ઍલર્ટ! 2200 કરોડના ઓનલાઇન સ્કેમનો ભાંડાફોડ, મુખ્યમંત્રીએ જાહેરમાં લોકોને કરવી પડી અપીલ
Assam 2200 Crore Cyber Scam: ફક્ત 22 વર્ષના એક યુવાનની કરતૂતથી આખો દેશ ચોંકી ગયો છે. આ યુવકે લોકોને સારા રિટર્નની લાલચ આપી 2200 કરોડની સાયબર ઠગાઈ કરી છે. જેને ધ્યાને લઈને અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લોકોને નકલી ઇનવેસ્ટમેન્ટ બ્રોકરથી સાવધાન રહેવાની સલાહ આપવાની ફરજ પડી છે. આ કેસની તપાસ કરતાં સામે આવ્યું છે કે, આવી એક નહીં પરંતુ અનેક પેઢીઓ છે, જે ગેરકાયદેસર રીતે કામ કરી રહી છે. આ પેઢી SEBI અને RBIની ગાઇડલાઇનને પણ અનુસરતી નથી.
જ્યારે મીડિયામાં ખુલાસો થયો કે, અસમમાં એવી ઘણી નકલી ટ્રેડિંગ પેઢીઓ કામ કરી રહી છે, જે પેઢીઓ SEBI અને RBIની ગાઇડલાઇનને ફોલો નથી કરતાં. ત્યારે આ અહેવાલોને ગંભીરતાથી લઈને બિસવાએ લોકોને અપીલ કરી કે, આવા ઇન્વેસ્ટમેન્ટ બ્રોકરોથી સાવધાન રહો, જે લીગલ પ્રોસેસ ફોલો નથી કરતાં. એવી કોઈ સિસ્ટમ નથી જ્યાં આ ઓનલાઇન ટ્રેડિંગ ફર્મ દ્વારા રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોય. આ સાયબર ઠગ ગેરકાયદેસર કામ કરીને લોકોને છેતરી રહ્યા હતાં. હાલ પોલીસે તેમની સામે એક્શન લેવાનું શરુ કરી દીધું છે.
બિસવાએ કહ્યું, હું લોકોને વિનંતી કરુ છું કે, તમામ લોકો સાયબર ઠગોથી દૂર રહો. પોલીસે ગેરકાયદેસર બ્રોકર સામે કેસ નોંધી દીધો છે અને અમે રાજ્યમાં ચાલી રહેલાં આ રેકેટનો ભાંડો ફોડીને જ જંપીશું. જે વ્યક્તિ પર ઈન્વેસ્ટમેન્ટ નેટવર્ક ચલાવવાનો આરોપ હતો, તેની મંગળવારે જ ધરપકડ થઈ ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો અસમનો છે, જ્યાં 22 વર્ષના વિશાલ ફુકને લોકોને 60 દિવસની અંદર 30 ટકા રિટર્ન આપવાના નામે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું. વિશાલે અસમના અમીર લોકો અને તમામ ડૉક્ટર-ઇજનેર પાસેથી પણ રોકાણ કરાવ્યું હતું. લોકોને ઠગવા તેણે 4 કંપનીઓ બનાવી હતી. આ કંપની ફાર્મા, પ્રોડક્શન અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલી હતી. તેણે લોકોના પૈસા અસમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ લગાવ્યા અને ડઝનથી વધારે સંપત્તિઓ ખરીદી લીધી. તેણે શેર માર્કેટમાં પણ લોકોના પૈસાનું રોકાણ કર્યું. જેનો નફો પણ વિશાલે પોતે જ લઈ લીધો અને લોકોને પૈસા ડૂબી ગયા એવું કહ્યું.
કેવી રીતે થયો ખુલાસો?
વિશાલ ફુકનના આ સ્કેમનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગુવાહાટી શહેરમાં શેર માર્કેટ સાથે જોડાયેલા ઘણાં ફ્રોડનો ખુલાસો થયો. આ દરમિયાન ડીબી સ્ટોક બ્રોકિંગ કંપનીના માલિક દીપાંકર બર્મન લાપતા થઈ ગયા અને પોલીસની તપાસ ફુકન સુધી પહોંચી. ત્યારબાદ ફુકને સોશિયલ મીડિયા એકાઉન્ટથી લોકોને પૈસા પરત કરવાનો વિશ્વાસ પણ અપાવ્યો હતો. આ દરમિયાન અસમ પોલીસે 2 સપ્ટેમ્બરે રાત્રે ફુકનના ઘરની તપાસ કરતાં ફુકન અને તેના મેનેજર વિપ્લવની ધરપકડ કરી. બન્ને પર બિન જામીન ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસ સિવાય પણ સાયબર ઠગો લોકોને લૂંટવા માટે અલગ-અલગ રીત અપનાવે છે. અવાર-નવાર આવી અનેક ઘટનાઓ સામે આવે છે, જેમાં હાઇ રિટર્ન આપવાના નામે લોકોને ઠગવામાં આવે છે. જેનાથી બચવા માટે સરકારે પણ પગલાં લીધાં છે. ગૃહ મંત્રાલય દ્વારા X પર ચલાવવામાં આવતું 'સાયબર દોસ્ત' એકાઉન્ટ આ પ્રકારના વિવિધ સાયબર ફ્રોડ અને સ્કેમથી લોકોને સાવધાન કરે છે.