle News